Abtak Media Google News
  • જન્માષ્ટમી ટાણે જ મેઘમલ્હાર
  • ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ, સૌથી વધુ વડગામમાં 4.5 ઇંચ
  • વરસાદ પડયો: રાજ્યના 24 તાલુકામાંથી બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો

અબતક, રાજકોટ : સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. બગસરામાં ચાર, ગોંડલમાં બે અને ધારીમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વડગામમાં 4.5 ઇંચ વરસાદ પડયો છે. રાજ્યના 24 તાલુકામાંથી બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

અમરેલી જિલ્લામાં શુક્રવારે સવારથી મેઘ રાજાના મંડાણ થયા હતા અને અડધા ઈચથી માંડીને 4 ઈંચ સુધી વરસાદ પડી ગયો હતો. બગસરામાં વહેલી સવારે બે કલાકમા 4 ઈંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા., ગોંડલના વાસાવડમા બે ઈંચ, ધારી વિસ્તારમાં દોઢ ઈંચ અને અમરેલીમાં અડધો ઈંચ, ખાંભા ગ્રામ્યમા ધોધમાર વરસાદ પડી ગયો હતો. ધારી ડેમ ફરીથી છલકાતા બે દરવાજા ખોલાયા છે. ધારીના કુબડામાં વીજળી પડતા એક ભેંસનું મોત થયુ છે. શેત્રુજી, માલણ, રૂપેણ,પીલુડી નદીમાં પૂર આવ્યું હતુ.

ધારી તેમજ આસપાસના ગ્રામ્ય – વિસ્તારો દલખાણીયા, ચાંચઈ, – પાણીયા, ગીગાસણ, બોરડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી ગયો હતો. તાલુકા મથક ધારીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારે 7:30 વાગ્યાથી જ ધારીમાં મેઘસવારી શરુ થઈ હતી. વરસાદના કારણે ધારીની અને જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ફરી એક વખત ખોડિયાર ડેમ છલકાઈ જતા તેના બે દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. બે દરવાજા એક એક ફૂટ સુધી ખોલવાના કારણે અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓના 34 તથા ભાવનગર જિલ્લાના બે તાલુકાના 12 ગામો મળીને કુલ 46 – ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે – અને લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે.ધારીના કુબડા ગામે રાણાભાઈ દુદાભાઈ કુકડની ભેંસ ઉપર વીજળી પડતા મોત થયુ હતુ.ખાંભાના કંટાળા, ધુંધવાણા, ખડાધાર, પચપચીયા, ગીદરડી, પાણીયા, જામકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો ધમાકેદાર રાઉન્ડ શરુ થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારને 23 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના વડગામમાં 4.5 ઇંચ (112 મીમી) વરસાદ વરસ્યો છે. રાજ્યના 24 તાલુકામાંથી બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. વડગામમાં 112 મીમી, નડીયાદ 101 મીમી, બગસરા 97 મીમી, મહુધા 92 મીમી, દેહગામ 90 મીમી, અમીરગઢ 86 મીમી, મેઘરજ 84 મીમી, સાગબારા 78 મીમી, હિંમતનગર 74 મીમી, કપડવંજ 71 મીમી, કડાણા 70 મીમી, પોશિના, કલોલ 67 મીમી, માલપુર, સંતરામપુર 66 મીમી, સોજિત્રા 64 મીમી, હાંસોટ, મોડાસા 63 મીમી, ખંભાત, ઉમરપાડા 61 મીમી, ગોધરા 58 મીમી, ફતેપુરા 55 મીમી, દેદિયાપાડા અને કુકરમુંડામાં 53 મીમી વરસાદ વરસ્યો છે.

આ સિવાય પેટલાદ , માણસા 46 મીમી, કાંવટ 45 મીમી, વાલિયા 44 મીમી, નસવાડી 43 મીમી, નેત્રંગ 42 મીમી, કઠલાલ, મોરવા હડફ, હાલોલ, રાણપુર 41 મીમી અને લુણાવાડા 38 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 105 તાલુકામાં 1 થી લઇને 36 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

ત્રણ સિસ્ટમ કાર્યરત થતા આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે

ગુજરાતમાં વરસાદે ફરીથી રંગ રાખ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, રાજ્યમાં અત્યંત ભારે વરસાદથી લઇને સામાન્ય વરસાદ વરસવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે શનિવારે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત

ભારે વરસાદ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતના બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદ, દીવમાં

ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રવિવારે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. તથા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. સોમવારે એટલે આઠમના દિવસે વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. મંગળવારે સુરેન્દ્રનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા માટે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ માટે અતિ ભારે વરસાદની આગાહી આપી છે. તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બુધવારે પાટણ, અમદાવાદ, આણંદ માટે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુરૂવારે પોરબંદર અને દ્વારકા માટે અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી જશે અને ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. હાલ આ સિસ્ટમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પર સ્થિર થયેલી છે અને હવે આ સિસ્ટમ ત્યાંથી આગળ વધશે. આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે. સૌથી પહેલાં આ સિસ્ટમ મધ્ય ભારત પર પહોંચશે અને ત્યાં ભારે વરસાદ પડશે. જે બાદ તે ગુજરાત પર આવશે અને ત્યાં વરસાદ આપ્યા બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે.

વરસાદથી ખેતીના પાકને ફાયદો

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદનો વિરામ હતો અને એક બે દિવસથી ફરી એક વખત વરસાદી રાઉન્ડ શરુ થયો હોવાના કારણે હાલમાં જ્યાં જ્યાં ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો છે ત્યાં આ વરસાદથી ખેતીને ફાયદો થશે અને પિયત થઈ જશે. આથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.