Abtak Media Google News

આપઘાતની ફરજ પાડનાર વકિલ-બ્રોકર સામે નોંધતો ગુનો: મોબાઈલ લોકેશનના આધારે તપાસ કરતી પોલીસ

રાજકોટમાં મકાન પચાવી પાડી પૈસાની ચૂકવણી ન કરીને પુરા વિપ્ર પરિવારને આપઘાતની ફરજ પાડવા માટે મજબૂર કરનાર સાળા-બનેવીની પોલીસે શોધખોળ હાથધરી છે. યુવાન સહિત પરિવારને મરવા માટે મજબૂર કરનાર વકિલ અને બ્રોકર સામે ગુનો નોંધી પોલીસે મોબાઈલ લોકેશન ટ્રેશ કરીને તપાસ શરૂ કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાનામવા પાસે શિવમપાર્કમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડિયા (ઉ.વ.42)એ રવિવારે રાત્રે તેના પુત્ર અંકિત (ઉ.વ.22) અને પુત્રી કૃપાલી (ઉ.વ.20)ને કોરોનાની દવા કહી બંનેને ઝેરી દવા પીવડાવી દીધી હતી અને કમલેશભાઇએ પણ એ દવા ગટગટાવી લેતા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અંકિતનું મોત નીપજતાં પોલીસે કમલેશભાઇ સામે પુત્રની હત્યાનો ગુનો નોંધ્યો હતો. તો મંગળવારે કમલેશભાઇનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કમલેશભાઇ પાસેથી પોલીસને સ્યૂસાઇડ નોટ મળી હતી જેમાં તેમની સાથે છેતરપિંડી થતાં તેમણે જીવન ટુકાવવાનું પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો.

જે બાબતે કમલેશભાઇના ભાઇ કાનજીભાઇ લાબડિયાએ બુધવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે એડવોકેટ રાજેશ દેવજી વોરા ઉર્ફે આર.ડી.વોરા અને કારખાનેદાર દિલીપ જીવરાજ કોરાટના નામ આપ્યા હતા. કાનજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કમલેશભાઇ જે મકાનમાં રહે છે તે મકાન તેમણે રૂ.1.29 કરોડમાં દિલીપ કોરાટને વેચવાનું નક્કી કર્યું હતું. જેમાં રૂ.48 લાખનો વેચાણ દસ્તાવેજ કરવાનો હતો. જે માટે દિલીપે રૂ.51 હજાર સૂથી પેટે આપ્યા હતા અને રૂ.20 લાખ કટકે કટકે આપ્યા હતા. 61 લાખ રજિસ્ટર સાટાખત વખતે આપવાના અને બાકીની રકમ દસ્તાવેજ વખતે આપવાની વાટાઘાટો થઇ હતી. સાટાખત સહિતની કામગીરી માટે દિલીપ તરફથી એડવોકેટ વોરા હાજર રહ્યા હતા.ત્યાર બાદ એડવોકેટ આર.ડી.વોરા અને દિલીપ કોરાટે કમલેશભાઈનું મકાન પચાવી પાડવા માટે કાવતરું ઘડ્યું હતું. ત્યાર બાદ વિપ્ર યુવાનને ક્રાઇમ બ્રાન્ચમાં ખોટી અરજી કરી ફસાવી દેવાની ધમકી આપતા ગભરાઈ ગયેલા યુવાને પરિવાર સાથે આપઘાત કરવાની કોશિશ કરી હતી. જેમાં યુવાન અને તેના પુત્રનું મોત નિપજ્યું હતું. જેથી પોલીસે કમલેશભાઈની સ્યુસાઇડ નોટ પરથી પોલીસે વકિલ અને બ્રોકર સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો દાખલ કર્યો છે.તો બીજી તરફ સ્યુસાઇડ નોટને આધારે પોલીસે કેમ ફરિયાદ ન નોંધી તથા આરોપીઓના મોબાઈલ લોકેશન ટ્રેશ કરવામાં આવે તો પોલીસ આરોપીઓને ઝડપી શકે તેમ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અન્ય સામાન્ય કેસમાં પણ પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવે છે તો આવા ગંભીર કેસમાં પોલીસે કેમ પ્રેશર ના કર્યું તેવા સવાલો પણ સમાજના આગેવાનોને થઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.