બેટી બચાવો અભિયાન રંગ લાવ્યું, ‘દિકરીનો જન્મદર વધ્યો’

દિકરીને લક્ષ્મીનો અવતાર ગણવામાં આવે છે પરંતુ સામાજીક નબળી માનસીકતા અને આર્થિક-સામાજીક કારણોસર અત્યાર સુધી નવજાત બાળક દિકરો જ હોય અને દિકરી ન આવે તેવી માનસીકતાની પરિસ્થિતિએ સમગ્ર માનવજાત માટે આશિર્વાદરૂપ એવી દિકરીના જન્મદર આડે મોટો અવરોધ ઉભો કર્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને દેશમાં માનવામાં આવતા લગભગ તમામ ધર્મોમાં દિકરીનું મહત્વ હોવા છતાં લોકો નબળી માનસિકતાને કારણે દિકરી ન જન્મે તેવું ઈચ્છતા હતા પરંતુ હવે સમય બદલાયો હોય તેમ સમજદારીનો સૂર્યોદય થયો હોય તેમ દિકરીનો જન્મદર વધ્યો છે.

દિકરીને લક્ષ્મી માનવાની પરંપરા હોવા છતાં નબળી માનસિક પરિસ્થિતિને કારણે દિકરી ન જન્મે તેવી માનસિકતામાં આવ્યો બદલાવ, હવે આવનાર બાળક દિકરી હોય તો પણ વધાવવાની ભાવનાથી પરિસ્થિતિ સુધરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બેટી બચાવો અભિયાનને પરિણામદાયી બન્યું હોય તેમ દિકરા-દિકરી એક સમાન અને દેશના લગભગ તમામ રાજ્યોમાં જાતિય અસમાનતાનો રેસીયો ઘટ્યો છે અને દિકરીના જન્મદરનું પ્રમાણ વધતું જાય છે.

રાષ્ટ્રીય આંકડા વિભાગ દ્વારા 2019ની પરિસ્થિતિએ જાતિય અસમાનતા અંગે હાથ ધરવામાં આવેલા સર્વેમાં અગાઉની પરિસ્થિતિ કરતા દેશના કેન્દ્ર શાસીત અને તમામ રાજ્યોમાં દિકરીઓના જન્મદરનું પ્રમાણ વધ્યું છે. અગાઉ 1000 છોકરા સામે 900થી ઓછી છોકરીઓ હતી હવે તેમાં વધારો થઈ 921 સુધી દિકરીનો જન્મદર વધ્યો છે. ઉત્તરાખંડ, પંજાબ, તેલંગણા, કર્ણાટક, ગુજરાત, આસામ, છત્તીસગઢ સહિતના તમામ રાજ્યોમાં દિકરીઓના જન્મદર વધ્યા છે. કેરળમાં 960 માંથી 965, ઉત્તરાખંડમાં 956 માંથી 960, કર્ણાટકમાં 947 માંથી 949, ઓરિસ્સા, તામિલનાડુ, પં.બંગાળ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરથી લઈ ગુજરાત સુધીની પરિસ્થિતિમાં દિકરીઓનો જન્મદર વધી રહ્યો છે. ગુજરાતમાં પણ અગાઉ 1000 એ 897 છોકરીઓ હતી હવે 901એ પહોંચ્યું છે.

દિકરી વ્હાલનો દરિયો અને દિકરીને લક્ષ્મી માનવાની આપણી પરંપરા છતાં સામાજીક, આર્થિક પરિમાણો અને આર્થિક નબળી પરિસ્થિતિના કારણે દિકરીના જન્મને રોકવામાં આવતું હતું પણ હવે એવું નથી. ગુજરાતમાં પરિસ્થિતિ વધુ સારી થઈ છે.