Abtak Media Google News

અનરાધાર વરસાદના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં અનેક ગામો બેટમાં ફેરવાયા

સ્થિતિ ખુબ જ ચિંતાજનક

સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ ૪૫.૬૮ ટકા વરસાદ

હજી ભારે વરસાદની આગાહી

ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં મેઘતાંડવથી ભારે ખાનાખરાબા જેવી સ્થિતિ: અનેક રાજમાર્ગો બંધ: ગામો સંપર્કવિહોણા

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે હવે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સોમવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદના કારણે અમુક ગામોમાં મેઘમહેર થવા પામી હતી તો અમુક ગામોમાં મેઘતાંડવના કારણે કહેર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. ગીર-સોમનાથ, જુનાગઢ, ભાવનગર અને અમરેલી સહિતના દરિયાકાંઠે આવેલા સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે સ્થિતિ બેકાબુ બની જવા પામી છે. અનેક રાજમાર્ગો બંધ થઈ ગયા છે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક ગામો સંપર્કવિહોણા પણ બની ગયા છે. ગીર-સોમનાથ જિલ્લાના ગીર-ગઢડામાં ગઈકાલે અનરાધાર ૨૫ ઈંચ જેટલો વરસાદ પડવાના કારણે આકાશી સુનામી જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. અનેક ગામો હજી પાણીમાં ડુબી ગયા છે. રાજયમાં વરસાદના કારણે ૨૮ લોકોના મોત નિપજયા છે તો ૧૨૦થી વધુ પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર સાબદુ થઈ ગયું છે.

ભાવનગર જિલ્લામાં શ્રીકાર વર્ષા મહુવા અને તળાજામાં ૭ ઈંચ વરસાદ

ઘોઘા, ભાવનગર, સિંહોરમાં ૩ ઈંચ, ઉમરાળા, વલ્લભીપુર અને પાલિતાણામાં અઢી ઈંચ વરસાદ: લોકોમાં ભારે ખુશાલી

ભાવનગર જિલ્લામાં સોમવારે શ્રીકાર વર્ષા થવા પામી હતી. સર્વત્ર જિલ્લામાં મેઘરાજાએ મહેર ઉતારતા લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. જોકે અહીં જાન માલની હાની થયાના કોઈ અહેવાલો મળ્યા નથી. આજે સવારથી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ૧૬૮ મીમી, તળાજામાં ૧૭૫ મીમી, ભાવનગર શહેરમાં ૭૭ મીમી, ગારીયાધારમાં ૧૪ મીમી, ઘોઘામાં ૭૯ મીમી, જેસરમાં ૨૧ મીમી, પાલિતાણામાં ૫૮ મીમી, સિંહોરમાં ૮૪ મીમી, ઉમરાળામાં ૬૪ મીમી, વલ્લભીપુરમાં ૬૨ મીમી વરસાદ વરસ્યો છે. આજસુધીમાં ભાવનગર જિલ્લામાં મોસમનો કુલ ૫૧.૫૩ ટકા વરસાદ વરસી ગયો છે.

ગીર-સોમનાથ જિલ્લામાં આકાશી સુનામી: ગીરગઢડામાં ૨૪ ઈંચ ખાબકતા અનેક ગામો બેટમાં ફેરવાયા

ઉનામાં ૧૮ ઈંચ, કોડીનારમાં ૧૩ ઈંચ, સુત્રાપાડામાં ૯ ઈંચ, વેરાવળમાં ૬ ઈંચ અને તાલાલામાં ૪ ઈંચ વરસાદ: ગીર-સોમનાથ જિલ્લામાં મોસમનો ૧૦૭ ટકા વરસાદ

ગીર-સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તાંડવ કરતા આકાશી સુનામી આવી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં અનરાધાર ૨૫ ઈંચ જેટલો વરસાદ વરસી જતા અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યું છે. જિલ્લાના મોટાભાગના નદી-નાલા અને ડેમો છલકાઈ ગયા છે. સ્થિતિ ચિંતાજનક બની જતા રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ કામે લાગી ગઈ છે. હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સાબદુ થઈ ગયું છે. આજસુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં મોસમનો કુલ ૧૦૭.૪૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સોમવારે સવારથી ગીર-સોમનાથ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ વર્ષે જાણે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લાનું ગીરગઢડા ગામ જાણે ચેરાપુંજી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગીરગઢડામાં અનરાધાર ૨૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ચાલુ સાલ ગીરગઢડામાં ૪૪ ઈંચ વરસાદ વરસી જતા મોસમનો કુલ ૧૨૬.૮૧ ટકા વરસાદ વરસી ગયો છે. સતત વરસાદ ચાલુ હોવાના કારણે જિલ્લામાં હવે અતિવૃષ્ટિનો ભય સતાવી રહ્યો છે. ગીરગઢડા તાલુકાના અનેક ગામો હજી બેટમાં ફેરવાઈ ગયા છે.

