સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર સેટરની મોડરેટીંગની સિસ્ટમ ફરી શરૂ કરવી જોઇએ: ડો.નિદત બારોટ

પરીક્ષામાં બોર્ડના અધ્યક્ષ, ડીન અને આચાર્યોને સાથે રાખી કમીટીની રચના કરી જરૂરી સુધારા કરવા કોંગ્રેસ પ્રવક્તા નિદત બારોટની કુલપતિને લેખિત રજૂઆત

ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓની જુદા-જુદા વિષયોની પરીક્ષાઓ શરૂ થઈ છે. પ્રથમ દિવસે જ ક્ષતિઓ બહાર આવી પેપર સેટરની ભૂલોને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બદનામી થઈ. છેલ્લા ઘણા વર્ષોથી પરીક્ષા નિયામકની જગ્યા ખાલી હતી તે વખતે આપણે આવી ક્ષતિઓ પર ગંભીરતા દાખવતા ન હતા પરંતુ હવે જ્યારે આપણી પાસે કાયમી પરીક્ષા નિયામક છે. ત્યારે ગંભીરતાથી આ વિશે વિચારવું જોઈએ.

આ માત્ર રજૂઆત સ્વરૂપે નહીં પરંતુ આપને આ ક્ષતિમાંથી યુનિવર્સિટીને બહાર લાવવા સૂચન પણ છે. તેમ નિદત બારોટે જણાવ્યું હતું. યુનિવર્સિટીની પેપર સેટરની મોડરેટીંગની સિસ્ટમ દૂર કરી તે ફરી શરૂ કરવી જોઈએ. પેપર સેટર ઘેર બેસીને પેપર કાઢે તેના બદલે એક થી વધુ પેપર સેટરો યુનિવર્સિટીના કેમ્પસ પર સાથે બેસીને પેપર કાઢે તો આવી ક્ષતિને અટકાવી શકાય. હજુ વધુ આગળ વધતા શક્ય હોય તો 10 પેપર સેટરને સાથે બોલાવી એક સાથે ક્વેશ્ર્ચન પેપર બેંક બનાવી શકાય જેથી કરીને બધા જ પેપરો બેંકમાં મુકતા પહેલા અધ્યાપકો દ્વારા ચકાસી લેવામાં આવે જેથી કરીને ગુજરાતી અને અંગ્રેજી વર્ઝન, બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પેપર અને અભ્યાસક્રમ બહારનું પેપરમાં કોઈ વિગત ન હોય તેવી બધા પરીક્ષાઓને પૂર્ણ ખાતરી થાય.

હાલમાં પરીક્ષા વિભાગ દ્વારા જ્યારે અધ્યાપકોને પેપર સેટિંગના ઓર્ડર મોકલવામાં આવે છે ત્યારે ઘણી વખત અભ્યાસક્રમ, પેપર સ્ટાઇલ વગેરે બાબતનું ધ્યાન દોરવા માટે, અધ્યાપકોને જરૂરી આધારો મોકલવામાં આવતા નથી. જ્યાં સુધી નવી વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી અધ્યાપકોને પેપર સેટિંગ વખતે અભ્યાસક્રમ હાલની પેપર સ્ટાઇલ વગેરે સાથે મોકલવું જોઈએ. શક્ય હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર છેલ્લામાં છેલ્લો મંજૂર થયેલો અભ્યાસક્રમ અને પેપર સ્ટાઇલની વિગત મૂકવી જોઈએ જે હાલમાં મુકાયેલી નથી તેના કારણે અધ્યાપકોને પણ પેપર કાઢવામાં મુશ્કેલી પડે છે.

પરીક્ષા અને પરીક્ષાની વ્યવસ્થા એ યુનિવર્સિટીનું સૌથી મહત્વનું કામ વહીવટી દ્રષ્ટિએ હોય છે ત્યારે આ ક્ષતિઓને આપણે તાત્કાલિક દૂર કરીએ તે આવશ્યક છે.જરૂર પડે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક બોર્ડના અધ્યક્ષ કેટલાક વિદ્યાશાખાઓના ડીન અને કેટલાક આચાર્યોને સાથે રાખીને તાત્કાલિક એક કમિટી બનાવી અને જરૂરી સુધારા શક્ય તેટલા ઝડપથી અમલમાં આવે તે રીતે કરવામાં આવે તેવી માગણી છે.