અબતક દ્વારા યોજાઇ વરતારાના વિદ્વાનો સાથે ગોષ્ઠિ

સૌરાષ્ટ્રના 14 નિષ્ણાંત દેશી આગાહીકારોને એક મંચ પર એકત્ર કરી તેમની પ્રાચીન વિદ્યાનો લોકોને લાભ મળે એ માટે કર્યો પ્રયાસ

ચોમાસા પહેલા લગભગ સાતેક મહિના અગાઉ દેશી આગાહીકારો વરસાદનો વરતારો જોવા લાગ્યા હોય છે. કારતક મહિનાની પૂનમથી માંડીને અખાત્રીજનો પવન અને છેક અષાઢી પૂનમ સુધીના વિવિધ પરિબળો, આકાશી કસ, વનસ્પતિના ફળફૂલ, પક્ષી, પ્રાણી અને જીવજંતુની ચેષ્ટાઓ, ભડલી વાક્યો, ખગોળશાસ્ત્ર વગેરેના આધારે તેઓ આગામી ચોમાસુ કેવું રહેશે? સમયસર વાવણી થશે કે નહિ? પાકને જરૂરી વરસાદ પડતો રહેશે કે કેમ? પાણી અને ઘાસચારાની સ્થિતિ કેવી રહેશે? વાવાઝોડું આવશે કે કેમ? વગેરે બાબતો દેશી આગાહીકારો અગાઉથી તારણરૂપે આપતા હોય છે.

સૌરાષ્ટ્રના 14 દેશી આગાહીકારોને ‘અબતકે’ એક મંચ પર લાવી તેમની સાથે ગોષ્ઠિ કરી આગામી ચોમાસા બાબતે તેમના તારણો મેળવ્યા હતા. વરતારાના વિદ્વાનોએ આપેલા તારણોનું સંકલન અત્રે પ્રસ્તુત કર્યું છે. ‘અબતકે’ પોતાના પ્લેટફોર્મ પરથી આ ગોષ્ઠિ યોજી જેમાં ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા, વરિષ્ઠ પત્રકારો મયુર જાની અને નીલેશ પંડ્યા ઉ5સ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સરસ સંચાલન જાસ્મીન અબડાએ કર્યું હતું.

વરતારો એ આપણી પ્રાચીન વિદ્યા છે, તેમાં હજુ રિસર્ચ જરૂરી: સતીષકુમાર મહેતા

આપણા વડવાઓએ વરતારાની વિદ્યા શીખીને તેને સમાજમાં પ્રસ્તુત અને પ્રસારીત કરી જે આજની તારીખ સુધી યથાવત છે. આપણી આ સંસ્કૃતિને આપ સૌએ જીવંત રાખી છે, તમે પણ નવી પેઢીને આ વિદ્યા શીખવતા રહેજો એવું વરતારાના વિદ્વાનોને ‘અબતક’ના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતાએ જણાવ્યું હતું.

તેમણે પ્રાસંગીક ઉદ્બોધનમાં કહ્યું કે આપણી આ પ્રાચીન વિદ્યા યુગો પુરાણી છે. વચ્ચેના સમયગાળામાં તે વિસરાઇ ગઇ હતી પરંતુ ફરી પાછી તે જીવંત થઇ છે. એક સમય એવો હતો કે વિદેશીઓ જે કહે તે સાચું પણ હવે ભારતના વિદ્વાનો દ્વારા અપાતા તારણોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. જેમ આપણા આયુર્વેદની આજે કિંમત થઇ તેમ વરસાદના દેશી વરતારાની પણ કિંમત થઇ રહી છે એટલા માટે ‘અબતકે’ આજે આ પ્લેટફોર્મ પર આગાહીકારોને આમંત્રિત કર્યા છે.

તેમણે વધુમાં એક પણ કહ્યું કે સૌથી શ્રેષ્ઠ વેપાર ખેતી છે કેમ કે તેમાં એક દાણો નાખો અને હજાર દાણા પાછા મળે છે પણ આપણી ખેતી હમેંશા વરસાદ આધારિત રહી છે અને તમે લોકો જે વરતારો આપો છો તેના પર ખેડૂતોનો મોટો મદાર હોય છે એટલે આગામી સમયમાં તમે પણ થોડું રિસર્ચ વર્ક વધારી ખેડૂતોને સત્યની નજીકનો વરતારો આપો તો દેશ અને દુનિયાએ આ જ્ઞાનને સન્માન આપવું જ પડશે. આજે ભારતે ઘઉંની નિકાસ પ્રતિબંધિત કરી તો આખુ વિશ્ર્વ હચમચી ગયું, કેમ કે આપણે 27 મિલીયન ટન ઘઉંનું ઉત્પાદન કરીએ છીએ જે વિશ્ર્વના ઉત્પાદનનો 33% હિસ્સો છે માટે સાચા વરતારાને કારણે આપણી ખેતીને ખૂબ લાભ થઇ શકે એમ છે.

જુ ન-જુલાઇમાં વરસાદ પડશે, ઓગસ્ટથી તકલીફ: ભગવાનભાઇ સુરાણી

ગઢડા (સ્વામી)ના વતની અને કુમારપ્પા બી.આર.એસ. કોલેજના પ્રોફેસર ભગવાનભાઇ સુરાણી છેલ્લા દોઢેક દાયકાથી વરતારો આપે છે. તેમણે આગામી ચોમાસા અંગે જણાવ્યું કે 6 થી 10 જૂન અને 13 થી 18 જૂન વચ્ચે વાવણી થવાની સંભાવના છે. પ્રારંભે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. ઓગષ્ટમાં વરસાદ ખૂબ ઓછો છે અને ખૂબ ખેંચાવશે એવા તારણો તેમણે રજૂ કર્યા હતા.

