- સૌરાષ્ટ્રનું ભારતીય ક્રિકેટમાં અનન્ય યોગદાન, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા
- ડો.માંડવિયાએ ટ્રોફીનુ અનાવરણ કર્યું, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા સહિત અનેક પ્રતિષ્ઠિતો ઉપસ્થિત રહ્યા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત બહુ-અપેક્ષિત સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગ 2025 નો ભવ્ય પ્રારંભ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થયો હતો. આ કાર્યક્રમમાં ક્રિકેટ માટે લોકોના ઉત્સાહે લીગના પ્રારંભને યાદગાર બનાવ્યો હતો. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લીગનું ઉદ્ઘાટન કરીને ખેલાડીઓ અને આયોજકોને પ્રોત્સાહિત કર્યા. નિરંજન શાહ, ભૂતપૂર્વ બીસીસીઆઇ સચિવ, જયદેવ શાહ, પ્રમુખ, એસસીએ દ્વારા ડો. માંડવિયાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભા સાંસદો રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગ માત્ર ક્રિકેટ માટે જ નહીં, પરંતુ હિંમત, પ્રતિબદ્ધતા અને યુવા અને ઉભરતા ખેલાડીઓ માટે તકો ઊભી કરવા માટે છે. લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને સમર્પણનો કોઈ વિકલ્પ નથી. સૌરાષ્ટ્ર એ ભારતીય ક્રિકેટમાં હંમેશા સંપૂર્ણ યોગદાન આપ્યું છે. તેણે તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠ ક્રિકેટરો પેદા કર્યા છે. આ તે જમીન છે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત ટ્રોફીને ચિહ્નિત કરી છે. તેમણે આ લીગના તમામ ખેલાડીઓ તથા આયોજકો નિરંજનભાઈ, જયદેવભાઈ સહિતનાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રયાસોની પ્રશંસા કરી જે સ્થાનિક પ્રતિભાને તક આપે છે.
ઉદ્ઘાટન સમારોહમાં, સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગમાં ભાગ લેતી પાંચેય ટીમોના સુકાનીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અનમોલ કિંગ્સ હાલારના જયદેવ ઉનડકટ, ઝાલાવાડ સ્ટ્રાઈકર્સના શેલ્ડન જેક્સન, જેએમડી કચ્છ રાઈડર્સના ધર્મેન્દ્રસિંહ જાડેજા, દિતા ગોહિલવાડ ટાઇટન્સના હાર્વિક દેસાઈ અને આર્યન સોરઠ લાયન્સના પ્રેરક માંકડનો મુખ્ય અતિથિ ડો. મનસુખભાઈ માંડવિયાને પરિચય કરાવાયો હતો અને તેમને મંચ પર આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ક્ષણે ખેલાડીઓ, અધિકારીઓ અને પ્રશંસકો દ્વારા સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું.
બાદમાં ડો. મનસુખભાઈ માંડવિયાએ સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગ 2025ની ભવ્ય ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ, ઓપનિંગ મેચ અનમોલ કિંગ્સ હાલાર અને આર્યન સોરઠ લાયન્સ વચ્ચે રમાઈ, જેણે ક્રિકેટની એક રોમાંચક સીઝનનો પ્રારંભ કરાવ્યો.
પ્રથમ દિવસે એક તો બીજા દિવસે ડબલ હેડર મેચમાં ખેલાડીઓ ખેલદીલી સાથે રમ્યાં
સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગ 2025નો ઉદ્ઘાટન મેચ અનમોલ કિંગ્સ હાલાર અને આર્યન સોરઠ લાયન્સ વચ્ચે યોજાયો હતો, જેણે લીગનો વિધિવત પ્રારંભ કર્યો હતો. એસપીએલના બીજા દિવસે પ્રથમ ડબલ હેડર મેચ જેએમડી કચ્છ રાઈડર્સ અને ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ વચ્ચે યોજાયો હતો. જેમાં જેએમડી કચ્છ રાઈડર્સ એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 168 રન 7 વિકેટે કર્યા હતા. એના જવાબમાં ઝાલાવાડ સ્ટ્રાઇકર્સની ટીમ 20 ઓવરના અંતે 5 વિકેટે 163 રન કરી શકી હતી. જેથી જેએમડી કચ્છ રાઈડર્સએ 5 રનથી મેચ જીત્યો હતો. બીજી મેચમાં દિતા ગોહિલવાડ ટાઇટન્સ અને અનમોલ કિંગ્સ હાલાર સામસામે હતા. આ મેચમાં દિતા ગોહિલવાડ ટાઇટન્સે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 19.5 ઓવરમાં 137 રન બનાવ્યા હતા. જવાબમાં, અનમોલ કિંગ્સ હાલાર 125 રન બનાવી શકી હતી, ગોહિલવાડ ટાઇટન્સ વતી હિતેન કણબીએ 3 વિકેટ, જ્યારે ધર્માદિત્ય ગોહિલ અને ક્વિન્શ પડાળિયાએ 2-2 વિકેટ લઈ ટીમને જીત અપાવી હતી, જેના પરિણામે ગોહિલવાડ ટાઇટન્સે 12 રને વિજય મેળવ્યો.
ઉદ્ઘાટન સમારોહમાં બોલિવૂડના કલાકારોનો જલવો: દર્શકો ઝૂમ્યાં
ઉદ્ઘાટન મેચ બાદ સમાપન એક ભવ્ય મેગા કોન્સર્ટ સાથે થયું, જેણે સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોને જુસ્સાથી ભરી દીધા હતા. સંગીત ક્ષેત્રે જાણીતી જોડી સલીમ-સુલેમાન દ્વારા ઉર્જાથી ભરપૂર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે તેમના સૌથી યાદગાર અને આઇકોનિક ગીતો વડે પ્રેક્ષકોને ઝુમાવ્યા હતા. દર્શકોએ ઉત્સાહપૂર્વક ગીતો સાથે ગાયા હતા. આ ઉપરાંત, બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝે તેના આકર્ષક ડાન્સ પર્ફોર્મન્સથી જનસમુદાયને ઝુમાવ્યો હતો. આ કલાકારોનું સૌરાષ્ટ્ર પ્રો ટી20 લીગના અધ્યક્ષ જયવીર શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. ના પ્રમુખ જયદેવ શાહ, અરિવા સ્પોર્ટ્સના સહ-સ્થાપક રજનીશ ચોપરા અને ક્ષિતિજ ગુપ્તા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાનદાર આતશબાજી સાથે આ ભવ્ય સાંજનું સમાપન થયું, જે દર્શકો માટે એક યાદગાર અનુભવ બની રહી.