- રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી
- સેગ્રીગેશન, સૂકો કચરો-ભીના કચરાની ઉત્તમ વ્યવસ્થા અને સ્વચ્છતા અન્ય ગામ માટે પ્રેરણાસ્ત્રોત બની
- ગામમાં શહેરોની જેમ કચરાના નિકાલની સુવિધા ઉપલબ્ધ : સરપંચ
પંચાયતી રાજ વ્યવસ્થા એ સત્તાના વિકેન્દ્રીકરણનું ઉત્તમ ઉદાહરણ છે. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં વિકાસલક્ષી વિવિધ કાર્યો પ્રગતિ તળે છે. ત્યારે, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે કોડીનાર તાલુકાના વડનગરની પસંદગી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના અન્વયે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજના અંતર્ગત ગામડાની સ્વચ્છતા અને અદ્યતન સુવિધાઓ તથા વિવિધ જરૂરી સેવાઓની સુલભતાને ધ્યાને લેતા શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે કોડીનાર તાલુકાના વડનગરની પસંદગી કરવામાં આવી છે.
વડનગરના મહિલા સરપંચ પુષ્પા રાઠોડે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા જાળવવા ઉપર ભાર મૂકી ગ્રામજનોને સઘન સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી છે. તેમજ ગામમાં તમામ જગ્યાએથી ઘનકચરો, સૂકો કચરો અને ભીનો કચરો અલગ-અલગ રીતે એકઠો કરવામાં આવે છે અને શહેરોની જેમ જ કચરાના નિકાલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગામમાં 100% પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડનગરમાં ગટરની સુનિયોજીત વ્યવસ્થા છે અને ત્રણ સેગ્રીગેશન છે. જેમાંથી ફિલ્ટ્રેશન કરી અને નીકળતા પાણીનો ઉપયોગ ખેતરમાં કરવામાં આવે છે. આ રીતે શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનું બહુમાન મેળવી કોડીનાર તાલુકાની વડનગર ગ્રામ પંચાયત અન્ય ગામડાઓ માટે પ્રેરણારૂપ બની છે
અહેવાલ : અતુલ કોટેચા