Abtak Media Google News

Table of Contents

શિક્ષક એ બાળકના બીજા માતાપિતા છે,ઘર પછીની બીજી કોઈ સુરક્ષિત જગ્યા હોઈ તો એ શાળા છે : શાળા સંચાલકો

અમને બંધનમાં ન રાખો,ખીલવા દો, અમારે મિત્રોને મળવું છે તેઓની સાથે ગમ્મત કરવી છે : બાળકો

બાળકોને ચાર દિવાલોમાં બંધ ન રાખો, તેનું ભવિષ્ય ધૂંધળું બનશે, આગામી સમયમાં ગંભીર સ્થિતિ ન સર્જાય તે માટે માતાપિતાને સમજવું અત્યંત જરૂરી : મનોવિજ્ઞાન ભવન

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરની શાળાઓમાં હાલમાં ધોરણ 1 થી 9ના વર્ગો બંધ છે.છેલ્લા 2 વર્ષથી બાળકો ઘરે રહીને ડીઝીટલ માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે.ત્યારે બાળકોના સર્વાંગી વિકાસ રૂંધાઇ રહ્યો છે.અબતક મીડિયા દ્વારા શાળા સંચાલકો, વાલીઓ, બાળકોના હાલની સ્થિતિ પરના પોતાના મંતવ્યો શું છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે ચોંકાવનારા અનેકવિધ તારણો બહાર આવ્યા છે.એક સમય હતો કે રાજા મહારાજા ના પુત્રો પણ શિક્ષણ મેળવવા આશ્રમમાં જતા હતા.બાળકોના સર્વાંગી વિકાસમાં શાળા મહત્વનો ફાળો છે.વાલીઓએ જણાવ્યું હતું કે અમારા બાળકોનો વિકાસ રૂંધાઇ રહ્યો છે કારણ કે સતત ઘરે ને ઘરે રહીને બાળકો હેરાન થઈ ગયા છે સ્વભાવ પણ ચીડિયા થઈ ગયા છે.કલાસરૂમ અને શાળાનું વાતાવરણ બાળકોને મળવું ખૂબ જ જરૂરી બની ગયું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વે મુજબ બાળકોને દરરોજ 30 મિનિટથી 1 કલાક સુધી અન્ય ફીઝીકલ  પ્રવૃત્તિમાં રાખવા ખુબજ જરૂરી બની ગયા છે. જો બાળકોને તેના મિત્રો સાથે, પરિવારજનો સાથે કે પછી તેને મનગમતી પ્રવૃત્તિમાં નહીં રાખવામાં આવે તો તેની અસરો તેના ભવિષ્ય પર પડશે અને તેના પરિણામો પણ ખૂબ જ ગંભીર મળી શકે છે.કલાસરૂમ, શિક્ષક અને બાળક વચ્ચેનો સબંધ અતિ મહત્વનો છે.શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે શિક્ષક ને બાળકના બીજા માતાપિતા પણ કહેવામાં આવે છે.શિક્ષક વિના બાળકનું જીવન ધૂંધળું છે.કારણકે સમાજમાં શિક્ષણ નું મહ્ત્વ ખુબજ છે.પ્રાચીનકાળની વાત કરીએ તો ઓનલાઈન શિક્ષણ “એકલવ્ય” જેવું છે જ્યારે ઓફલાઇન શિક્ષણ “અર્જુન” જેવું છે જેની નોંધ ઇતિહાસમાં લેવાણી છે.

બાળકોનો ફિઝિકલી વિકાસ નહીં થાય તો તેનું ભવિષ્ય અતિ ભયંકર સ્થિતિમાં મુકાશે.બાળકોએ જણાવ્યું હતું કે અમારે જીવનમાં આગળ વધવું છે મિત્રો જોઈએ છે , શિક્ષકો જોઇએ.આમારી સ્વતંત્રતા ન છીનવો.અનેક વાલીઓએ તો દુ:ખ સાથે અબતક મીડિયા ને જણાવ્યું હતું કે બાળક ને હાલની પરિસ્થિતિમાં અમે ડરી રહ્યા છીએ કે ઘરની બહાર મોકલીએ કે કેમ ? પરંતુ બાળક ઘરમાં રહીને ચીડિયા સ્વભાવનું થાય તેના કરતાં તો શાળાએ મોકલવા ઉચિત રહેશે અને સાથે જ ઘરની બહાર પણ અમે મોકલવાનું શરૂ કરી દીધું છે જેથી ફિઝિકલી બાળક મજબૂત બને.મેન્ટલી બાળકનો વિકાસ થાય.

શાળા – મિત્રો વિના અમે મુંજાઈ છીએ  શાળા ખુબજ જરૂરી  : વિદ્યાર્થીઓ

શહેરના વિદ્યાર્થીઓએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ક્લાસરૂમ નું વાતાવરણ અમારી માટે એકદમ અનુકૂળ રહે છે ઓનલાઇન કરતા ઓફલાઈન માં ક્લાસરૂમમાં અભ્યાસ કરવામાં આવે છે તે અમારી માટે ખૂબ જ અગત્યનું હોય છે ક્લાસરૂમમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે નું સમજણ પૂર્વક અભ્યાસ કરવામાં સરળ રહે છે.

પ્રત્યક્ષ શિક્ષકો સાથે સીધા સંપર્કમાં રહેવાથી અમારા અભ્યાસમાં થતાં શંકાનું સમાધાન તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે ક્લાસરૂમમાં શિક્ષકની હાજરી અતિ મહત્વની છે.મિત્રો સાથે હળી-મળીને અભ્યાસ કરવાની મજા ક્લાસરૂમમાં મળે છે.

ઓનલાઇન શિક્ષણ માં શિક્ષક પ્રત્યે સામે રહેતા નથી જ્યારે શાળામાં શિક્ષક પ્રત્યક્ષ રીતે સામે હોય છે તો રૂબરૂ તેમની સાથે અભ્યાસ કરવાનો માહોલ અલગ છે.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કલાસરૂમ પાયાની વસ્તુ છે : ડી.વી.મહેતા ( જીનિયસ સ્કૂલ )

જીનિયસ સ્કૂલના ઓનર ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે જીવવા માટે પાણી અને હવા ની જરૂર પડે છે તેમજ ઉત્તમ સમાજ માટે શિક્ષણ ની જરૂરિયાત છે.વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ફીઝીકલ શિક્ષણ સિવાય કોઈ જ વિકલ્પ નથી.કોઈ પણ દેશને સાંસ્કૃતિક પરિવર્તન લાવવું હોઈ અને સામાજીક પરિવર્તન લાવવા શિક્ષણ ખુબજ મહ્ત્વનું છે.બાળકો માટે કલાસરૂમ ખુબજ મહત્વનો છે.બાળકોને કલાસરૂમમાં સામાજીક જ્ઞાન મળે છે.બાળકની કોમ્યુનિકેશન સ્કિલ, શેરિંગ સ્કિલ ડેવલપ થાય છે.

