- જુનના પ્રથમ પખવાડીયામાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદના યોગ: ચોમાસામાં 56 દિવસ વરસાદી વાતાવરણ રહેશે: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો વર્ષા-વિજ્ઞાન પરિસંવાદ
ગુજરાતમાં જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ વાવણી લાયક વરસાદ પડી જશે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 23 ઈંચ જેટલો વરસાદ પડશે. વર્ષ 12થી 15 આની રહેશે. ચોમાસાની સિઝનમાં 56 દિવસ વરસાદી વાતાવરણ રહેશે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં યોજાયેલ 31 માં વરસાદ વિજ્ઞાન પરિસંવાદમાં લગભગ 50 જેટલા આગાહીકારો માંથી મોટાભાગના આગાહીકારોના મતે વર્ષ 2025 માં સરેરાસ વરસાદ 14 થી 16 આની જેટલો પડે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. તથા ચોમાસુ વહેલું બેસે અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણીની શક્યતાઓ દર્શાવી છે. તે સાથે પાક માટે સમગ્ર વર્ષ અનુકૂળ માહોલમાં રહેશે, તેમજ ઓક્ટોબર માસમાં ચોમાસાની વિદાય થશે છે તેવા અનુમાન સાથે વાયરા વિશે આગાહી કરતા આગાહીકારોએ જુન, જુલાઈમાં બે વાવાઝોડા થશે તેવું અનુમાન પણ કર્યું છે.
આ સાથે આગાહીકારોના મતે જૂન મહિનામાં તા. 10 થી 14, અને તા. 25 થી 30 એમ કુલ 12 દિવસ, જુલાઈ મહિનામાં તા. 3 થી 13 અને 21 થી 25 એમ 16 દિવસ, ઓગસ્ટ મહિનામાં તા. 7 થી 12 અને તા. 22 થી 27 એમ કુલ 12 દિવસ, સપ્ટેમ્બર મહિનામાં તા. 5 થી 9 અને તા. 19 થી 23 એમ કુલ 10 દિવસ તથા ઓક્ટોબર મહિનામાં તા. 3 થી 8 એમ કુલ 6 દિવસ મળી આ વર્ષે કુલ 56 દિવસ વરસાદી રહેશે તેવું અનુમાન સામે આવ્યું છે.
જો આગાહીકારો એ કરેલ સૌરાષ્ટ્રમાં જિલ્લા વાર વરસાદનું પૂર્વાનુમાન જોઈએ તો, જુનાગઢ જિલ્લામાં 40 ઇંચ / 15 આની, ગીર સોમનાથમાં 38 ઇંચ / 14 આની, પોરબંદર જિલ્લામાં 36 ઇંચ / 13 આની, અમરેલી જિલ્લામાં 34 ઇંચ / 12 આની, રાજકોટ જિલ્લામાં 32 ઇંચ / 12 આની, ભાવનગર જિલ્લામાં 30 ઇંચ / 12 આની, બોટાદ જિલ્લામાં 28 ઇંચ / 11 આની, સુરેન્દ્રનગર જિલ્લામાં 24 ઇંચ / 10 આની, મોરબી જિલ્લામાં 20 ઇંચ / 10 આની, જામનગર જિલ્લામાં 26 ઇંચ / 11 આની, દેવભૂમિ દ્વારકામાં 22 ઇંચ / 10 આની, આમ એકંદરે સૌરાષ્ટ્રમાં 23 ઇંચ જેટલો એટલે કે 12 આની થી 15 આની વરસાદ થવાનું પૂર્વાનુમાન આગાહીકારો દ્વારા કરવામાં આવ્યું છે.વર્ષા વિજ્ઞાન મંડળ સાથે જોડાયેલા આગાહીકારો આકાશમાં ગર્ભ બંધાતા તેના નિરીક્ષણો, વનસ્પતિના નિરીક્ષણો, પશુ – પક્ષીઓની ચેષ્ટાઓ, કીડી, મકોડા અને માખીઓનું હલનચલન, હવામાનમાં ભેજ, ગરમી ઠંડીની અસર, ભડલી વાક્ય અને જ્યોતિષ વિજ્ઞાનના આધારે વરસાદની આગાહી કરે છે. તથા ગત વર્ષે 30 માં વરસાદ વિજ્ઞાન પરીસંવાદમાં ઉપસ્થિત 30 માંથી 5 આગાહીકારોની પરંપરાગત જ્ઞાનના આધારે 100 ટકા આગાહી સાચી પડી હતી, અન્ય 7 આગાહીકારોની એક જિલ્લાને બાદ કરતાં 90 ટકા આગાહી સાચી પડી હતી, એકંદરે 60 ટકા જેટલી આગાહી સાચી રહી હતી. દરમિયાન જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત 31 મો વિજ્ઞાન મંડળ પરીસંવાદ યોજાયો હતો જેમાં રાજ્યના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત આગાહીકારો, કૃષિ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગના વડા ડીન, પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા તે સાથે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સહભાગી બન્યા હતા.
કૃષિ મંત્રી એ આ પરિસંવાદને ખુલ્લો મુકતા અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું કે, આપણી સંસ્કૃતિના ભાગરૂપ વરસાદની આગાહી માટેના પરંપરાગત જ્ઞાનનો વારસો ખેડૂતો માટે માર્ગદર્શક અને ઉપયોગી તો છે જ. આ સાથે આપણું પરંપરાગત જ્ઞાન જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે.
મંત્રી એ વર્ષા વિજ્ઞાન મંડળને પરંપરાગત જ્ઞાનને સાચવી રાખવા અને તેના જતન માટે પણ વિશેષ અભિનંદન આપ્યા હતા. ઉપરાંત આ પરંપરાગત જ્ઞાનના વાહકોને આવનારી પેઢીને આપવા અનુરોધ કર્યો હતો.