Abtak Media Google News

અમરેલી, ગીર- સોમનાથ અને ભાવનગરને મેઘરાજા આજથી જ ધમરોળવાનું શરૂ કરશે : સૌરાષ્ટ્ર- કચ્છમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ

વન વિભાગ દ્વારા રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનું આયોજન : ૨૪ સ્થળોએ કંટ્રોલ રૂમ શરૂ

સૌરાષ્ટ્ર- કચ્છમાં આગામી તા.૧૭થી ફરી મેઘરાજા ધબધબાટી બોલાવવાના છે.જેમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરને તો આજથી જ મેઘરાજા ધમરોળવાના છે. તેવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે. જેને પગલે વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જરૂરી નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર- કચ્છમાં આગામી તા.૧૭ને શુક્રવારથી તા.૨૩ સુધી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. તેમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં તો આજથી જ અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન  વિભાગે વ્યક્ત કરી છે. અગાઉ સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાએ તોફાની ઈનિંગ રમી હતી. ત્યારે હવે ફરી મેઘરાજા તોફાની ઈનિંગ રમવા આવવાના છે.

સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહીના પગલે રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં તા.૧૪/૭/૨૦૨૦ સુધીમાં ૨૬૯.૮૭ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમીની સરખામણીએ ૩૨.૪૮% છે. રાજ્યના તમામ તાલુકામાં વરસાદ ૧ મીમી થી લઈ ૧૩૩૭ મીમી સુધી નોંધાયો છે.

ઈંખઉ દ્વારા પી.પી.ટી રજુ કરી આગામી અઠવાડીયામાં તા.૧૭ થી ૨૩ જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં તથા કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં સામાન્યત: હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  ચાલુ વર્ષે અંદાજીત ૫૭.૩૭ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૧૩/૭/૨૦૨૦ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૪૮.૭૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૬૭.૫૮% વાવેતર થયુ છે.

વન વિભાગ દ્વારા આ બેઠકમાં માહિતી આપતા જણાવાયુ હતુ કે, રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રુમ કાર્યરત કરવાનું આયોજન આયોજન છે જે અંતર્ગત ૨૪ સ્થળોએ કંટ્રોલ રુમ કાર્યરત છે.આ ઉપરાંત સિંચાઈ વિભાગ, આર  બી વિભાગ, ઊર્જા સહિતના વિવિધ વિભાગ, એન.ડી.આર.એફ તેમજ એસ.ડી.આર.એફ દ્વારા પૂર્વ તૈયારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત તમામને આગામી વરસાદની સીઝનમાં સંભવિત આફતને પહોંચી વળવા સાવચેત રહેવા રાહત કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત તરફ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૦૧ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં સાડા ૪ ઇંચ, સુરતમાં સવા ૪ ઇંચ, નવસારીમાં ૩ ઇંચ, ચોર્યાસીમાં સવા ૪ ઇંચ, બોટાદમાં અઢી ઇંચ, વલસાડમાં સવા બે ઇંચ, પાલસણામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારથી પણ અનેક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં સવારે ૬થી ૮માં વલસાડના ઉંમરગામમાં દોઢ ઇંચ, ચોર્યાસીમાં દોઢ ઇંચ, જલાલપોર અને નવસારીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.