રાજમાર્ગો ધોવાઈ ગયા હોવાના કારણે ગામો સંપર્કવિહોણા બની ગયા છે અને સ્થિતિ દયનીય બની છે. ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬ ઈંચ, કોડીનાર તાલુકામાં ૧૩ ઈંચ, સુત્રાપાડા તાલુકામાં ૧૦ ઈંચ, વેરાવળ તાલુકામાં ૬ ઈંચ અને તાલાલામાં ૪ ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાની સ્થિતિ ખુબ જ ચિંતાજનક બની ગઈ છે. ભારે ખુમારી થવા પામી છે. આકાશી આફતના કારણે સ્થિતિ કથળી રહી છે. ગીર-સોમનાથ જિલ્લામાં અત્યારસુધીમાં મોસમનો કુલ ૧૦૭ ટકા વરસાદ વરસી ગયો છે.

અમરેલી જિલ્લામાં અનરાધાર જાફરાબાદમાં ૧૨ ઈંચથી જળબંબોળ

રાજુલામાં ૭ ઈંચ, ખાંભા, વડીયામાં ૪ ઈંચ, લાઠીમાં અઢી ઈંચ, લીલીયામાં ૨ ઈંચ, ધારી, સાવરકુંડલા, બાબરા અને અમરેલીમાં દોઢ ઈંચ વરસાદ

અમરેલી જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. સોમવારે જાફરાબાદમાં અનરાધાર ૧૨ ઈંચ અને રાજુલામાં ૭ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં અનેક ગામોમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. નદી-નાલાઓમાં ઘોડાપુર આવ્યા છે.

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌથી વધુ વરસાદ જાફરાબાદ તાલુકામાં ૨૮૪ મીમી, રાજુલામાં ૧૭૫ મીમી, ખાંભામાં ૯૦ મીમી, વડીયામાં ૯૦ મીમી, અમરેલીમાં ૪૨ મીમી, બાબરામાં ૪૧ મીમી, બગસરામાં ૭૩ મીમી, ધારીમાં ૩૭ મીમી, લાઠીમાં ૫૭ મીમી, લીલીયામાં ૪૭ મીમી અને સાવરકુંડલામાં ૭૭ મીમી વરસાદ વરસ્યો છે. ચોમાસાની સીઝનમાં અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૦.૪૧ ટકા વરસાદ વરસી ગયો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ સર્જાયું છે. હવે મેઘરાજાને ખમૈયા કરવા માટે લોકો રિતસર વિનવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા પર મેઘરાજાની અમીદ્રષ્ટી: ચોટીલામાં ૭ ઈંચ વરસ્યો

ચુડા અને થાનગઢમાં અઢી ઈંચ: મુળીમાં બે ઈંચ વરસાદ: દસાડા, લખતર અને લીંબડીમાં માત્ર હળવા ઝાપટા: ધ્રાંગધ્રા કોરુ ધાકોડ

સોમવારે મેઘરાજાએ સુરેન્દ્રનગર જિલ્લા પર પણ અમીદ્રષ્ટિ કરી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોટીલા તાલુકામાં પડયો હોવાનું નોંધાયું છે. જયારે ચુડા, થાનગઢમાં અઢી ઈંચ, જયારે મુળીમાં બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. દસાડા, લખતર અને લીંબડી તાલુકામાં રોડ ભીના કરે તેવા સામાન્ય ઝાપટા પડયા હતા તો ધ્રાંગધ્રા સોમવરે કોરુ ધાકોડ રહ્યું હતું.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ૧૪૩ મીમી, ચુડામાં ૬૫ મીમી, મુળીમાં ૫૪ મીમી, સાયલામાં ૧૩ મીમી, થાનગઢમાં ૬૪ મીમી, વઢવાણમાં ૧૫ મીમી વરસાદ પડયો હતો. જયારે દસાડા, લખતર અને લીંબડીમાં માત્ર હળવા ઝાપટા પડયા હોવાનું નોંધાયું છે. ચોમાસાની સીઝનમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ૧૪.૨૯ ટકા વરસાદ વરસ્યો છે.