વિદ્યાર્થીઓમાં ભણતર માટે કલાસરૂમ પાયાની વસ્તુ છે.શાળા એ માત્ર ને માત્ર ક્ધટેઇન ટ્રાન્સફર કરવાનું માધ્યમ નથી.છેલ્લા 2 વર્ષમાં બાળકો ઘણા પ્રોબ્લેમ નો સામનો કરી રહ્યા છે.ઓફલાઇન એજ્યુકેશન અત્યારે ખૂબ જ જરૂરી બની ગયું છે.સ્કૂલોમાં બાળકો પોતાનો આત્મ વિશ્વાસ વધારે છે.

કોવિડની ત્રીજી લહેર માં વર્લ્ડ બેંક ના ડાયરેક્ટરે કહ્યું કે સ્કૂલ બંધ રાખવાનો કોઈજ અર્થ નથી.શિક્ષણ મંત્રી ને અમારી અપીલ છે 31મી જાન્યુઆરી સુધી 1 થી 9 ધોરણના તમામ કલાસ શરૂ થઈ જાય.આવતા અઠવાડિયામાં ધોરણ 6 થી 9 શરૂ થઈ જાય તો અમને એમ લાગે છે કે વિધાર્થીઓ જે ટ્રેક પર આવેલ હતા એ ટ્રેક પર ફરી આવી સક્ષમ બની શકશે.

બાળકના વિચાર અને વ્યવહારમાં ક્લાસરૂમ કલ્ચર અનોખું સ્પર્શ આપે છે : કૃષ્ણકાંતભાઈ ધોળકિયા (કેજી ધોળકિયા સ્કૂલ)

પથ્થરને જેમ કંડારીને તેમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે એ જ રીતે બાળકના ઘડતરનું કાર્ય શિક્ષક અને શાળા કરે છે.કૃષ્ણકાંતભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે  મનુષ્ય સમૂહમાં રહેવા માટે ટેવાયેલા હોય છે.વ્યક્તિને એકાંતમાં મૂકવામાં આવે તો તેનો માનસિક વિકાસ પતી જાય છે.બાળક જ્યારે સમૂહમાં ક્લાસ રૂમમાં બેઠો હોય છે ત્યારે તેના વિચારો અને વ્યવહારોને અનોખું સ્પર્શ મળે છે. ક્લાસરૂમ વિનાનો બાળક ઘણું બધું ગુમાવે છે.

ક્લાસરૂમ ની અસર બાળક પર ખૂબ રહે છે બાળક માટે ક્લાસ તેના મિત્રો અને શિક્ષકો ખૂબ મહત્વના હોય છે માતા બાળકને જન્મ આપવાનું કામ કરે છે તે જ રીતના શાળાના બાળકને સુંદર વ્યક્તિત્વ આપવાનું ઘડતર કરે છે. તે માટે શાળાના દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ હોય છે અભ્યાસના બધા જ વિકલ્પો બંધ થઈ ગયા હોય ત્યારે જ ઓનલાઇન નો ઉપયોગ કરવો યોગ્ય છે. ઓફલાઈન શિક્ષણ બાળક માટે શ્રેષ્ઠ છે.

ઓનલાઈન માં બાળકની એકાગ્રતા બરાબર રહેતી નથી તેમજ વિષય સાથેની તાડમ્યતા પણ બરાબર રહેતી નથી. ઘરેથી સ્કુલ તરફ જ્યારે બાળક આવે ત્યારે ખીલતા ફૂલ જેવા હોય છે પોતાના મિત્રોને અને શિક્ષકોને મળવા ઉત્સાહભેર શાળાએ આવતા હોય છે. બાળક જ્યારે શાળાએથી ભણી ને પાછો જતો હોય છે ત્યારે આખા દિવસનું ભાથુ લઈને ઘરે જતો હોય છે. બાળકે તેના લક્ષ્ય અને જો પામવું હોય તો શાળામાં આવું જરૂરી છે અને ઓફલાઇન શિક્ષણ શ્રેષ્ઠ રહે છે.

શિક્ષકની આંખમાં આંખ નાખી અભ્યાસ ન કરે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ નકામું : જતીન ભરાડ (ભરાડ સ્કૂલ)

જતીનભાઈ ભરાડે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષકની આંખમાં આંખ નથી ને અભ્યાસ ન કરે ત્યાં સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ નકામું છે.બાળકો જ્યારે સ્કૂલે આવે ત્યારે હેલ્ધી કોમ્પિટિશન થાય છે એ પણ બાળકોના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.વર્ષોના અનુભવ પરથી એટલું કહીશ કે બાળક શાળાએ આવે , જુદા જુદા મિત્રો મળે, મન મળે, બાળક ખીલે. શિક્ષક માથે હાથ ફેરવી બાળકોને સમજાવે એ વાતાવરણ જ કાંઈક અલગ હોયછે. બાળકો પણ ઈચ્છે છે અમારે દરરોજ શાળાએ જવું છે.સાયકોલોજી ડિપાર્ટમેન્ટ સાથે રહીને સેમિનાર પણ કર્યા છે.ઘરે રહીને ચિડીયો સ્વભાવ થઈ ગયો છે.

આવા પ્રકારના કિસ્સાઓ ઘણા આવ્યા છે માટે પ્રત્યક્ષ શિક્ષણ ખુબજ અગત્યનું છે.માત્ર શાળા બંધ થાય તો જ કોરોના કંટ્રોલમાં આવશે તે માન્યતા ખુબજ ખોટી છે.બાળક સૌથી વધારે કોઈનું માનતો હોઈ તે શિક્ષક છે.બાળક પોતાના માતા પિતાને ઘણી વાતો નથી કરતો તે શિક્ષકને બધી વાતો કરે છે.શિક્ષકને બાળકો ભગવાન માનતા હોઈ છે.એક જ વાક્યમાં તમામ વાતો નું સોલ્યુશન થતું હોય છે.કલાસરૂમમાં આવીને બાળકોને ભણતર મળે તે અતિ મહત્વનું છે.અત્યારે પરિસ્થિતિ જે ચાલી રહી છે તે પ્રમાણે ધોરણ 1 , 2 ના બાળકો એ શિક્ષકોને જોયાજ નથી.

