Abtak Media Google News

બિહારે આપેલો 120 રનનો લક્ષ્યાંક સૌરાષ્ટ્રની ટીમે માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો: ચેતન સાકરિયાએ 3 વિકેટ ખેડવી

ઇન્દોરના ડેલી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે રમાયેલી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-20 ટુર્નામેન્ટના એલીટ ગ્રુપ-ડીના મેચમાં સૌરાષ્ટ્રે બિહારને આઠ વિકેટે પરાજય આપી નોકઆઉટ સ્ટેજમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે. બિહારની ટીમે આપેલો 120 રનનો લક્ષ્યાંક સૌરાષ્ટ્રની ટીમે માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

બિહારના સુકાની આશુતોષ અમને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રના બોલરોનો સામનો કરવામાં બિહારના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. 19.4 ઓવરમાં 119 રને પૂરી ટીમ ઓલ આઉટ થઇ ગઇ હતી. પિયુષ કુમાર સિંઘે સાર્વધીક 21 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રવતી ચેતન સાકરીયાએ ચાર ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટો ખેડવી હતી. જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બે વિકેટ, જયદેવ ઉનડકટે બે વિકેટ અને ચિરાગ જાની તથા યુવરાજ ચુડાસમાએ એક-એક વિકેટો ખેડવી હતી.

120 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે માત્ર બે વિકેટ ગુમાવી 14.1 ઓવરમાં જ 124 રન બનાવી બિહાર સામેની મેચમાં આઠ વિકેટથી શાનદાર જીત હાંસલ કરી લીધી હતી. હાર્વિક દેસાઇએ 46 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી અણનમ 59 રન બનાવ્યા હતા. જ્યારે શેલ્ડન જેક્શન પણ 15 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યો હતો. પાંચ પૈકી ચાર મેચમાં જીત હાંસલ કરી સૌરાષ્ટ્રે નોકઆઉટ સ્ટેજમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.