બોટાદમાં બલ્લે-બલ્લે: ૪ ઈંચ વરસાદ

રાણપુર, ગઢડામાં ૩ ઈંચ અને બરવાળામાં ૧ ઈંચ વરસાદ: જગતાત વાવણીકાર્યમાં પોરવાયો

બોટાદ જિલ્લામાં પણ મેઘરાજા સોમવારે મન મુકીને વરસ્યા હતા. બોટાદ શહેરમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસી જતા લોકોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર બાદ આજે સવારથી જગતાત હોંશભેર વાવણીકાર્યમાં પોરવાઈ ગયો છે. જિલ્લામાં અમુક સ્થળોએ સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના બોટાદ શહેરમાં ૧૦૨ મીમી, બરવાળા તાલુકામાં ૨૩ મીમી, ગઢડા તાલુકામાં ૬૭ મીમી, રાણપુરમાં ૬૭ મીમી વરસાદ વરસ્યો છે. ચોમાસાની સીઝનમાં કુલ ૪૫.૬૭ ટકા વરસાદ વરસી ગયો છે.

સોરઠમાં સાર્વત્રિક: અડધાથી અઢી ઈંચ વરસાદ

વિસાવદરમાં અઢી ઈંચ, માંગરોળ, કેશોદમાં બે ઈંચ, માણાવદર, મેંદરડા અને ભેંસાણમાં દોઢ ઈંચ વરસાદ

જુનાગઢ જિલ્લામાં શનિવાર અને રવિવારે મેઘરાજાએ અનરાધાર કૃપા વરસાવી હતી. સોમવારે પણ સોરઠમાં સાર્વત્રિક વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જુનાગઢ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અડધાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ પડયો છે. જિલ્લાના ભેંસાણમાં ૩૬ મીમી, જુનાગઢ શહેર તથા ગ્રામ્યમાં ૨૮ મીમી, કેશોદ તાલુકામાં ૫૨ મીમી, માળીયા હાટીનામાં ૩૪ મીમી, માણાવદરમાં ૩૮ મીમી, માંગરોળમાં ૪૮ મીમી, મેંદરડામાં ૩૬ મીમી, વંથલીમાં ૧૦ મીમી અને વિસાવદરમાં ૬૩ મીમી વરસાદ પડયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં જુનાગઢ જિલ્લામાં ૫૮.૫૩ ટકા સુધી વરસાદ વરસી ગયો છે.

રાજયના ૩૨ જિલ્લાના ૨૦૬ તાલુકાઓમાં વરસાદ: દક્ષિણ ગુજરાતમાં દે ધના..ધન…

દ.ગુજરાતમાં અર્ધાથી નવ ઇંચ વરસાદ: કચ્છ હજી કોરૂ

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૩ પૈકી ૩૨ જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ૩૨ જિલ્લાઓના ૨૦૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં અડધાથી લઈ ૯ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં મોસમનો કુલ ૪૦.૭૩ ટકા વરસાદ વરસી ગયો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન કચ્છને બાદ કરતા રાજયમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ૧ ઈંચથી લઈ સાડા ચાર ઈંચ સુધી, નર્મદા જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ અડધા ઈંચ સુધી, તાપી જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ ૬ ઈંચ સુધી, સુરત જિલ્લામાં અડધાથી લઈ સાડા ત્રણ ઈંચ સુધી, નવસારી જિલ્લામાં બે ઈંચથી લઈ ૮ ઈંચ સુધી, વલસાડ જિલ્લામાં અડધાથી લઈ ૯ ઈંચ સુધી, ડાંગ જિલ્લામાં દોઢ ઈંચથી લઈ ૮ ઈંચ સુધી વરસાદ પડયો છે.

નોર્થ ગુજરાતના પાટણ, બનાસકાંઠામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જયારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર, દાહોદ જિલ્લામાં પણ સોમવારે હળવા ઝાપટાથી લઈ ૪ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે.

જામનગર જિલ્લામાં મેઘાની જમાવટ: કાલાવડમાં ૫ ઈંચ

ધ્રોલ, જામજોધપુર, જામનગર અને લાલપુરમાં ૨ ઈંચ વરસાદ: પ્રથમ નોંધપાત્ર વરસાદથી હાલારવાસીઓના જીવમાં જીવ આવ્યો

સોમવારે જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પ્રથમ નોંધપાત્ર વરસાદથી હાલારવાસીઓના જીવમાં જીવ આવ્યો હતો. કાલાવડમાં અનરાધાર ૫ ઈંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના ધ્રોલમાં ૫૬ મીમી, જામજોધપુમાં ૪૬ મીમી, જામનગરમાં ૪૬ મીમી, જોડિયામાં ૧૨ મીમી, કાલાવડમાં ૧૨૦ મીમી અને લાલપુરમાં ૪૯ મીમી વરસાદ વરસ્યો છે.