બાળકમાં નેતૃત્વ,ટીમવર્ક,મૈત્રીપૂર્ણ વ્યવહાર જેવા ગુણો સંચાર કરતી સંસ્થા એટલે શાળા : મયુરસિંહ જાડેજા (ગ્રીનવુડ સ્કૂલ)

મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બાળકના વિકાસમાં શાળા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. શાળા માત્ર વિષય વસ્તુ જ નથી પરંતુ બાળકની સર્વાંગી વિકાસ નું મૂળ છે. જેમાં શિસ્ત,શિષ્ટાચાર,કળા વ્યવસાય, માનવીય અભિગમ અને વિચારશક્તિ જેવા ગુણો કેળવાય છે. ક્લાસરૂમ કલ્ચર વિદ્યાર્થીઓના જીવનમાં અગત્યના ગુણોનું સિંચન કરે છે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને તેમના વિચારોના આદાન-પ્રદાનની સ્વતંત્રતા આપે છે.

બાળક માટે ક્લાસરૂમ ઘડતરનું પહેલું પગથિયું છે. જેમાં એક જ સરખી વયના બાળકો ભણતરની સાથે ટીમ વર્ક,નેતૃત્વ,હકારાત્મક લક્ષણ અને આયોજન જેવા ગુણો શીખે છે. બાળકોમાં નેતૃત્વના પ્રાથમિક અધ્યાય સમસ્યાનો હકારાત્મક તે સાથે મળીને સામનો કરવો જીતનો આનંદ માણવો હારને પચાવી એકબીજાના પ્રેમમાં તરબોળ હોવા છતાં સન્માન આપવા જેવું ઘણા મૂલ્યોનું સિંચન થાય છે.મોબાઇલમાં કારની ગેમ રમીને કાર ન શીખી શકાય તેમ જીવનમાં ભણતર અને મૂલ્યાંકન ના ગુણોનું ઘડતર શાળા સિવાય શક્ય નથી.

એકલવ્ય જેવી નિષ્ઠા અને શાંત હોય તો ઓનલાઇન શિક્ષણમાં પણ અર્જુન જેવી સફળતા મેળવી શકાય પરંતુ હાલની પરિસ્થિતિમાં શિક્ષકોના માર્ગદર્શન અને દિશાદર્શન વિના મેળવવી મુશ્કેલ છે.અર્જુનની સફળતામાં દ્રોણાચાર્યનો અમૂલ્ય ફાળો હતો તે જ રીતે આજના અર્જુનમાં પણ શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે સમાજને સારા નાગરિક ના ઘડતરમાં મદદરૂપ થાય છે. બાળકના જીવનમાં ભણતર ગણતર નેતૃત્વ ટીમવર્ક મૈત્રી પૂર્ણ વ્યવહાર જેવા ગુણો સંચાર કરતી સંસ્થા એટલે સ્કૂલ.જે ગુણો બાળક ઘરેથી નથી શકતા તે ગુણોનું સિંચન કરતું પહેલું પગથિયું એટલે શાળા.

ક્લાસરૂમમાં બાળક નવી વસ્તુઓ શીખવા ઉત્સુક રહે છે  રાજકુમાર ઉપાધ્યાય (શ્રદ્ધા વિદ્યાલય)

શ્રી શ્રદ્ધા વિદ્યાલયના ટ્રસ્ટી રાજકુમારે જણાવ્યું હતું કે જીવન કેવી રીતે જીવવું તે ભણતર શીખવાડે છે બાળક માટે વિષય મહત્વ કરતાં તે શાળાએ આવી અને પોતાના જીવનનું ઘડતર મેળવે છે એ મહત્વનું છે. બાળક જેટલું સોશિયલ થશે તેટલું તે નેગેટીવ વિચારોથી દૂર રહેશે માટે બાળકને ક્લાસરૂમમાં આવું જરૂરી છે ક્લાસરૂમમાં બાળક મિત્રતા સાથે નવી વસ્તુઓ શીખવી અને જાણવી આ બધું બાળક ક્લાસમાંથી શીખે છે. ઘરે હંમેશા તેને હુંફાળું વાતાવરણ મળે છે. ઓનલાઇન ભણતી વખતે બાળકને એકાગ્રતાનો અભાવ હમેશા રહેવાનો છે.તેની આસપાસ થતી ગતિવિધિઓ માં તેનું વધારે ધ્યાન ખેંચાવાથી પણ એકાગ્રતા નો અભાવ થતો હોય છે.

ત્યારે ક્લાસરૂમમાં બાળક સતત તેના અભ્યાસમાં એકાગ્રતાપૂર્વક રચ્યો પચ્યો રહે છે. આદિકાળથી  શિક્ષણમાં શાળાનું મહત્વ રહ્યું છે કૃષ્ણ ભગવાન જો ગુરુકુળમાં અભ્યાસ કરવા જતા હોય છે તે પરથી જ કહી શકાય કે શાળાનું બાળક માટે કેટલું મહત્વ છે. ઓનલાઇનમા ટેકનિકલ બાબતના પડકારો છે.અર્જુન તેના ગુરુ નીચે ભણી  અને વિશ્વ નો સારામાં સારો ધનુર્ધારી બન્યો છે. ત્યારે બાળકોનું પ્રત્યેક શાળાએ શિક્ષક સામે ભણવું આજે જરૂરી છે. બાળક તેના જીવનમાં કોઈ લક્ષ્ય બનાવે ત્યારે તે લક્ષ્ય સુધી પહોંચવા ઓફલાઈન શિક્ષણ મહત્વનું છે.

ઘર પછી કોઈ સુરક્ષિત જગ્યા હોઈ તો એ સ્કૂલ છે : વિમલભાઈ છાયા (ઉત્કર્ષ સ્કૂલ)

ઉત્કર્ષ સ્કૂલના ઓનર વિમલભાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકો હાલના સમયમાં ઘરની ચાર  દીવાલોમાં ઘણું ગુમાવી રહ્યા છે.કોઈ પણ ટેકનોલોજી કલાસરૂમ શિક્ષણ ને રિપ્લેસ ક્યારેય ન કરી શકે.આજે ઘરે થી બાળક નીકળે અને સ્કૂલ સુધીની સફર પણ ખુબજ મહત્વની હોઈ છે .બાળક સાઇકલ લઈને સ્કૂલે આવે, ઘરેથી નીકળે ત્યારે રસ્તામાં પંચર પડે અને ખીસ્સામાં પંચરના રૂપિયા ન હોઈ એ સમયે બાળક જ્યારે કોઈ પાસે કાલાવાલા કરી ને ઘરે ફોન કરે કે કોઈ પાસે પંચર માટે રૂપિયાની માંગ કરે ત્યારે એ ઘટનાક્રમ લાઈફમાં ઘણું શીખવે છે.

