હિરાની પરખ કરે કોણ? સુરતના મહીધરપુરામાં જે.આઇ.એ.ના બોગસ સર્ટિફિકેટ પર હિરા વહેંચવાનું કૌભાંડ !!!

બોગસ સર્ટિફિકેટ ફરતાં હોવાની બાતમીના આધારે થયેલી રેડમાં લેઝર પ્રિન્ટર, સિક્કા સહિતની વસ્તુઓ સાથે બે ઝબ્બે

સુરતનો હિરા ઉદ્યોગ છેલ્લા કેટલાંક સમયથી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોરોના લોકડાઉનના કારણે ઉભી થયેલી મંદી સામે ઝઝૂમી રહેલાં સુરતમાં હિરાની પરખ અપાતાં જે.આઇ.એ.ના પ્રમાણપત્ર બોગસ બનાવી હલકાં હિરા વહેંચવાની પ્રવૃતિઓ ચાલતી હોવાની ફરીયાદ વચ્ચે આજે સુરતના મહીધરપુરામાં જે.આઇ.એ.નું બોગસ સર્ટીફીકેટ બનાવવાનું કૌભાંડ ઝડપી લેવાયું હતું.

હિરાની નગરી સુરતમાં દરરોજના કરોડો રૂપિયાના હિરાની લેવડ-દેવડ મોટાભાગે વિશ્ર્વાસથી જ ચાલે છે. હિરાની ગુણવત્તા અને કારોબારની ખરાઇ માટે જે.આઇ.એ. પ્રમાણપત્રથી હિરાની ગુણવત્તા નક્કી થાય છે. જે.આઇ.એ. પ્રમાણપત્ર વાળા હિરાનો જ વેપાર થતો હોવાની પ્રથા વચ્ચે કેટલાંક સમયથી બજારમાં બોગસ સર્ટીફીકેટથી ધંધા થતાં હોવાના હિરા કારોબારીઓને વાવડ મળ્યાં હતાં. આ અંગેની ફરિયાદ અને ગોઠવાયેલી વોચમાં બાતમીદારોના નેટવર્કમાં સુરત નજીકના મહીધરપુરામાં સર્ટીફીકેટનું કૌભાંડ ચાલતુ હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું.

આજે સવારે પોલીસે મહિધરપુરામાં રેડ કરી લેઝર પ્રિન્ટરમાં બોગસ જે.આઇ.એ. સર્ટીફીકેટ બનતાં હોવાનું પકડી પાડ્યું હતું અને બે વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસે પકડેલા બંને શખ્સોની પૂછપરછ હાથધરી છે. બોગસ પ્રમાણપત્રનો આ કારોબાર કેટલા સમય ચાલતો હતો અને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણપત્રો બનાવ્યા છે આ નેટવર્કમાં કામ કરતી સિન્ડીકેટમાં કોણ કોણ છે તેની તપાસ હાથધરી છે.