શાળા સંચાલક મંડળ 50 હજાર, યુનિવર્સિટી 30 હજાર તિરંગા આપશે

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મેયર દ્વારા બોલાવાયેલી બેઠકમાં આપી ખાતરી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવાનું છે. જે અંતર્ગત મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા તાજેતરમાં શાળા સંચાલક મંડળના હોદ્ેદારો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોદ્ેદારો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાળા સંચાલક મંડળે કોર્પોરેશનને 50 હજાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 30 હજાર તિરંગા આપવાની ઘોષણા કરી છે.

શહેરીજનો ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીમાં સહભાગી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા આયોજન કરી રહી છે. મેયર ડો.પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદેદારો સાથે મિટિંગ યોજી હતી.

આ મિટિંગમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા માર્ગદર્શન હેઠળ શાળા મંડળના પરિમલભાઈ પરવડા, અજયભાઈ પટેલ, મેહુલભાઈ પરવડા, જયદીપભાઈ જલુ, ડેપ્યુટી કમિશનર આશિસ કુમાર, એ.આર.સિંહ, આસી. કમિશનર કગથરા તેમજ શાળા મંડળના અન્ય હોદેદારો સંચાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે મેયરે જણાવ્યું હતું કે શહેરમાં 3 લાખ રાષ્ટ્રધ્વજ લહેરાય તો શહેરનું પણ ગૌરવ વધશે અને તેમની અનેક અસરો જોવા મળશે. મેયરએ આ કાર્યક્રમમાં સામેલ થઈ  સહકાર આપવા તમામ શાળામંડળને અપીલ કરેલ.

આ પ્રસંગે શાળામંડળના હોદેદારો અને સંચાલકો 50,000 જેટલા તિરંગા માટે સહયોગ આપશે, ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પણ 30,000 થી વધુ તિરંગાનું સહયોગ આપવામાં આવનાર છે, આ ઉપરાંત શહેરની સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક, વ્યાપારિક સંસ્થાઓના હોદેદારોએ હર ઘર તિરંગામાં સહયોગ આપવા ખાતરી આપેલ છે.

આ મીટીંગમાં સ્વનિર્ભર શાળામંડળના અજયભાઈ પટેલએ મીટીંગની શરૂઆતમાં સૌના સ્વાગત સાથે સમગ્ર દેશમાં હર ઘર તિરંગાની ઉજવણી થવાની છે ત્યારે આપણી તમામ શાળાઓ જોડાય અને સહભાગી બનીએ. શાળામંડળના હોદેદારો દ્વારા મેયર ડો.પ્રદિપ ડવનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.