Abtak Media Google News

‘સીટ’ની તપાસના પ્રાથમિક રિપોર્ટમાં અગ્નીકાંડ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન જ જવાબદાર હોવાના તારણ બાદ હવે જો રાજય સરકાર કોઈ પગલા નહીં લ્યે તો ગુજરાત હાઈકોર્ટ સુપરસીડ માટે નોટિસ ફટકારે તેવી  સંભાવના

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ માટે મુખ્ય જવાબદાર એવા રાજકોટ મહાનગરપાલિકાને સુપર સીડ કરવામાં આવે તેવા ભણકારા વાગી રહ્યા છે. ‘સીટ’ દ્વારા આગામી 6 જૂનના રોજ અગ્નીકાંડની તપાસનો  સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ સુપર સીડની  કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા હાલ જણાય રહી છે.

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી અગ્નીકાંડની ઘટનાની તપાસ માટે  રાજય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે સીટ દ્વારા તપાસનો પ્રાથમિક અહેવાલ રાજય સરકાર  સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં અગ્નીકાંડ માટે મ્યુનીસીપલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર જવાબદાર હોવાનું દર્શાવવામાં આવ્યું છે. અગ્નિકાંડની ઘટના બાદ રાજય સરકાર  દ્વારા રાજકોટના ન્યુનીસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને અન્ય બે આઈપીએસ અધિકારીઓની બદલી કરી  દેવામાં આવી છે.મહાપાલિકાના ટીપીઓ પાસેથી ચાર્જ આંચકી લેવામાં આવ્યો છે. અલગ અલગ વિભાગના સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

હવે કોર્પોરેશન અને પોલીસ વિભાગના એક એક અધિકારીઓને મુખ્ય આરોપી તરીકે જોડવાની તજવીજ પણ ચાલી રહી છે. સીટની તપાસના પ્રાથમિક  અહેવાલ બાદ સરકાર વધુ આકરા નિર્ણયો લેવાના મૂડમાં આગામી 6 જૂનના રોજ અગ્નિકાંડનો સંપૂર્ણ અહેવાલ આવી જશે જે હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવનાર છે. જો રાજયની ભાજપ સરકાર દ્વારા ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલીકાને સુપરસીડ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને  શા માટે સુપર સીડ ન કરવી? તે  અંગે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

રાજકોટ મહાપાલિકા સુપરસીડ થાય તેવી હાલ પ્રબળ સંભાવના જણાય રહી છે. અગ્નીકાંડની ઘટનાના બીજા દિવસે ટીઆરપી ગેમ ઝોન પર બુલડોઝર  ફેરવી કોર્પોરેશન દ્વારા પૂરાવાનો નાશ કરી દેવામાં આવ્યો હોવાની પણ શંકા સેવાય રહી છે. રાજય સરકાર અને  ગુજરાત હાઈકોર્ટ પણ રાજકોટ અગ્નીકાંડની સીટના સંપૂર્ણ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહી છે. આવતા સપ્તાહે આકરા પગલા લેવામાં આવે તેવી શકયતા જણાય રહી છે.

રાજકોટ મહાપાલિકાની વર્તમાન બોડીની મુદત આગામી 12મી માર્ચ  2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. તે પૂર્વે સુપરસીડના ભણકારા  વાગી રહ્યા છે.

ગઈકાલે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ પણ એવું નિવેદન આપ્યું હતુ કે સીટના અહેવાલ બાદ આકરી કાર્યવાહી કરવામાં આવશે હવે  અનેકના તપેલા ચડી જાય તેવું લાગી રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.