સ્કૂલમાં મિત્રો સાથે આનંદ અને દુ:ખની લાગણી શેર કરે છે.કોઈ પણ બાળક ને ભણતરમાં જ્યારે ફીઝીકલી એટેચમેન્ટ આપવામાં આવે ત્યારે બાળકમાં એક નવી ઉર્જા આવે છે.અત્યારે શાળાઓમાં બાળકો આવે છે તો થોડા જ સમયમાં શાળાઓ બંધ થવાથી તેમના પર માનસિક અસર ઘણી પડે છે.બાળક માટે જો આ જ વસ્તુ લાંબી ચાલશે તો આવનારા દિવસોમાં સમાજ પર ઘણી જ ગંભીર અસરો પડશે.ઘર પછી કોઈ સેફેસ્ટ પ્લેસ હોઈ તો એ સ્કૂલ જ છે.

સરકારના દરેક નિર્ણય માં અમે હંમેશા સાથે રહ્યા છીએ.અર્જુનની સફળતામાં દ્રોણાચાર્યનો અમૂલ્ય ફાળો હતો તે જ રીતે આજના અર્જુન માં પણ શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે સમાજને સારા નાગરિક ના ઘડતરમાં મદદરૂપ થાય છે.ક્લાસરૂમમાં બાળક સતત તેના અભ્યાસમાં એકાગ્રતા પૂર્વક રચ્યોપચ્યો રહે છે.

બાળકના ઉમદા વ્યક્તિત્વને નિખારવાનું કાર્ય શાળા કરે છે: પરિમલભાઈ પરડવા (ભૂષણ સ્કૂલ)

ભૂષણ સ્કૂલ સંચાલક પરિમલભાઈએ જણાવ્યું હતું કે બાળક માટે શાળાએ રૂબરૂ આવવું અને પ્રત્યક્ષ શિક્ષણ મેળવું ખૂબ મહત્વનું છે. બાળક માટે ઘરથી સ્કૂલ ની સફર સાચી એજ છે. બાળકના ભવિષ્ય માટે શાળાએ આવવું ખૂબ જરૂરી છે. શિક્ષણનું મહત્વ બાળક માટે તેના વિકાસમાં આગળ વધવાની મોટી તક છે. બાળકના જીવનમાં તેના વ્યક્તિત્વને ઉમદા રીતે નીખારવાનું કાર્ય શાળા દ્વારા કરવામાં આવે છે.

બાળકને ક્લાસ રૂમ સુધી લાવવા કોરોનાનો હાઉ દૂર કરવો જરૂરી છે. 12 થી 14 વર્ષના બાળકોનું પણ વેક્સિનેશન થવું ખૂબ જરૂરી છે તેમજ બાળકોમાંથી કોરોનાનો ભય દૂર કરવો અત્યંત જરૂરી.બાળકનું ક્લાસરૂમ કલ્ચર ખૂબ મહત્વનું છે ક્લાસરૂમમાં બાળક તેના મિત્રો સાથે તેના શિક્ષક સાથે એને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. નેતૃત્વ શક્તિ ના ગુણો મૂલવતા શીખે છે. દેશનું ભાવિ ભવિષ્ય ઘડવામાં બાળક પાયાના પથ્થર સમૂ કાર્ય રહે છે. ક્લાસરૂમમાં બાળક મોનિટર બની આવનારા સમયમાં સારી લીડરશીપ નું ઘડતર મેળવે છે.

સમાજને કંઈક અર્પણ કરવા માટે બાળકમાં સદગુણોનું સિંચન શાળામાં કરવામાં આવે છે માટે શાળા બાળક માટે જરૂરી છે. પ્રત્યક્ષ શિક્ષણ થકી શિક્ષક બાળકમાં ઉમદા ગુણોની જરૂર છે તે શ્રેષ્ઠતા પૂર્વક ઉમેરો કરે છે.બાળક માટે અર્જુન બનવું ખૂબ જરૂરી છે

બાળકે મિત્રતાની હૂંફ છેલ્લા બે વર્ષમાં ખૂબ મિસ કરી: સુદીપ મેહતા (શક્તિ સ્કૂલ)

સુદીપ મેહતાએ જણાવ્યું હતું કે    બાળકના વ્યક્તિત્વના વિકાસ માટે શાળા ખૂબ જરૂરી છે.બાળક પોતાની આવડત અને સ્કિલ શાળામાં ડેવલોપ કરે છે. જીવન જીવવાના ઘણા પાઠ બાળક શાળામાંથી શીખતો હોય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા ખૂબ જરૂરી છે. બાળકે મિત્રતાની હૂંફ છેલ્લા બે વર્ષમાં ખૂબ મિસ કરી છે. બાળકને સ્કૂલ સુધી લાવા પાછળનું એક કારણ પણ તેની મિત્રતા ની હૂંફ છે.

બાળકની બધી રીતે વિકાસ કરવા માટે સ્કૂલને વનસ્ટોપ સોલ્યુશન કહી શકાય છે. બાળકને ઘરેથી સ્કુલ સુધી તેના મિત્રો શિક્ષકો જેમની પાસે તે ડાઉટ ક્લિયર કરી તેના અભ્યાસમાં આગળ વધે છે. બાળક તેના મિત્રો સાથે બધું સેર કરતા હોય છે. શિક્ષક જ્યારે પ્રત્યેક બાળકના ખંભા પર હાથ મૂકી અને તેને સૂચન કરે છે અથવા તેની શંકાનું સમાધાન કરે છે એ બાળક માટે અતિ મહત્વની વસ્તુ છે તેના અભ્યાસ તેના જીવનમાં ઘડતર માટેની બાળક માટે એ હૂંફ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

આજે બાળકો ઘણી બધી શાળાની પ્રવૃતિઓ મિસ કરી રહ્યા છે. માતા-પિતા પણ ઘણી વખત કહેતા હોય છે કે શિક્ષકો જે તમારા બાળકને સૂચનો કરે છે તે ઘરે આવીને એની ચુસ્ત અમલવારીની કરે છે. બાળકના હૃદયમાં શિક્ષકનું સ્થાન મહત્વનું છે. સંસ્કારોનું સિંચન માત્ર શિક્ષકો અને માતા-પિતા જ કરી શકે છે. બાળકોને આખું અઠવાડિયું શાળા એના બોલાવીએ પરંતુ બાળકોને અલગ અલગ સમયે બોલાવી અને શિક્ષણ આપવું.

બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું શાળા છે : વાલીઓ

અમારું બાળક શાળામાં ઉત્સાહભેર અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે. શાળામાં અમારું બાળક તેના મિત્રો સાથે હળી-મળી અભ્યાસ કરે છે.શિક્ષક સાથે પ્રત્યક્ષ રહીને તે અભ્યાસમાં થતા શંકાના સમાધાને તાત્કાલિક ધોરણે લઈ આવે છે. ઓનલાઇન શિક્ષણમાં બાળક એકલવાયું થઈ જાય છે અને એકાગ્રતા પણ કેળવી શકતું નથી. બાળકનું વર્ગખંડમાં અભ્યાસ કરવું અત્યંત જરૂરી છે કારણ કે તે ક્લાસરૂમમાં રહી વિચારોની આપ-લે કરી અને આગળ અભ્યાસમાં વધે છે. બાળકના ઘડતર માટેનું પ્રથમ પગથિયું હંમેશા શાળા જ રહે છે.

કલાસરૂમ અને બાળકનું એટેચમેન્ટ જરૂરી : રાજેશ ભાટિયા ( વાલી )

7 વર્ષના બાળકના પિતા રાજેશભાઇ એ જણાવ્યું હતું કે મારું બાળક ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે.અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ હોવાથી ભણતરની જગ્યાએ મોબાઈલમાં ગેમ્સ પર વધુ ધ્યાન આપે છે.કલાસરૂમ અને બાળક નું એટેચમેન્ટ અલગજ હોઈ છે.શિક્ષક રૂબરૂ ભણાવે તે મહત્વનું છે.મિત્રો સાથે બાળકો રમે, ભણે શાળાના શિક્ષણની મજા લે તે ખુબજ અગત્યનું છે.અત્યારે શાળા ખુલી જાય તો મારા બાળકનો વિકાસ વધુ સારી રીતે થશે.

ઓનલાઈન શિક્ષણને કારણે મારા બાળકની આંખમાં સમસ્યા થઈ છે : પૂર્વીબેન ( વાલી )

કલાસરૂમ માં બેસીને શિક્ષક પાસેથી ભણતર મેળવવું ખુબજ અગત્યનું છે.બાળક ને કલાસરૂમમાં મોકલતા ડર લાગે છે પરંતુ જો શિક્ષણ નથી તો કાંઈ જ નથી.ઓનલાઇન કલાસમાં તેને જરા પણ રસ પડતો નથી.ફિઝીકલી શિક્ષક સામે રહીને મારા દીકરાને ભણાવે તો ઘણો જ ફાયદો થાય.ઓનલાઈન શિક્ષણને કારણે મારા બાળકની આંખમાં સમસ્યા થઈ છે.ઘરે બાળક એકલું પડી જાય છે, સ્કૂલમાં તો ભુલકાઓનું ગ્રુપ હોઈ તો બાળક સોળે કળાયે ખીલે છે.

મારા પુત્રનો સ્વભાવ ચીડચીડો થઈ ગયો છે.શાળાનું વાતાવરણ ન મળતા હેરાન છીએ : હિરલ પટેલ (વાલી )

હિરલ પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારો પુત્ર 9માં ધોરણમાં છે.સ્વભાવ તેનો ખુબજ ચીડચીડો થઈ ગયો છે.ફીઝીકલી શિક્ષણ ન મળવાને કારણે તે હેરાન છે.શાળાનું વાતાવરણ બાળકને મળે તે ખુબજ જરૂરી છે.હું કોઈ પણ વાત પૂછું તો તેનો જવાબ સીધી રીતે મળતો જ નથી.માત્ર ઘરમાં જ રહેવાને કારણે સ્કૂલનું ડીસીપ્લિન , મેનર્સ એ બધાથી ખુબજ દૂર રહ્યો છે.સ્ફુલ ટીચર , ઓફલાઈન શિક્ષણથી વંચિત રહેવાને કારણે ખુબજ તકલીફ પડી રહી છે.બાળક ના વિકાસ માટે શાળાઓ શરૂ થવી ખૂબ જ જરૂરી બન્યું છે.

મારો પુત્ર 3 વર્ષનો છે, મેન્ટલી ડેવલપમેન્ટ માટે ફીઝીકલી સ્કૂલ જવું જરૂરી છે : પૂજાબેન ( વાલી )

પૂજાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું એક શિક્ષક અને વાલી બંને છું અત્યારે જે પરિસ્થિતિ છે, તેમા કલાસરૂમમાં શાળામાં રૂબરૂ આવવાથી બાળકોનું મેન્ટલી ડેવલોપમેન્ટ થાય છે.મારો પુત્ર અનિક 3 વર્ષનો છે અને પ્લે હાઉસમાં શિક્ષણ મેળવી રહ્યો છે .આ ઉંમરમાં તેને સ્કૂલના વાતાવરણથી દુર રાખવો એ યોગ્ય નથી.એવું જરૂરી નથી કે સ્કૂલો માં બાળકોને મોકલવાથી કાઈ સમસ્યા થાય છે.આપણે બાળકોને ઘરની બહાર લઈ જઈએ ત્યારે કોઈ પણ જગ્યાએ આ પરિસ્થિતિમાં ચેપ લાગી શકે છે.શાળામાં તો વિધાર્થીઓ સંપૂર્ણ સુરક્ષિત રહી શકે છે.સંચાલકો બાળકોને કાંઈ પણ તકલીફ ન થાય તેની પૂરતી તકેદારીઓ રાખી રહ્યા છે.

કલાસરૂમ બાળકનો પાયો છે તેના વિના બધુજ અધૂરું : ભૂમિબેન ( વાલી )

ભૂમિએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓનલાઈન શિક્ષણ ને કારણે છોકરાવ જિદ્દી થઈ ગયા છે.કલાસરૂમમાં જઈને બાળકો ખૂબ જ સારું શિક્ષણ મેળવી શકે છે.મારો પુત્ર પહેલા ધોરણમાં અભ્યાસ શરુ કરશે .કલાસરૂમ ,શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે અનોખો સબંધ છે.જે બાળકને તમામ રીતે મદદરૂપ બને છે.

