કમોસમી માવઠુ કેરીના પાકનો સોથ વાળી દેશે

મોર થનગનાટ કરે તે પૂર્વે મુરઝાઇ ગયો!

ભરશિયાળે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં માવઠું: આ વખતે કેરી મોડી આવે કે ભાવ વધારે રહે તેવી સંભાવના

ભરશિયાળે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું છે. જેના કારણે મોટાભાગના પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત સૌથી વધુ કેરીના પાકને નુકસાન થયું છે. મન મોર બનીને થનગનાટ કરે તે પૂર્વે જ મોર મુરઝાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. કેરીના મોરને પાણી અડે તો પણ નુકસાન થાય છે. તેવામાં આ માવઠાએ કેરીના પાકનો સોંથ વાળી દીધો છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં આજે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે શિયાળા પાકને નુકસાન થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાય વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.

સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે પવન દક્ષિણ પૂર્વ દિશામાં ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું છે. જો કે હજુ આગામી ૪ દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

એક તરફ લાંબું ચોમાસું અને શિયાળામાં પણ દિવસના મોટાભાગ દરમિયાન ઉનાળાનો અનુભવ અને હવે વરસાદની સંભાવના ખેડૂતોની ચિંતિત કરી રહી છે. રાજ્યમાં બે દિવસ કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે આ સમયમાં ઠંડી જોર પકડી ચૂકી હોય છે તેના બદલે રાજ્યના મોટાભાગના સ્થળો પર લઘુત્તમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની આસપાસ નોધાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગીર પંથકમાં પણ માવઠું પડયું છે હાલ ત્યાં કેરીના પાકની સીઝન ચાલી રહી હોય આંબા પર મોરના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા હતા પરંતુ માવઠાએ આ મોરને મુરઝાવી નાખ્યો છે. જેથી હવે કેરીનો પાક મોડો આવે અથવા તો તેનો ભાવ વધારે રહે તેવી સંભાવના જોવા મળી રહી છે.

ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ

ગઈકાલે રાજયભરમાં થયેલા માવઠાને કારણે ખેડૂતોના ઉભા પાકોને વ્યાપક નુકશાન થવા પામ્યું છે. ઘઉં, ચણા, જી‚, કપાસ, સહિતના પાકોનાં ઉત્પાદનમાં મોટી અસર જોવા મળશે. અચાનક ખાબકેલા વરસાદથી ખેડુતો મુંઝવણમાં મૂકાઈ ગયા છે. ત્યારે રાજય સરકારે આજથી ત્રણ દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવા નિર્ણય લીધો છે. રાજયભરનાં મોટાભાગનાં જિલ્લાઓમાં કયાંક વધારે તો કયાંક છૂટ્ટો છવાયો વરસાદ વરસી જતા ખેડુતો ઉપર અવકાશી આફત આવી પડી છે. રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા કોઈ પણ જાતના અડચણ કે વિઘ્ન વગર ચાલી રહી હતી ત્યારે ગઈકાલે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી ગયો હતો. કયાંક વરસાદી ઝાપટું તો કયાંક બેથી અઢી ઈંચ સુધીનો વરસાદ ખાબકી જતા ખેડુતોના તૈયાર પાકો અને ખેતરોમાં ઉભા મોલને નુકશાની થવા પામી છે. હજુ વાતાવરણ ગોરંભાયેલું રહેતા વરસાદની શકયતાને પગલે ખેડુતોનો પાક વધુ પલળે નહિ તેથી રાજય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખી છે. વરસાદની આગાહીને પગલે આજથી ત્રણ દિવસ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રહેશે જેથી ખેડુતોનો માલ ખુલ્લામાં બગડે નહિ.

રાજકોટ માર્કેટીંગ યાર્ડની મગફળીને  નહીંવત નુકસાન: ડી.કે. સખીયા

ગઈકાલે રાજયભરમાં થયેલા માવઠાને કારણે ખેડૂતોના પાકોને થોડા-ઘણા અંશે નુકશાન થવા પામ્યું છે. ત્યારે રાજકોટ માકેટીંગ યાર્ડમાં ખુલ્લા મેદાનમાં રહેલી મગફળી પલળી ગઈ હતી. આ અંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગઈકાલે વરસાદી ઝાપટા પડતા મગફળીના ઢગલાની ઉપર-ઉપરની મગફળી પલળી ગઈ છે જે તડકો નીકળતા સુકાઈ જશે. જેથી આ માવઠાને કારણે માર્કેટીંગ યાર્ડમાં માત્ર નહિવત નુકશાન થયું છે. વધુમાં જણાવ્યું હતુ કે જે રીતે તાજેતરમાં કપાસ રાખવા માટે નવો શેડ ખૂલ્લો મૂકાયો છે. તેવી જ રીતે આગામી દિવસોમાં મગફળીની ૨ લાખ જેટલી ગુણી સમાય તેવું નવું પ્લેટફોર્મ બનાવવામાં આવનાર છે. મગફળી માટેનો સ્પેશ્યલ શેડ બનતા અત્યારે જે રીતે નુકશાન થયું તેવી રીતે હવે આગામી દિવસોમાં મગફળીને કોઈ પણ જાતની નુકશાની નહિ થાય. મગફળી પલળી ગઈ છે જે સુકાઈ જતા ભાવમા પણ કોઈ ફેરફાર રહેશે નહિ.