સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ત્રણ સેટની પઘ્ધતિએ વિદ્યાર્થીઓને છબરડાંથી બાલ બાલ બચાવ્યા..!!

બીએસસીના ફિઝિકસ-૨નાં પ્રશ્ર્ન પત્રમાં છેલ્લી ઘડીએ ભૂલ પકડાતા તંત્ર ધંધે લાગ્યું: યુનિ. દ્વારા વિદ્યાર્થીઓને અડધી કલાકનો સમય વધારો અપાયો

પ્રિન્ટીંગ પ્રેસની ભલની તપાસ હાથ ધરાઈ: જોગવાઈ પ્રમાણે દંડ ફટકારાશે: બીએસસી સેમ-૩ના ફીઝીકસના પેપરમાં કેમીસ્ટ્રીની ખીચડીએ વિદ્યાર્થીઓની સાથે સાથે પરીક્ષકોને પણ મુંઝવી દીધા: નિરીક્ષકોની સચેતતાથી પરીક્ષા વિના અવરોધે પૂરી કરાવાઈ

કોરોનાના કહેરને કારણે શિક્ષણ કાર્ય બંધ હતુ ત્યારે દરેક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતુ ઓનલાઈન શિક્ષણ બાદ હાલમાં પરીક્ષાઓનો દોર શરૂ છે. સૌ.યુનિ. દ્વારા હાલ ચાલી રહેલી બી.એસ.સી. સેમેસ્ટર ત્રણની પરીક્ષામાં આજરોજ પ્રિન્ટીંગ પ્રેસની ભૂલને કારણે વિદ્યાર્થીઓ બાલબાલ બચ્યા છે. આજના ફિઝિકસ-૨ ના પેપરમાં પહેલા અને ચોથા પાને ફિઝિકસ-૨ના પ્રશ્ર્નો જયારે ૨ અને ૩ પાના પર કેમેસ્ટ્રીના પ્રશ્ર્નો છપાયા હતા યોગ્ય સમયે યુનિ.ને જાણ થતા પેપરનાં ત્રણ સેટની પધ્ધતી દ્વારા પ્રથમ સેટ ફેઈલ જતા બીજા સેટનો ઉપયોગ કરી ૧૮ સેન્ટરો પર પરીક્ષા આપતા ૮૫૧ વિદ્યાર્થીઓને પેપર મોકલી અપાયા ખાસ પ્રિન્ટીંગ પ્રેસની આ ભૂલનાં કારણે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ પેપર બદલી અપાયા.

પ્રિન્ટીંગ પ્રેસની ભૂલ અંગે તપાસ હાથ ધરાઈ, યોગ્ય પગલાઓ લેવાશે: ઉપકુલપતિ ડો.વિજય દેસાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતી ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતુ કે સૌ.યુનિ. દ્વારા દરેક પરીક્ષાનાં પ્રશ્ર્નો તૈયાર થાય એટલે ત્રણ સેટ તૈયાર કરવામાં આવે છે. આજનાં બીએસસી સેમ.૩નાં ફીઝીકસ-૧નાં પેપરમાં કેમેસ્ટ્રીના પ્રશ્ર્નો પૂછાયા છે. તે પ્રિન્ટીંગ પ્રેસની ભૂલ છે. ત્યારે આજે ત્રણ સેટની પધ્ધતીનો ખરાઅર્થમાં ઉપયોગ થયો છે. પ્રિન્ટીંગ પ્રેસની ભૂલ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. દંડની જોગવાઈ પ્રમાણે પ્રિન્ટીંગ પ્રેસને દંડ ફટકારવામાં આવશે અથવાતો પ્રિન્ટીંગ પ્રેસને બ્લેક લીસ્ટ કરવામાં આવશે.