Abtak Media Google News

૨૦૬ રનના લક્ષ્યાંક સામે સૌરાષ્ટ્રની ટીમ માત્ર ૧૨૭ રનમાં ઓલ આઉટ: ૭૮ રનથી વિજય સાથે વિદર્ભ સતત બીજી વખત રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું

પ્રથમ વખત રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બનવાની સૌરાષ્ટ્રના લાખો ક્રિકેટપ્રેમીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. વિદર્ભે આપેલા ૨૦૬ રનના લક્ષ્યાંક સામે સૌરાષ્ટ્રની પુરી ટીમ બીજા દાવમાં માત્ર ૧૨૭ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ૭૮ રનના વિજય સાથે વિદર્ભ સતત બીજી વખત રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બન્યું છે.

નાગપુર ખાતે રમાઈ રહેલા રણજી ટ્રોફીના ફાઈનલ મેચમાં વિદર્ભની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિદર્ભની ટીમે પ્રથમ દાવમાં ૩૧૨ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે ઓપનર સ્નેલ પટેલની સદીની મદદથી પ્રથમ દાવમાં ૩૦૭ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. બીજા દાવમાં સૌરાષ્ટ્રના બોલરોએ રંગ રાખતા વિદર્ભની ટીમ માત્ર ૨૦૦ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ પ્રથમ વખત સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બનવા માટે માત્ર ૨૦૬ રનનો મામુલી લક્ષ્યાંક મળ્યો હતો.

આ લક્ષ્યાંકને જોતા એવું લાગી રહ્યું હતું કે, સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ વખત રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બની ઈતિહાસ સર્જી દેશે જોકે ચોથા દિવસની રમતના અંતે સૌરાષ્ટ્રની ટીમે માત્ર ૫૮ રનમાં જ મહત્વપૂર્ણ ૫ વિકેટો ગુમાવી દેતા સૌરાષ્ટ્રનો પરાજય લગભગ નિશ્ચિત થઈ ગયો હતો. આજે અંતિમ દિવસે સૌરાષ્ટ્રે ચેમ્પીયનશીપ હાંસલ કરવા માટે ૧૪૮ રન બનાવવાની આવશ્યકતા હતી. કોઈ ચમત્કાર જ સૌરાષ્ટ્રને જીતાડી શકે તેમ હતું.

જોકે લાખો ક્રિકેટ પ્રેમીઓને એવી આશા હતી કે પુછડીયા બેટસમેનો રંગ રાખશે અને સૌરાષ્ટ્ર પ્રથમ વખત રણજીમાં ચેમ્પીયન બનશે જો આ આશા ઠગારી નિવડી હતી. આજે રણજી ટ્રોફી ફાઈનલના અંતિમ દિવસે સૌરાષ્ટ્રનો બીજો દાવ ૧૨૭ રનમાં સમેટાઈ જતા વિદર્ભનો ૭૮ રને ભવ્ય વિજય થયો હતો. આ સાથે વિદર્ભ સતત બીજા વર્ષે રણજી ટ્રોફી ચેમ્પીયન બનવામાં સફળ રહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ટીમ ત્રણ વખત રણજી ટ્રોફીના ફાઈનલમાં પ્રવેશી છે પરંતુ કયારેય ચેમ્પીયન બની નથી. અગાઉ ૨૦૧૨-૧૩ અને ૨૦૧૫-૧૬માં સૌરાષ્ટ્ર રનર્સઅપ રહ્યું હતું. આ વખતે પણ ફાઈનલમાં સૌરાષ્ટ્રે રનર્સઅપ બિરુદથી જ સંતોષ માનવો પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.