10 ઓગષ્ટ સુધીમાં શાળા કર્મીઓ અને શિક્ષકોને વેક્સિન આપી દેવી જરૂરી : શાળા સંચાલકો

હવે જયારે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે, સરકાર દ્વારા ધોરણ 9 થી 12 ની શાળાઓ ફરી શરુ કરવા માટે જુલાઇ 26 થી મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં અને તકેદારીના ભાગ રુપે રાજકોટ જીલ્લાની દરેક શાળાઓને તેમના તમામ શિક્ષકો અને કર્મચારીઓને વેક્સિન આપાવી દેવા અપીલ કરવામાં આવે છે. તે સાથે જ તાકીદ પણ કરવામાં આવે છે કે જો કોઇ પણ શાળા આમ કરવામાં કોઇ ચુક કરશે તો તેને સરકાર બંધ કરાવી શકશે અને  વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આ નિર્ણય માટે રાજકોટ સંચાલક મંડળ સરકારની સાથે રહેશે.

આ અંગે વધુ જણાવતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી. વી. મહેતા જણાવે છે કે ગત સપ્તાહમાં અમે સરકાર સમક્ષ માંગ કરી હતી કે ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સહીત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, તે મુજબ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં ખાનગી શાળાઓને પણ ખોલવાની મંજૂરી તાકીદે આપવામાં આવે. અમારી આ માંગને સરકારશ્રી દ્વારા સ્વિકારી આગામી તા.  26 જુલાઈથી 9 થી 11 ની શાળાઓને ફરી શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે.

આ માટે અમે ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી  અને શિક્ષણ વિભાગના આભારી છીએ. પરંતુ અમે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના જોખમે શાળાઓ ચલાવવાના આગ્રહી નથી. તે માટે અમે રાજકોટ જીલ્લાની તમામ ખાનગી શાળાઓને તેમના દરેક કર્મચારી અને શિક્ષકોને તા. 10 ઓગષ્ટ પહેલા વેક્સિન અપાવી લેવાની જવાબદારી સ્વિકારવા અપીલ કરી છે.

જો આમ કરવામાં કોઇ શાળા ચુક કરશે તો અમે સરકારને તે શાળાને બંધ કરવાની કાર્યવાહી કરવા અનુરોધ કરીશુ. વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં અને તકેદારીના ભાગ રુપે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સરકારની કાર્યવાહી ના નિર્ણયની સાથે રહેશે. અમે પણ ઇચ્છીએ છીએ કે બાળકો જયારે શાળાઓમાં શિક્ષણ માટે આવે ત્યારે તેઓ અને તેમના વાલીઓ આસ્વસ્થ રહે કે તેમના બાળકો માટે શાળાઓમાં વાતાવરણ સંપૂર્ણ સલામત છે.

આ માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કોર કમીટિના સભ્યોમાં પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનયર જયદિપભાઈ જલુ અને  મેહુલભાઈ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ વતી પ્રમુખ  ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, એફ.આર.સી કમીટીના સભ્ય  અજયભાઇ પટેલ, તેમજ કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યોએ એક સુરમાં આ નિર્ણય લીધો હતો અને આ અંગે સરકારને પણ જાણ કરવામાં આવી છે.