સૌરાષ્ટ્રનું ‘વ્હાઇટ ગોલ્ડ’ હવે ‘પ્લેટિનમ’ બની જશે…!!

અબતક, રાજકોટ

ફુલ મેં ફુલ કાયકા, સબસે ઉત્તમ ફુલ કપાસ કા……. ગુલાબ હોય ચંપો હોય કે મોગરો દેખાવ અને સુગંધ થી ફૂલો વખણાતા હોય પરંતુ સમાજ માટે સૌથી ઉપયોગી ફૂલ અને ગુણ તો કપાસના જ ગણાય છે,કપાસની ખેતી ખેડૂતો અને ખેત મજુરોને રોજગારી આપે છે અને  કાપડના મિલો અને કારખાના ધમધમતા રહે છે અને ગરીબોને રોજી અને અમીરોને રૂપિયાની ટંક શાલ આ કપાસ જ આપે છે.ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસ ગુણવત્તાની દ્રષ્ટિએ સૌથી કીમતી ગણાય છે ખેડૂતો અને ઉદ્યોગપતિઓ માટે કપાસની ખેતીને સફેદ સોનુ માનવામાં આવે છે હવે કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ખેતી અને તપાસ આધારિત ઉદ્યોગ માટે રાહતના પટારા ખુલી ને વિશ્વ બજારમાં કપાસની નિકાસ ભારતમાં વધુ થાય તેવા પ્રયાસો આરંભાયા ગયા છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઉત્તમ કપાસ થાય તેવી ફળદ્રુપ જમીન પૂરતું માનવબળ અને ખેડૂતોની કોઠાસૂઝથી કપાસ પુષ્કળ પ્રમાણમાં થાય છે ઉત્તમ ગુણવત્તાના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના કપાસની વિશ્વભરમાં માંગ છે પરંતુ પૂરતી માળખાકીય સુવિધા અને વ્યવસ્થાના અભાવે ખેડૂતોને કપાસની આવક માં જોઈએ તેટલું વળતર મળતું નથી પરંતુ હવે કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે નવી કાપડ નીતિ અને ઘરેલું ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું વલણ અપનાવ્યું છે વિશ્વમાં ચીન બાંગ્લાદેશ અને વિયેતનામ સૌથી વધુ કપાસ નિકાસ કરે છે હવે ભારતની નિકાસ વધારવા માટે સરકારે કમર કસી છે.

અમેરિકાએ ચીનથી કપાસની આયાત ઉપર પ્રતિબંધ મુકતા ભારત માટે નિકાસની ઉજળી તક

અમેરિકાએ ચીનના શિનજિયાંગ પ્રદેશમાંથી કપાસની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. તેના કારણે ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્ર  માટે નવી તકો ઉભી થઇ છે. દેશના કોટન એપેરલ સેક્ટર માટે નિકાસમાં વધારો થઇ શકે છે. તેનાથી ભારતીય કાપડની નિકાસ વધી શકે છે. ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એક શક્તિવેલે આ વિશે માહિતી આપી.શક્તિવેલે કહ્યું કે એઈપીસીએ ચીનથી અમેરિકામાં નિકાસ કરવા માટે ૨૦ કોટન એપેરલ પ્રોડક્ટ્સની ઓળખ કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધો બાદ અમેરીકી બજારમાં માલની અછતને પહોંચી વળવા માટે અમે અમારા સભ્યો સાથે યાદી શેર કરી છે. ચીનના શિનજિયાંગ પ્રદેશમાંથી સુતરાઉ કાપડની આયાત પર અમેરિકી પ્રતિબંધોએ ભારતીય કાપડ માટે તકો પૂરી પાડી છે. જોકે, આ માટે જરૂરી છે કે કાચા માલના ભાવ સ્થિર રહે.

 

પાંચ વર્ષમાં ૧૦૦ અરબ ડોલરની નિકાસ કરવાનું લક્ષ્ય

ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ટેક્સટાઈલ નિકાસમાં ૪૪ અરબ ડોલરનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગોયલે કહ્યું કે આ વર્ષે અમે આ લક્ષ્ય હાંસલ કરીશું અને આગામી પાંચ વર્ષમાં દેશની કાપડની નિકાસ વધીને ૧૦૦ અરબ ડોલર થઈ જશે. કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે સરકાર ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહી છે. જેમાં ઈંગ્લેન્ડ, યુરોપિયન યુનિયન, સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થયો છે.

૭ ટેક્સટાઈલ પાર્ક પણ તૈયાર કરવામાં આવશે

કાપડ મંત્રી પીયૂષ ગોયલે  જણાવ્યું હતું કે  મેગા ઈન્વેસ્ટમેન્ટ ટેક્સટાઈલ પાર્ક સ્કીમ હેઠળ આગામી ત્રણ વર્ષમાં સાત પાર્ક બનાવવામાં આવશે. બહુ જલ્દી તેને મંજૂરી મળવાની છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ૧ ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે મિત્રા સ્કીમની જાહેરાત કરી હતી.