Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવનના ડો.ધારા દોશી અને કર્તવિ ભટ્ટે કુલ 1174 લોકોના સર્વે આધારે તારણ આપ્યા જેમાં 574 પુરુષો અને 600 સ્ત્રીનો સમાવેશ કર્યો હતો

દરેક ઋતુ દરેક વ્યક્તિ માટે એક સમાન હોતી નથી. કોઈ ને શિયાળો, કોઈ ને ઉનાળો તો કોઈ ને ચોમાસા ના દિવસો ગમે છે જ્યારે કેટલાક લોકો માટે અમુક ઋતુઓ માનસિક તંગદિલી અને સમસ્યાઓ લઈ ને આવે છે. દર વર્ષે, અમુક સમયગાળામાં જ આવું કેમ થતું હશે તે એક વિચારવા જેવી બાબત છે. આ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડો. ધારા આર.દોશી જણાવતા કહે છે કે ચોમાસામાં દરેક લોકોને રોમેન્ટિક વિચારો જ આવે એ જરૂરી નહિ પણ અમુક લોકોને ચિંતા અને ઉદાસી પણ જોવા મળે જે સીઝનલ અફેકટિવ ડિસઓર્ડર ના લક્ષણો છે. જેમ આપણે જાણીએ છીએ તેમ દરેક ઋતુની સાથે વાતાવરણમાં ઘણા પરિવર્તનો આવતા હોય છે.

પરંતુ ઋતુની સાથે ઘણી વખત લોકોના માનસિક સ્વાસ્થ્યમાં પણ પરિવર્તન આવે છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કેટલીક વ્યક્તિ અમુક સિઝનમાં અલગ પ્રકારનું વર્તન કરે છે અથવા તો તેનું સ્વાસ્થ્ય દર વર્ષે અમુક સમયમાં બગડી જાય છે. આવા લક્ષણોને સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર (SAD) કહેવાય છે. એ ડિપ્રેશન નો એક પ્રકાર છે, જેનો સીધો સંબંધ ઋતુગત પરિવર્તન સાથે છે. જેની અસર કેટલીક ઋતુઓના સમયગાળામાં રહે છે અને પછી જાતે જ દૂર થઈ જાય છે. SAD ના લક્ષણો મોટેભાગે શિયાળા અને ચોમાસામાં જોવા મળે છે. આ સિવાય ઘણી વખત ઉનાળામાં પણ જોવા મળી શકે છે.

SAD પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે અને યુવાન અવસ્થા માં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. દ્વી ધ્રુવીય વિકૃતિ ધરાવતા લોકોમાં આ મુજબની ઋતુગત અસર વધારે જોવા મળે છે. આવા લોકોને કેટલીક ઋતુમાં દ્વિધ્રુવિય હુમલાઓ આવી શકે છે. ઉદાહરણ તરીકે વસંત અને ઉનાળામાં સમયમાં મેનિયા ના લક્ષણો દેખાય શકે છે જ્યારે શિયાળાના સમયમાં હતાશા અનુભવે છે.

Untitled 1 604

તારણો

  •  સિઝનલ બીમારી સ્ત્રીઓમાં 45% અને પુરુષોમાં 27.10% જોવા મળે છે.
  •  સિઝનના ફેરફાર સાથે ઊંઘ અને થાકની સમસ્યા સ્ત્રીઓમાં 21% અને પુરુષોમાં 14.20 % જોવા મળતી હોય છે.
  •  સિઝન સાથે રસ માં ફેરફાર અને ઉદાસીનતા 24%સ્ત્રીઓમાં અને 16.20% પુરુષોમાં જોવા મળે છે.
  •  27%સ્ત્રીઓમાં અને 13%પુરુષોમાં સીઝન ફેરફાર સાથે ચીડિયાપણું અને નિરાશા જોવા મળે છે.
  •  ચોમાસાની સિઝનમાં 36%સ્ત્રીઓને અને 11% પુરુષોને પેટ-પાચનની સમસ્યા વધુ જોવા મળે છે.

લક્ષણો

  • વધારે પડતી ઊંઘ કરવી.
  • ઊંઘ કર્યા પછી પણ સુસ્તી લાગવી.
  • સતત થાક નો અનુભવ થવો.
  • વજનમાં વધારો થવો.
  • કાર્ય માં રસનો અભાવ વર્તાય.
  • ઉદાસીનતાનો અનુભવ થવો.
  • ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી.
  • કાર્બોહાઈડ્રેટ વાળા ખોરાક ની સતત ઈચ્છા થવી.
  • ચીડિયાપણું વધે.
  • નિરાશાનો અનુભવ.

ઉપચાર

SADના લક્ષણો કેટલીક ઋતુમાં જ વધારે જોવા મળે છે ત્યારબાદ તે અદ્રશ્ય થઈ જાય છે આથી તેનું નિવારણ થઈ ગયું તેવું ન માની બેસવું જોઈએ. તેના લક્ષણો ઘટાડવા માટે યોગ્ય અને અનુભવી નિષ્ણાંત ની મદદ લેવી જોઈએ.

કારણો

SADનું કોઈ મુખ્ય કારણ કહી શકાય તેમ નથી છતાં કેટલાક અભ્યાસો પરથી અમુક કારણો જવાબદાર ગણાવ્યા છે.

  1. જૈવિક સાયકલ: ચોમાસા અને શિયાળામાં સૂર્યપ્રકાશનું સ્તર ઘટી જાય છે પરિણામે શિયાળાની અને ચોમાસા ની શરૂઆત SAD નું કારણ બની શકે છે . સૂર્યપ્રકાશમાં થતો ઘટાડો ડિપ્રેશન તરફ દોરી જાય છે.
  2. સેરેટોનીનમાં ઘટાડો: આ એક મગજનું રસાયણ (ન્યુરોટ્રાન્સમીટર) છે, જે મૂડને અસર કરે છે, તે SAD માં ભૂમિકા ભજવે છે . સૂર્યપ્રકાશમાં ઘટાડો થવાથી સેરોટોનિનમાં ઘટાડો થઈ શકે છે જે ડિપ્રેશનનું કારણ બને છે.
  3. મેલાટોનિનનું સ્તર: વાતાવરણમાં થતાં ફેરફાર શરીરના મેલાટોનિનના સ્તરને અસ્થિર કરી શકે છે, જે ઊંઘને અસર કરે છે અને મૂડ પરિવર્તન પણ લાવી શકે છે.
  4. આ ઉપરાંત પારિવારિક વાતાવરણ પણ ઘણી વખત કારણભૂત બને છે. પરિવાર ના કોઈ સભ્યને SAD અથવા ડિપ્રેશન જેવી કોઈ સમસ્યા હોય તો અન્ય ને પણ તેની અસર થઈ શકે છે.
  5. વિટામિન ઉ સિરેટોનીનને બેલેન્સ કરે છે જ્યારે વિટામિન ઉ નથી મળતું ત્યારે પણ SAD ની સમસ્યા થઈ શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.