Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશુ: કુલપતિ પેથાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્ય પદ્ધતિ અને અથાગ પરિશ્રમનું પરિણામ: ઉપકુલપતિ દેસાણી

યુનિરેન્ક એક આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક માર્ગદર્શિકા છે. જે વિશ્વભરની યુનિવર્સિટીઓ વિશે વિવિધ સંશોધનો હાથ ધરીને યુનિવર્સિટીઓની યાદી પ્રકાશિત કરે છે. જેમાં એશીયા, આફ્રિકા, અમેરીકા અને યુરોપ એમ વિવિધ ખંડ આધારિત તેમજ દેશ આધારિત શ્રેષ્ઠ યાદી મે-૨૦૦૫થી ઓનલાઈન પ્રકાશ્તિ કરવામાં આવે છે. મોઝ ડોમેન ઓથોરીટી, એલેક્ઝા ગ્લોબલ રેન્ક, સીમીલર વેબ ગ્લોબલ રેન્ક, મેજેસ્ટીક રેફરીંગ ડોમેઈન્સ અને મેજીસ્ટીક ટ્રસ્ટ ફલો એવાં પાંચ નિષ્પક્ષ અને સ્વતંત્ર વેબ મેટ્રીકસ સહિતનાં અલ્ગોરીધમ આધારિત યુનિરેન્ક દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે.

આ મુજબ યુનિરેન્ક દ્વારા તાજેતરમાં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૯૮માં ક્રમે આવી છે તથા શ્રેષ્ઠ ૨૦૦ ક્રમમાં રાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં પ્રથમ ૧૦૦માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સમગ્ર રાજય માટે ગર્વની બાબત છે. આ યાદી www.4icu.org/in/public પરથી જોઈ શકાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ જણાવ્યું હતું કે, આ માહિતી ખૂબજ આનંદ અને ગૌરવપૂર્ણ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે રાજય નહિં પણ રાષ્ટ્રીય અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વે મુજબ શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે નામના મેળવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેન્દ્ર સ્થાને હરહંમેશ વિદ્યાર્થી જ રહયો છે અને યુનિવર્સિટી વિદ્યાર્થી હિતમાં સતત કાર્યરત છે. ટેકનોલોજીના માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક અને સાથે સાથે સામાજીક ઘડતર કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર પાંચ જીલ્લામાં ૨૩૭ જેટલી એફીલીએટેડ કોલેજો સાથે ૨.૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે રાજયની યુનિવર્સિટીઓમાં પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના કાર્યકાળમાં શિક્ષણ, રીસર્ચ, સેમીનાર, નવા ભવનો, રાજયની યુનિવર્સિટીઓમાં સૌપ્રથમ નિ:શૂલ્ક શરૂ કરવામાં આવેલ આઈએએસ-આઈપીએસ ટ્રેનીંગ સેન્ટર, આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વીમીંગ પુલ, સ્પોર્ટસ ફેસેલીટીઝ જેવી વિદ્યાર્થીલક્ષી સુવિધાઓ ઉભી કરવામાં આવેલ છે.

સામાન્ય સ્થિતિમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણની સાથે સાથે સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે લોકઉપયોગી કાર્યો કરતી રહી છે. પરંતુ તાજેતરમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પણ લોકોના માર્ગદર્શન અને મુશ્કેલીઓ નિવારવા માટે મનોવિજ્ઞાન નિરાકરણ કેન્દ્ર, બ્લડ ડોનેશન કેમ્પ, ૧૦૦૦ જેટલી અનાજ કીટનું જરૂરીયાતમંદોને વિતરણ, એન.એસ.એસ.ના કેડેટસની સેવાઓ, વેબીનાર અને સ્વાથ્યના કાર્યક્રમો થકી વિવિધ રીતે સમાજને સહાયરૂપ થઈ છે. આમ, શિક્ષણ અને સામાજીક ઉત્તરદાયિત્વ બંને જવાબદારીઓને સરખાં રાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હરહંમેશ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપતી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.