Abtak Media Google News
  • મેઘરાજા જો હવે વિરામ નહીં લ્યે તો ખેતરોમાં તૈયાર થયેલો પાક નિષ્ફળ જતાની ભીતિ
  • 106 ટકા જેટલો વરસાદ વરસી ગયા બાદ સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં મેઘાનો મૂકામ: ઉપલેટામાં સવારે બે ઇંચ, જામજોધપુર, લીલીયામાં દોઢ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં હવે લીલી દુષ્કાળની દહેશત ઉભી થવા પામી છે. છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. 106 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. દરમિયાન આજે સવારથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટામાં સવારે બે કલાકમાં બે ઇંચ, જામજોધપુર અને લીલીયામાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. હવે જગતાત મેઘરાજાને બેહાથ જોડી ખમૈયા કરવા વિનવી રહ્યો છે. હજી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી 76 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યમાં ગત શુક્રવારથી સતત વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતને બાદ કરતા રાજ્યના તમામ પ્રાંતમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. હમેંશા જે વિસ્તારમાં વરસાદની ખેંચ વર્તાય છે તે કચ્છ રિજીયન આ વર્ષ અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યું છે. કચ્છમાં આ વર્ષ સિઝનનો 178.44 ટકા વરસાદ વરસી ગયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 120.50 ટકા, સૌરાષ્ટ્રમાં 105.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 119.40 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં 113.14 ટકા વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં અવિરત વરસાદથી હવે લોકોને ભારે હાલાકી વેઠી રહ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે. આ વર્ષ ચોમાસાનું વહેલુ આગમન થયું હતું. જેના કારણે ખેડૂતોએ વાવણી કાર્ય પણ વહેલુ આટોપી લીધું હતું. હાલ ખેતરોમાં કપાસ, મગફળી, તલ સહિતના પાકો તૈયાર થઇને ઉભા છે.

જ્યારે અન્ય પાકો તૈયાર થવાની અણીએ છે. આવામાં છેલ્લા એક સપ્તાહથી અનરાધાર અને અવિરત વરસાદથી કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ અતિવૃષ્ટિનું જોખમ ઝળુંબી રહ્યું છે. જગતાત મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહ્યા છે. બીજી તરફ વરૂણ દેવનું જોર સતત વધી રહ્યું છે. મોટાભાગના તમામ જળાશયો છલકાય ગયા છે. આવામાં હવે જો વરસાદ વિરામ નહી લ્યે તો સૌરાષ્ટ્રમાં લીલા દુષ્કાળનું જોખમ પણ તોળાઇ રહ્યું છે. બુધવારે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. દરમિયાન આજે સવારથી રાજકોટ, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર ઉપરાંત કચ્છ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે બે કલાકમાં ઉપલેટામાં સુપડાધારે બે ઇંચ, જામજોધપુર અને લીલીયામાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. વેરાવળ, ભચાઉમાં એક ઇંચ, માળીયા મીંયાણા, મોરબી, ધ્રોલ, કાલાવાડ, કુતિયાણા, ગાંધીધામ અને માળીયા હાટીનામાં અર્ધા ઇંચ વરસાદ પડી ગયો હતો.

સૌરાષ્ટ્રમાં હવે લીલા દુષ્કાળનું જોખમ ઝળુંબી રહ્યું છે. હજી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવરાત્રિ દરમિયાન પણ વરસાદની આગાહી આપવામાં આવી છે.

  • રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, નવરાત્રિમાં પણ વિઘ્ન બની શકે

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 દિવસ પડી શકે છે ભારે વરસાદ. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર વોલ માર્ક લો પ્રેશરની સાથે વરસાદી ટર્ફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદ રૂપે તેની અસર દેખાશે. હવામાન વિભાગે માછીમારોને પણ બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. અનુમાન છે કે, ચોમાસાની વિદાયને વાર હોવાથી નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. જો કે 17 તારીખ બાદ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

  • ભાદર-આજી સહિત 49 ડેમ સતત ઓવરફ્લો
  • ભાદર ડેમ 8 દરવાજા પાંચ ફૂટ ખોલાયા  હેઠવાસના ગામોને સાવચેત કરાયા

Bhadar Dam History / Bhadar Dam Jetpur / Bhadar Dem / Bhadar Dam River / Bhadar Dam 1 / Bhdar Dam Information / Travels &Amp; History

સૌરાષ્ટ્રમાં છેલ્લા સાત દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મેઘ મહેરના કારણે રાજ્યના મોટાભાગના તમામ જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં પણ જળ વૈભવ હિલોળા રહ્યું છે, ભાદર અને આજી સહિતના 49 ડેમ સતત ઓવરફ્લો થઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા ગણાતા ભાદર ડેમના 8 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.

હાલ ભાદર, મોજ, ફોફળ, વેણુ-2, આજી-1, આજી-2, આજી-3, સોડવદર, સુરવો, ડોંડી, વાછપરી, વેરી, ન્યારી-1, ન્યારી-2, લાલપરી, ખોડાપીપર, છાપરવાડી-1, છાપરવાડી-2, ઇશ્ર્વરિયા, કરમાળ, ભાદર-2, કર્ણકી, ડેમી-2, ઘોડાધ્રોઇ, બંગાવાડી, બ્રાહ્મણી-2, મચ્છુ-3, પન્ના, ફુલઝર-2, ડાઇમીણસાર, ઉંડ-3, આજી-4, ઉંડ-1, ઉંડ-2, ફુલઝર (કોબા), રૂપાવટી, રૂપારેલ, ઉમીયા સાગર, ઘી, વર્તુ-1, વર્તુ-2, સોનમતી, વેરાડી-1, સીંઘણી, કાબરકા, વેરાડી, મીણસાર, ધોળીધજા, ત્રિવેણી ઢાંગા અને સોરઠી ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે.

  • રાજ્યના 205 તાલુકાઓમાં વરસાદ સિઝનનો 113.14 ટકા વરસી ગયો
  • ખેડબ્રહ્મામાં સૌથી વધુ પાંચ ઇંચ, સાયલામાં ચાર, નવસારી-મોડાસામાં સવા ત્રણ ઇંચ, વાપી, ગઢડા, બાબરા, રાપર, મહુવામાં ત્રણ ઇંચ ખાબક્યો

રાજ્યમાં આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન તમામ 33 જિલ્લાના 250 તાલુકાઓ પૈકી 205 તાલુકાઓમાં વરસાદ વરસી ગયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતને બાદ કરતા તમામ પ્રાંતમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં સરેરાશ 113.14 ટકા પાણી વરસી ગયો છે. હવે મેઘરાજા વિરામ લે તેવી આજીજી લોકો કરવા લાગ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સહિતના જળાશયો છલકાય ગયા છે. આજે સવારથી પણ 76 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ગુજરાતમાં ગત શુક્રવારથી અવિરત અને અનરાધાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 205 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પાણી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં પાંચ ઇંચ પડ્યું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ચાર ઇંચ, નવસારી, મોડાસામાં સાડા ત્રણ ઇંચ, વાપી, ગઢડા, બાબરા, રાપર, મહુવામાં ત્રણ ઇંચ, પારડી, વિજયનગર, ભિલોડા, અબડાસા, બાપડ, વલસાડ, બોટાદ, ડિસા, ખેરગામ, અમરેલી, લાઠી, ઇડરમાં અઢી ઇંચ, જેસર, ઘોઘા, જલાલપોર, વાલોદ, વડાળી, ચોટીલા, પાલીતાણા, જામ કંડોરણામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. તમામ તાલુકાઓમાં સંતોષકારક વરસાદ વરસી ગયો હોય હવે મેઘરાજા વિરામ લ્યે તેવી આજીજી લોકો કરી રહ્યા છે.

દરમિયાન આજે સવારથી 76 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હજી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કચ્છ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અમુક સ્થળોએ અતિભારે વરસાદ પણ વરસી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.