રાજકોટના ઉદય શિવાનંદ અગ્નિકાંડમાં સચિવ  એ.કે.રાકેશે પોતાની તપાસ પુરી કરી નાંખી

૧૫ દિવસ બાદ પણ આગનું કારણ સ્પષ્ટ થયું નથી,પોલીસ પાસે હજુ ઋજકનો સંપૂર્ણ રિપોર્ટ પણ પહોંચ્યો નથી, તે પૂર્વે જ તપાસ પૂર્ણ

રાજકોટના મવડી વિસ્તરમાં આવેલી ગોકુળ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં ૬ લોકો જીવતા ભૂંજાય ગયા હતા.જેમાં પી.એમ રિપોર્ટ આવી ગયા છે.તો એફ.એસ.એલ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ડો. પ્રકાશ મોઢા સહિતના તબીબો સંચાલિત ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગની ઘટનામાં ૧૫  દિવસ વીત્યા બાદ પણ  હજુ આગનું કારણ જાણવા માટે એફએસએલનો રિપોર્ટ આવવાનો બાકી છે તેમજ સંચાલકો સામે હળવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. તેવામાં ખાસ તપાસ માટે મોકલેલા સચિવ એ. કે. રાકેશે પોતાની તપાસ પૂરી કરીને અહેવાલ આપી દીધાનું સામે આવ્યું છે. તપાસ પૂરી થતા સચિવ એ. કે. રાકેશને પ્રશ્ન કરાયો હતો કે આગ કેવી રીતે લાગી તેમજ શું ચૂક રહી હતી અને કોણ જવાબદાર છે. આ મામલે સચિવે કહ્યું હતું કે મારો રિપોર્ટ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા પર કેન્દ્રીત છે આ નિવેદન સાથે તેમણે જવાબદારો શોધવા પરથી પોતાનો રસ્તો કાઢી લીધો છે તેમજ હવે પછીની કાર્યવાહી સરકાર દ્વારા નિમાયેલા નિવૃત્ત જજની તપાસ કમિટી કરશે તેમ કહ્યું છે. તેમણે પોતાના રિપોર્ટમાં પોલીસે જે બેદરકારીની નોંધ લીધી છે તે મુજબ જ નોંધ કરી છે જ્યારે આગના કારણમાં એફએસએલમાંથી સ્પષ્ટ કારણ આવ્યું ન હોવાનું લખ્યું છે. આ રિપોર્ટ હવે સરકારમાં જમા કરાયો છે અને તેમની કામગીરી આ મામલે પૂરી કરી છે. એક તરફ પોલીસ જણાવે છે કે એફએસએલનો હજુ પ્રાથમિક રિપોર્ટ જ આવ્યો છે.

હજુ વિસ્તૃત રિપોર્ટ પેન્ડિંગ છે જેથી આગ લાગવા પાછળનું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી થશે અને તે મુજબ કાર્યવાહી થશે. આ દરમિયાન સચિવ એ. કે. રાકેશે પોતાની તપાસ પૂર્ણ જાહેર કરી દીધી છે અને અહેવાલ પણ આપી દીધો છે. તેમણે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા પર રિપોર્ટ કેન્દ્રીત હોવાનું કહે છે તો તેનો અર્થ એ થયો કે દરેક સ્થળોએ આ રિપોર્ટની ભલામણો ફરજિયાત અમલી બનાવવાની જવાબદારી તંત્રે ઉપાડવી પડશે. જો કે તે નિર્ણય પણ અધ્ધરતાલ જ રહેવાનો છે. જો કે ભવિષ્યમાં આગની ઘટના બને ત્યારે આ રિપોર્ટના આધાર લેવામાં આવશે કે પછી ફરીથી તપાસ કમિટીઓનું ડિંડક ચાલ્યા જ કરશે તે મોટો પ્રશ્ન છે.