સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફને ફાયર સેફટીની તાલીમ અપાશે

યુનિવર્સિટીના સેનેટ હોલ, આર્ટ ગેલેરી અને એનએફડીડી હોલ ખાતે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ ૧૦૦-૧૦૦ કર્મચારીઓને ફાયર સેફટીના સાધનો કેમ ચલાવવા તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ આ ઉપરાંત રાજ્યમાં અમદાવાદ, બરોડા અને સુરતની હોસ્પિટલમાં આગની આ દુર્ઘટનાઓ બની છે.તેની સામે હવે રાજ્ય સરકાર આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે સફાળી જાગી હોય તેમ લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોતાના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફના ફાયર સેફટીના સાધનો કેમ ચલાવવા તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત અમદાવાદ, બરોડા, સુરત સહિતના શહેરોની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના બની છે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું છે. ગઈકાલે યુનિવર્સિટીના કુલપતિએ તમામ ભવનોના હેડ પાસે ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે અંગેની માહિતી માંગી હતી અને આજરોજ ઉપકુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટીના તમામ પ્રોફેસરો અને નોન ટીચીંગ સ્ટાફને આ બાબતે ટ્રેનિંગ આપવામાં આવશે.

વધુમાં ઉપકુલપતિએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોઈ આગની ઘટના ન બને અને જો એવું કંઈ થાય તો ગણતરીની મીનીટમાં બચાવ રાહત કામગીરી અને આવી દુર્ઘટનામાં ઓછામાં ઓછા જાનહાની થાય તે સંદર્ભે કામગીરી કરવા સક્ષમ બનાવવામાં આવશે અને આ ટ્રેનીંગ આવતા અઠવાડિયાથી શ‚ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ, આર્ટ ગેલેરી અને એનએફડીડી હોલ ખાતે કોરોનાની રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથે ૧૦૦-૧૦૦ લોકોને બેસાડી ફાયર સેફટીના સાધનો કેમ ચલાવવા તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.

આ માટે અત્યારથી જ તૈયારી આરંભી દેવાઈ છે અને કોઈપણ કર્મચારી ટ્રેનિંગમાં બાકી ન રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.