બાળકની સ્વતંત્રતા માટે દરરોજની 30 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી

કોરોના કાળમાં બાળક ઓનલાઈન શિક્ષણમાં તેમજ ઘરમાં એકલવાયું રહીને ફિઝિકલ ઍક્ટિવિટીમાં નબળો પડી ગયો છે.આ વાસ્તવિકતાનો ખ્યાલ વિદેશની ઘણી સંસ્થાઓ સર્વે દ્વારા રજૂ કર્યો છે.ત્યારે રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકની ફિઝિકલ એક્ટિવિટી સાવ બંધ થઇ ચૂકી છે જેના કારણે બાળકનું જીવન બેઠાડું બન્યું છે અને ઘણા બાળકો મેદસ્વીતા નો ભોગ બન્યા છે. સર્વે કરતી સંસ્થાઓ દ્વારા ઘણાં સૂચનો આપવામાં આવ્યા છે. બાળકને રોજની 30 મિનિટ ઘરમાં અથવા શેરીમાં એક્ટિવિટી કરાવી જરૂરી છે. તેમજ ઓનલાઈન ફિટનેસના વર્ગો ઓફર કરતા કાર્યક્રમો થી બાળકએ પ્રેરણા લઈ એક્ટિવિટી શીખવી જરૂરી છે.

ફી રેગ્યુલેટરી કમિટી  દ્વારા ફી માં 5% વધારાની મંજૂરી

તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં ફી રેગ્યુલેટરી કમિટીએ અમદાવાદની ચાર સ્કૂલોને વાર્ષિક સ્કૂલ ફીમાં 5% વધારો કરવાની મંજૂરી આપી છે.  તેમાં સત્વ વિકાસ, બાળકો માટેની ઉદગમ શાળા, બાળકો માટેની ઝેબર શાળા અને ડીપીએસ બોપલનો સમાવેશ થાય છે.  ચાર પૈકી, સૌથી વધુ વધારો સિંધુ ભવન રોડ પરની સત્વ વિકાસ સ્કૂલનો હતો જ્યાં સુધારેલી ફી હવે રૂપિયા 1.68 લાખ છે તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આ ફી વધારો પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક સ્તર માટે છે. 

ઉચ્ચ માધ્યમિકના કિસ્સામાં, સુધારેલી ટ્યુશન ફી રૂપિયા  1.45 લાખની મર્યાદામાં છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.  ઉદગમ સ્કૂલની ફી વાર્ષિકરૂપિયા 55,000 થી રૂપિયા 87,000ની રેન્જમાં છે.  ઝેબર સ્કૂલ માટે, ફી રૂપિયા  52,000 થી રૂપિયા 70,000ની રેન્જમાં નક્કી કરવામાં આવી છે અને ડીપીએસ બોપલ માટે, તે રૂપિયા 69,500 થી રૂપિયા 81,000 છે.

બાળક આક્રમક દિશા તરફ આગળ વધી રહ્યું છે જે ખુબજ ચિંતાની બાબત  ડો. ધારા દોશી (આ.સી પ્રો. – મનોવિજ્ઞાન ભવન સૌ.યુનિ.)

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો.ધારા દોશીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકો માટે કોમ્યુનિકેશન કરવા માટેનું માધ્યમ એટલે શાળા સંસ્કારોનું સિંચન જ્યાંથી થતું હોય છે તેમાં બે બાબતો મહત્વની છે એક કુટુંબ છે અને બીજી શાળા .ઘરની અંદર માતા-પિતા અને શાળાની અંદર શિક્ષકો આ બંને બાળકમાં સંસ્કારોનું  સિંચન કરે છે . ઓફલાઈન શિક્ષણમાં બાળક શિક્ષક પાસેથી કંઈક નવું શીખી ને આવે છે ઓનલાઈન માં જ્યારે બાળકને અભ્યાસ કરવામાં આવે છે ત્યારે એક રમકડું મોબાઈલ આજે બાળકો અભ્યાસમાં માધ્યમ બન્યું છે ત્યારે બાળકના માનસ ઉપર અને ઘણી બધી નિષેધક અસરો થઇ છે. આ નિષેધક અસરો વિશે બાળક પોતે પણ જાગૃત નથી. માતા-પિતાની પણ એક હદ આવી જાય છે કે તેઓ તેમના બાળકને આ સોશિયલ ગેજેટથી દુર રાખી શકતા નથી. બાળક એક આક્રમક દિશા તરફ આગળ વધતું જણાવ્યું છે.

શિક્ષણ એક એવું માધ્યમ છે તેમાં ટુ-વે કોમ્યુનીકેશન ની ખુબ જરૂર રહે છે ઓનલાઇન શિક્ષણમાં આજે ટુ વે  કોમ્યુનિકેશન રહ્યું નથી. ત્યારે ઓનલાઈન શિક્ષણમાં બાળકને ઘણી વખત સમજાતું ના હોય તો તે તેની પ્રતિક્રિયા રજૂ કરી શકતો નથી.ત્યારે બાળકમાં  ગાણિતિક વિકૃતિ,શાબ્દીક વિકૃતિ ભાષાકીય વિકૃતિનો ભોગ બાળક બને છે. અમારા મનોવિજ્ઞાન ભવનમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળક આ રીતનો ભોગ બનેલો હોય છે. બાળકના શારીરિક માનસિક અને ભાષાકીય વિકાસ ઉપર નિષેધક અસર પડી છે. બાળકનું માનસિક સ્વાસ્થ્ય ડોળાયું છે. બાળકોના સંચારનું સિઝન ટુ સંચારમાં જ્યારે પરિવર્તન થાય છે ત્યારે કોઈ ડોક્ટર તેનું નિદાન કરી શક્યો નથી.

ત્યારે સંસ્કારોનું સિંચન માત્ર શિક્ષકો અને માતા-પિતા જ કરી શકે છે. બાળકોને આખું અઠવાડિયું શાળા એના બોલાવીએ પરંતુ બાળકોને અલગ અલગ સમયે બોલાવી અને શિક્ષણ આપવું.

એક ક્લાસમાં જાજા વિદ્યાર્થીઓ હોય તો તેને 10-10 ના સમૂહમાં બોલાવવા અને અભ્યાસ કરવો. વચલો રસ્તો ગોતી બાળક અને શિક્ષકએ પ્રત્યક્ષ શિક્ષણ મેળવવું જરૂરી છે. બાળકોનું શિક્ષણ સારું થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે

બાળકનું મન કોરી પાટી જેવું છે , તેને મિત્રો સાથે રાખો નહીંતર ભવિષ્ય ધૂંધળું છે  : ડો.ડિમ્પલ રામાણી (આ.સી પ્રો. સાયકોલોજી ડિપાર્ટમેન્ટ સૌ.યુનિ)

કોરોના કાળમાં સ્ત્રી-પુરુષ ઉપરાંત બાળકોના પણ માનસ ઉપર ઘણી અસર જોવા મળી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવન માં  આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા  ડો.ડિમ્પલ રામાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઓનલાઇન ઓફલાઇન શિક્ષણ વચ્ચે બાળક ગૂંચવાઈ જાય છે. ઓનલાઇન શિક્ષણ ના ફાયદા સાથે ઘણા ગેરફાયદા પણ છે જેની અસર સીધી બાળકના માનસ ઉપર નિષેધક અસર થાય છે. બાળકનું મન કોરી પાટી જેવું છે આપણે જેવું લખીશું એવુંજ ચિત્ર એમાં છપાશે.

