Abtak Media Google News

કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં ચાલતા બોક્સાઈટ ખનિજના ખનન માફિયાઓ પર દ્વારકા એલસીબીએ ધોસ બોલાવી મેવાસા ગામની કોઠારીયા સીમમાં કંપની વિસ્તારમાં 3000મેટ્રિક ટન બોક્સાઈટના જથ્થા સાથે બે ટ્રક અને જેસીબી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ એલસીબીએ કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મળેલી બાતમીના આધારે રાત્રીના કલ્યાણપુર મેવાસા ગામે ઓરિએન્ટ એબ્રેસીવ કંપની કોઠારીયા માઇન્સ 330 નંબરની લિઝમાંથી બોક્સાઈટ જથ્થો મળી આવ્યો હતો. જેમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર બોક્સાઈટનો જથ્થો ચોરી કરી દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામના સ્ટોક યાર્ડમાં કોઈપણ રોયલ્ટી પાસ પરમીટ વગર લઇ જવાતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે તુરંત મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથધરી મેવાસા ગામની કોઠારીયા સીમમાં જીજે-37-ટી-9324 નંબરના ટ્રકને રોકી તેની તલાશી લેતા તેમાં ગેરકાયદેસર બોક્સાઈટનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક દ્રાઇવર કાનજી પરબત ખાણઘર નામના શખ્સને ઝડપી સ્થળ પરથી વધુ એક ટ્રક અને જેસીબી મળી આવ્યા હતા. જેથી પોલીસે વધુ એક ટ્રક દ્રાઇવર હાર્દિક ભીમસી ગાધેરની અટકાયત કરી હતી.

પોલીસે ટ્રક દ્રાઇવરની પૂછતાછ કરતા તેઓ ગેરકાયદેસર બોક્સાઈટનો જથ્થો ભરી રાણ ગામની સીમમાં આવેલા દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ સ્ટોકયાર્ડમાં લઈ જતો હોવાની હકીકત જાણવા મળતા પોલીસે જે તે સ્થળે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે રૂ.35 લાખની કિંમતનો 3000 મેટ્રિક ટન જથ્થો સિઝ કર્યો હતો. બીજી તરફ કુલ રૂ.29.90 લાખની કિંમતના વાહનો કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.