ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર: 18મી જુલાઇથી પ્રારંભ

ધો.10 અને 12માં મળીને 1.71 લાખ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની મળશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. જુલાઇ માસમાં 18મીથી લઇને 22મી જુલાઇ સુધી આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનો વિસ્તૃત કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યો છે.

ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષામાં એક અથવા તો બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની જુલાઇ માસમાં પરીક્ષા લેવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે લેવાયેલી આ બંને પરીક્ષામાં અંદાજે 1.71 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ પૂરક પરીક્ષામાં આ તમામ વિદ્યાર્થીઓને પાસ થવાની તક આપવામાં આવશે. બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા 18મી જુલાઇથી લેવામાં આવશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં માત્ર એક જ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોવાથી તે 21મી જુલાઇએ બપોરે 3:00 થી 6:15 અને બપોરે 3:00 થી 5:15 દરમિયાન કોમ્પ્યૂટર વિષયની પરીક્ષા લેવામાં આવશે. ધો.10ની પરીક્ષા 18મી જુલાઇથી શરૂ થઇને 22મી જુલાઇ સુધી ચાલશે.

આજ રીતે સાયન્સની પરીક્ષા 20મી જુલાઇએ પૂરી કરી દેવામાં આવશે. ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા સવારે અને સાંજે એમ બે સમયે લેવામાં આવશે. ધો.10માં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે.

ચાલુ વર્ષે 1.09 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ધો.12 સાયન્સમાં 16,500 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 45,500 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ તમામ વિદ્યાર્થીઓ પૈકી પાસ થનારા વિદ્યાર્થીઓને તાજેતરમાં શરૂ થયેલી પ્રવેશ પ્રકિયા અંતર્ગત ખાલી પડેલી બેઠકો પર પ્રવેશની ફાળવણી કરવામાં આવશે.