પરંતુ આપણે બાળકની વાત ને સદંતર ગણકારતા નથી. શાળા ચાલુ બંધ માં બાળકની એડજસ્ટમેન્ટ ની પ્રોસેસ ખોરવાઈ જાય છે અમારા કાઉન્સેલિંગ સેન્ટર પર એક વખત એક બાળકનો ફોન આવ્યો બાળકે અમને પૂછ્યું આપને ત્યાં ભાઈ બહેન મળે છે ? અમે પણ સ્તબ્ધ થઈ ગયા ત્યારે અમને સમજાયુંકે બાળક પણ તેની ઉંમર નું પાત્ર શોધતા હોય છે.એની સાથે રમવા વાળી વ્યક્તિને શોધતો હોય છે. આવા સમયમાં બાળક એકલું પડી  જતું હોય છે.બાળકને જે સમસ્યાઓ થાય છે તેનું નિવારણ કરવા માટે આપણે સક્ષમ બનવું જોસે. આજકાલ બાળકોમાં મોબાઈલ નો ક્રેઝ વધી ગયો છે સુવા ઊઠવા બેસવા થી લઈ  મોબાઈલ સતત બાળકને જોતો હોય છે. બાળકો મોબાઈલના એડિક થઈ ગયા છે.

બાળકને મોબાઈલ ના ફાયદા ગેરફાયદા નો ખ્યાલ નથી, પરંતુ માતા પિતાની જવાબદારી બને છે કે બાળકને મોબાઈલ ના ફાયદા ગેરફાયદા ની વાસ્તવિકતા અને તેની  માહિતીથી તેને માહિતગાર કરવો જોઈએ. માતા-પિતાએ પણ ઓનલાઇન શિક્ષણ વખતે બાળકને છે તેનું પૂરતું ધ્યાન રાખવું. જો બાળક પર ધ્યાન ન આપે તો ભણવાનું મૂકી પડતું તે ગેમ રમવા પર તત્પર થઈ જાય છે. અમારા ભવનના અધ્યક્ષ અને અધ્યાપક બંનેનો એક સર્વે પોર્ન સાઇટ પર નો છે.

જેમાં બાળક ઓનલાઇન શિક્ષણ માં ભણતા ભણતા ઊંધા રવાડે ચડી જાય છે. ઓનલાઈનમાં નોટિફિકેશન આવતાં જ પોર્ન સાઇટના વિડિયો શરૂ થઈ જાય છે જેનો ખ્યાલ માતા-પિતાને હોતો નથી. આજે બાળકો સતત મોબાઈલ ને વળગી રહેતાં તેમનું જીવન બેઠાડુ થતું ગયું અને તેઓ મેદસ્વિતાનો ભોગ બન્યા છે.ત્યારે બાળકને સાચી વાસ્તવિકતા ની માહિતી આપવાનો ખ્યાલ માતા-પિતાને રહેતો નથી અને શાળાના બંધ હોવાને કારણે શિક્ષકને પણ રહેતો નથી ત્યારે મારે એટલું જ કહેવું છે કે બાળકનું ઘડતર એ આપણા હાથમાં છે. યોગ્ય સમયે યોગ્ય રીતે બાળકને આપણે વાસ્તવિકતાનો ખ્યાલ આપશે તો એક ભાવિ નાગરિક તરીકે તેને ઓળખ મળશે.

ક્લાસરૂમમાં બાળકો એકબીજા સાથે વિચારોની આપ-લે કરી ઘણું નવું શીખે છે : કાજલ શુક્લા (વાઇસ પ્રિન્સિપાલ,જીનીયસ સ્કુલ)

કાજલબેન શુકલાએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રેના મારા અનુભવની વાત કરું તો બાળકોને ઇન્ફોર્મેશન તો વિવિધ માધ્યમો માંથી મળી રહે છે પરંતુ શાળામાં જે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે નું બોન્ડિંગ છે એ બાળકના ઘડતર માટેનું અગત્યનું છે. ઓનલાઈન શિક્ષણમાં આ શક્ય બનતું નથી. ક્લાસરૂમમાં બાળકો એકબીજા પાસેથી પણ ઘણું શીખતા હોય છે. બાળક સ્કૂલે શીખવા ના ઉપદેશથી આવતો હોય છે ત્યારે તેની શીખવાની ક્ષમતામાં ખૂબ વધારો થાય છે. મેન્ટલી અને ફિઝિકલ બધું જ શીખવાના અભિગમથી બાળકો શાળાએ આવે છે. બાળક માટે શાળાના દિવસો ગોલ્ડન ડે છે. ત્યારે આજે બાળકો ઘણી બધી શાળાની પ્રવૃતિઓ મિસ કરી રહ્યા છે. માતા-પિતા પણ ઘણી વખત કહેતા હોય છે કે શિક્ષકો જે તમારા બાળકને સૂચનો કરે છે તે ઘરે આવીને એની ચુસ્ત અમલવારીની કરે છે. બાળકના હૃદયમાં શિક્ષકનું સ્થાન મહત્વનું છે. બાળકો માટે શાળામાં મહત્વની સ્મૃતિઓ યાદગાર બનતી હોય છે. બાળકોના વિકાસ માટે સમૂહમાં શિક્ષણ પણ ખૂબ જરૂરી છે.

બાળકો ઘણા ડિસ્ટર્બ થયા છે  રાણા.ડી ગોજીયા (પુરુષાર્થ સ્કૂલ)

હાલની પરિસ્થિતિ જોતા બાળકને ઓફલાઈન શિક્ષણ મળવું જરૂરી છે છેલ્લા બે વર્ષથી આપણે જોઈએ છીએ કે ઓનલાઈન શિક્ષણમાં બાળકોનું અભ્યાસ ડામાડોળ થયું છે.ઓનલાઈન એજ્યુકેશન માં બાળકો ઘણા ડિસ્ટર્બ થયા છે.તેમજ ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ બાળકો રસ લેવા લાગ્યા છે ત્યારે આ સમયમાં ઓફલાઈન એજ્યુકેશન બાળકના વિકાસ માટે ખૂબ જરૂરી છે બાળકને ક્લાસરૂમમાં શિક્ષક સમક્ષ જે પ્રેમ ભાવ સાથેનું શિક્ષણ મળે છે તે ઓનલાઈન માં મળતું નથી.