અત્યાર સુધી જામનગર જિલ્લા પર હેત વરસાવવામાં મેઘરાજા કરકસર દાખવતા હતા પરંતુ સોમવારે નોંધપાત્ર વરસાદ પડતા લોકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.

મોરબીમાં પાંચ ઈંચ, વાંકાનેરમાં સાડા ચાર ઈંચ વરસાદ

મોરબી જિલ્લામાં મેઘમહેરથી લોકો રાજી હળવદવાસીઓને હજી મેઘાનો ઈંતજાર

મોરબી જિલ્લામાં પણ સોમવારે મેઘરાજાએ મહેર ઉતારી હતી. જિલ્લાના હળવદ તાલુકાને બાદ કરતા અન્ય ૪ તાલુકાઓમાં અઢી ઈંચથી લઈ ૫ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબી જિલ્લાના માળીયામિંયાણામાં ૫૯ મીમી, મોરબીમાં ૧૨૮ મીમી, ટંકારામાં ૬૩ મીમી અને વાંકાનેરમાં ૧૧૦ મીમી વરસાદ વરસી ગયો છે. હળવદમાં દિવસભર મેઘાવી માહોલ જોવા મળ્યો હતો પરંતુ વરસાદનો એક છાંટો ન પડતા લોકો ભારે નિરાશ થઈ ગયા હતા. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં મોરબીમાં ૨૨.૮૩ ટકા વરસી ગયો છે.

પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અઢી ઈંચ સુધી વરસાદ

સૌરાષ્ટ્રમાં સોમવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો: પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ હળવા ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ૩૭ મીમી, કલ્યાણપુરમાં ૧૪ મીમી, ખંભાળીયામાં ૪૧ મીમી વરસાદ વરસ્યો હતો તો દ્વારકામાં દિવસભર મેઘાવી માહોલ રહ્યો હતો પરંતુ મેઘરાજાએ હેત વરસાવ્યું ન હતું. પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૫૬ મીમી, પોરબંદરમાં ૧૯ મીમી અને રાણાવાવમાં ૨૮ મીમી વરસાદ વરસ્યો હતો.

રાજકોટ જિલ્લામાં શ્રીકાર વર્ષા: જળાશયોમાં નવા નીરની આવક

રાજકોટમાં સાડા સાત ઇંચ, લોધિકામાં ૪ ઈંચ, પડધરી, વિંછીયા અને ગોંડલમાં સાડા ત્રણ ઈંચ, કોટડાસાંગાણીમાં ૩ અને જામકંડોરણામાં અઢી ઈંચ વરસાદ

સોમવારે રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજાએ ભરપુર હેત વરસાવ્યું હતું. જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં અડધા ઈંચથી લઈ સાડા સાત ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. અનેક ગામોમાં જળસંકટ તણાઈ ગયું છે. મેઘમહેર બાદ રાજકોટવાસીઓમાં હરખના ઘોડાપુર આવી ગયા છે. આજે સવારથી રાજકોટ શહેર સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં ધીમીધારે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ધોરાજી તાલુકામાં ૩૭ મીમી, ગોંડલમાં ૮૦ મીમી, જામકંડોરણામાં ૬૦ મીમી, જસદણમાં ૪૦ મીમી, જેતપુરમાં ૩૮ મીમી, કોટડાસાંગાણીમાં ૭૦ મીમી, લોધીકામાં ૯૬ મીમી, પડધરીમાં ૯૧ મીમી, રાજકોટ શહેરમાં ૧૮૭ મીમી, ઉપલેટામાં ૬૩ મીમી, વિંછીયામાં ૮૩ મીમી વરસાદ વરસ્યો છે. જિલ્લામાં એવરેજ તમામ તાલુકાઓમાં ૭૨ મીમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં અત્યારસુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ ૩૨.૮૮ ટકા વરસાદ વરસી ગયો છે.

રાજકોટ શહેર સહિત જિલ્લામાં આખીરાત મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ આજે સવારથી જિલ્લામાં અનેક સ્થળો કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.