Abtak Media Google News

પ્રિ-મોનસુન એકિટવિટીનો આરંભ

માછમારોને દરિયો ન ખેડવા તાકીદ: ગરમીનું જોર ઘટયું: પરસેવે રેબઝેબ કરી દેતો બફારો

સૌરાષ્ટ-કચ્છ સહિત સમગ્ર રાજયમાં હવે પ્રિ મોનસુન એકિટવીટી શરુ થઇ જવા પામી છે. વાતાવરણ સુકુ થઇ ગયું છે. ગરમીનું જોર ઘટયું છે. પરંતુ પરસેવે  રેબઝેબ  કરતો બફારો અકળાવી રહ્યો છે. સવારના સમયે આકાશમાં વાદળોને જમાવડો જોવા મળે છે. દરમિયાન આજે સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બને તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. 40 થી પ0 કી.મી.ની ઝડપે અને અમુક સ્થળે 60 કી.મી.ની ઝડપે પવન ફુંકાવવાની સંભાવના હોય માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. રાજસ્થાનમાં સર્જાયેલા થર્મલ લોથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી ત્રણ દિવસ વાદળવાયું વાતાવરણ રહેશે ધુળની ડમરી ઉડતી રહેશે.

હવામાન  વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજે જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદરના દરિયા કિનારે 40 થી પ0 કી.મીની અતિ તિવ્ર  ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે અમુક સ્થળોએ 60 કી.મી. ની ઝડપે પવન ફુંકાય શકે છે. આજે માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. રાજસ્થાનમાં થર્મલ લો સિસ્ટમ સર્જાયાના કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો   આવ્યો છે. આગામી ત્રણ દિવસ હજી વાતાવરણ સ્થીર રહેશે જો કે વરસાદ આપે તેવી કોઇ જ સિસ્ટમ નથી. રાજયભરમાં ગરમીનું જોર ઘટયું છે. જોરદાર પવન ફૂંકાય રહ્યો છે. રાજકોટમાં પણ સોમવારે 43 કી.મી.ની ઝડપે પવન  ફૂંકાયો હતો. આજે સવારથી વાદળ છાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરસેવે રેબઝેબ કરી દેતો અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. ત્રણ મહિના કાળઝાળ ગરમીમાં શેકાયા બાદ હવે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

સોમવારે રાજયભરમાં ગરમીનું જોર ઘટયું હતું. મહત્તમ તાપમાનનો પારો અઢી થી ત્રણ ડીગ્રી સુધી નીચે પટકાયો હતો. અમદાવાદનું તાપમાન 41.2 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. જયારે ભાવનગરનું તાપમાન 40.2 ડીગ્રી અને સુરેન્દ્રનગરનું તાપમાન 40ડીગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત તમામ શહેરોનું તાપમાન 40 ડીગ્રીથી નીચું રહેવા પામ્યું હતું. રાજકોટનું તાપમાન 39 ડીગ્રી ગાંધીનગરનું તાપમાન 39.8 ડીગ્રી, વડોદરાનું તાપમાન 38 ડીગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 38 ડીગ્રી, અને કેશોદનું તાપમાન 35 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.આગામી પાંચ દિવસ રાજયમાં ગરમીમાં રાહત રહેશે જો કે બફારાનો અહેસાસ થશે.

દાહોદ પંથકમાં વરસાદ

રાજયમાં પ્રિ-મોનસુન એકિટવીટી શરૂ થઈ જવા પામી છે.છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળીરહ્યો છે. દરમિયાન આજે સવારે દાહોદ પંથકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. ધાનપૂર, દેવગઢ બારિયા સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. વાદળછાંયું વાતાવરણ છવાયેલુ રહ્યું હતુ ઉતર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. અરવલ્લીના મેઘરજમાં સામાન્ય છાંટા પડયા હતા. શામળાજી અને ભિલોડામાં વરસાદી વાતાવરણ રહ્યું હતુ છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલી જનતાને રાહત મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.