શિક્ષક અને બાળકો વચ્ચેની આત્મીયતા શિક્ષણને હળવું કરે છે  ડો.ગીતા ભંભાણી (કેજી ધોળકિયા સ્કૂલ ,એકેડેમિક ડાયરેકટર)

ડો.ગીતા ભંભાણીએ જણાવ્યું હતું કે બાળકને ક્લાસરૂમમાં શિક્ષકો દ્વારા પ્રોત્સાહિત કરી આગળ વધારવામાં આવે છે. ક્લાસરૂમમાં બાળક પ્રત્યક્ષ જ શિક્ષક સાથે સંપર્ક કરીને તેનાશંકાનું સમાધાન કરે છે ક્લાસ રૂમ નો મિત્રો સાથે નો બાળક નો માહોલ અલગ હોય છે. શાળામાં આવવાથી બાળકની જીવનશૈલીનો પણ નિયમિત રીતે સંચાર થાય છે. શાળામાં બાળક સ્વયં શિસ્ત કેળવે છે. ક્લાસરૂમમાં પ્રત્યક્ષ બાળક અને શિક્ષક વચ્ચે ખો દ્વારા પણ જે સમજણ થતી હોય છે તે ખૂબ જ મહત્વની હોય છે.

બાળક અને શિક્ષક નું ક્લાસરૂમમાં આત્મીયતા સાથે હંમેશા કામ કરવાનું અભ્યાસ કરવાનો રહેતો હોય છે. બાળક અને શિક્ષક વચ્ચેની આત્મીયતાથી શિક્ષણ ઘણું હળવું થઈ જતું હોય છે. ઓનલાઈનમાં શિક્ષક અને બાળક વચ્ચેની આત્મીયતા મિસિંગ રહે છે. બાળકમાં નિયમિતા લઈ આવવા માટે શાળા જરૂરી છે. ક્લાસરૂમ કલ્ચરમાં બાળક માં શિસ્ત કેળવાય છે.

બાળકોની ભાષા ખૂબ ખરાબ થઈ ગઈ છે, શાળાનું ફીઝીકલ શિક્ષણ ખુબજ જરૂરી : પૂર્વી ગોહિલ ( શિક્ષક )

શિક્ષક પૂર્વી ગોહિલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જુના વિધાર્થીઓ શિક્ષકો સાથે એટેચ જ હોઈ છે પરંતુ જ્યારે ફિઝિકલ શિક્ષણ બંધ થાય છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ગેપ વધી જાય છે જે બાળકો માટે નુક્શાનકારક છે.વિદ્યાર્થીઓ હાલની સ્થિતિમાં ઘણી માનસિક સમસ્યાઓ ભોગવી રહ્યા છે.સ્કૂલો શરૂ થઇ ત્યારે મહામહેનતે અમે બાળકોને સ્કૂલની રૂટિન લાઈફમાં લાવી શક્યા હતા.બાળકને પ્રત્યક્ષ હોઈ ત્યારે શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કરવું ખુબજ સરળ બને છે.ઓનલાઈન માં આ વસ્તુ શક્ય જ નથી.

શાળાનું વાતાવરણ ઘરે શક્ય જ નથી.ડિસેમ્બરમાં અથાગ પ્રયત્નો બાદ અમે રૂટિન લાઈફમાં લાવી શક્યા.આપણી આંખોની શરમ ઓનલાઈનમાં બાળકોને નથી હોતી.બાળકોનું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું.

શિક્ષકો સાથે બાળક રહેશે તો જીંદગી બદલી જશે : મિલાપ ત્રિવેદી ( શિક્ષક )

2 વર્ષથી છોકરાઓ ઘરે જ છે.ભલે ઓનલાઈન શિક્ષણ ચાલુ હોય , શાળા નું વાતાવરણ તેઓને મળ્યું જ નથી જે ગંભીર બાબત છે.બાળકોમાં શિસ્ત નો અભાવ ખૂબ જ આવે છે.નાની નાની વાતમાં બાળક ખુબજ ગુસ્સે થઈ જાય છે અને માતા પિતા સામું પણ બોલવા લાગે છે.સ્કૂલે શિક્ષકો સાથે રહે તો બાળકોની જીંદગી બદલી જાય છે.બાળક દેશ નું ભવિષ્ય છે.સરકારના નિયમોનું પાલન જરુરી છે પરંતુ શાળાઓ બંધ હોવાને કારણે ઘરે રહીને બાળકોની રફ ભાષા થઈ ગઈ છે.લખવામાં પણ બાળકો આળસુ થઈ ગયા છે.વાંચનમાં પણ ઘણા બાળકો આળસ કરે છે. શાળાનું વાતાવરણ મળવું બાળકને ખુબજ જરૂરી બની ગયુ છે.નજીકના દિવસોમાં શાળાઓ શરૂ થઇ જાય તો બાળકોને ખુબજ ફાયદો થશે.

બાળકો શાળામાં નહીં આવે તો ઘણું ગુમાવશે : અનિતા નિર્મલ (શિક્ષક)

શિક્ષક અનિતા નિર્મલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા બાળકો જે કલાસરૂમથી , શાળાથી દૂર રહે છે તેઓને સૌથી પહેલા ભાષા પર ક્ધટ્રોલ નથી રહેતો.અંગ્રેજી માધ્યમ ના બાળકોને ખાસ આ તકલીફ પડે છે.ઘરે બધા જ ગુજરાતીમાં વાત કરતા હોય છે ત્યારે અમારું શિક્ષણ અંગ્રેજીમાં જ અમે આપી રહ્યા છીએ.ફિઝીકલી ટ્રીટ અમે બાળકોને અલગ રીતે કરી રહ્યા છીએ.બાળકો કલાસરૂમમાં હોઈ તો કઈ રીતે બેસવું અને તેમને શિસ્ત કેમ જાળવવુ તે તમામ જ્ઞાન મળે છે જ્યારે ઘરે બેઠા બેઠા તે સુતા સુતા મોબાઈલ જુએ છે.જો વધુ સમય શાળાઓથી બાળકો દૂર રહેશે તો આવનારા દિવસોમાં બાળકો ને સમજાવવા ખુબજ અઘરું બની રહેશે.હાલમાં તેઓની ઉંમર પ્રમાણે તેમને જેમ કહીએ તેમ બાળકો શીખતાં હોઈ છે.જો શાળામાં બાળક નહિ આવે તો લાઈફમાં ઘણું ગુમાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.