ભગવાનભાઇના કહેવા મુજબ આ વખતે દુષ્કાળની શક્યતા નથી, ભલે વરસાદ ઓછો પડશે પણ જૂન અને જુલાઇ દરમિયાન જરૂર મુજબ પડતો રહેશે. પાછલા વરસાદની શક્યતા ઓછી છે. તેમણે એમ કહ્યું કે કારતક સુદ પૂનમથી આકાશીગર્ભ જોવાનું અમે શરૂ કરીએ છીએ એ પછી 195 દિવસે વરસાદ આવતો હોય છે એનો અર્થ એ કે દેશી આગાહીકારો સાડા છ મહિના પહેલા વરસાદના તારણો જોવા માંડે છે. તેઓ ભડલી વાક્ય, જીવજંતુની ચેષ્ટા, આકાશીગર્ભ સહિતના પરિબળો પરથી વરસાદના તારણો આપે છે.

શરૂ થયા પછી વરસાદ રાહ જોવડાવશે: સંજયભાઇ વ્યાસ

અમરેલી જિલ્લાના લુણીધાર ગામના વતની સંજયભાઇ વ્યાસે પોતાના તારણો આપતા કહ્યું કે 9, 10 જૂન દરમિયાન છૂટોછવાયો વરસાદ પડશે. 23 થી 30 જૂન દરમિયાન પણ વેરવિખેર વરસાદ થશે. તેમના મતે વાવણી જુલાઇ માસમાં થવાની શક્યતા છે. શ્રાવણી સાતમથી વાયરૂં કાઢે એવી સંભાવના તેઓ જોઇ રહ્યા છે. ભાદરવો મહિનો અને નવરાત્રિ દરમિયાન વરસાદની તેમણે સંભાવના દર્શાવી હતી.

વરસાદ સમયસર પણ ઓછો, બે વખત વરસાદ ખેંચાશે: હસમુખભાઇ નિમાવત

ભેંસાણના અભ્યાસુ હસમુખભાઇ નિમાવતે જણાવ્યું કે તેમની પાસે છેલ્લાં 150 વર્ષના વરસાદના આંકડા ઉપલબ્ધ છે. ભારતની જેમ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ દેશી પધ્ધતિથી વરતારો કાઢવામાં આવે છે અને લોકો તેમાં શ્રદ્વા રાખે છે. તેમણે જણાવ્યા પ્રમાણે આ વખતે સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ્ટ રહેશે. દરિયાકાંઠાના જિલ્લાઓને બાદ કરતા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ઓછો પડશે.

તેમણે વધુમાં કહ્યું કે દેશમાં વરસાદની ઘટ્ટ 10%, ગુજરાતમાં 25% રહેશે. જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા જિલ્લામાં વરસાદ 100% પડશે પણ સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી જેવા જિલ્લા નબળા રહેશે. જ્યાં 20 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસુ મેં મહિનાના છેલ્લાં સપ્તાહમાં ટકોરા દેવા માંડશે. સમયસર શરૂ થઇ જશે પણ વચ્ચે-વચ્ચે સ્થગિત થતું રહેશે. 3 થી 16 જુલાઇ દરમિયાન સાર્વત્રિક વરસાદની સંભાવના તેમણે બતાવી અને ઓગષ્ટ મહિનો વરસાદ વગરનો રહે એવી શક્યતા પણ દર્શાવી, તેમણે ચોમાસા દરમિયાન બે વખત વરસાદ ખેંચાય તેવા સંકેત આપ્યા.

ચોમાસુ ખંડવૃષ્ટિવાળું રહેશે: મોહનભાઇ દલસાણિયા

મૂળ મોરૂકાગીરના વતની હાલ જૂનાગઢ વસતા મોહનભાઇ દલસાણીયાએ જણાવ્યું કે આ વખતે આંબો, લીમડો, આકાશીગર્ભ, જીવજંતુની હિલચાલ પરથી સમજાય છે કે ચોમાસુ ખંડવૃષ્ટિવાળુ રહેશે. દરિયાકાંઠે વરસાદ થશે પણ અન્ય જિલ્લાઓમાં વરસાદની ખેંચ વર્તાશે.

તેમણે ઉમેર્યું કે જૂનની 8, 9, 10, 20, 21, 22, 23 દરમિયાન વાવણી થવાની સંભાવના છે તો વચ્ચેના ગાળામાં વરસાદ રોકાશે. 25મી મેંથી વરસાદી વાતાવરણ જામવા લાગશે. આ વખતનું ચોમાસુ પ્રમાણમાં સાધારણ રહેવાથી વર્ષ બાર આની થવાની શક્યતા છે.

વરસાદ સમયસર પણ ઓછો, પાણીની ખેંચ પડશે:  મગનભાઇ ચાંગેલા

ગોંડલ તાલુકાના ગોમટા ગામના વતની 80 વર્ષીય મગનભાઇ ચાંગેલા છેલ્લાં 60 વર્ષથી શિયાળા અને ઉનાળાના લઘુત્તમ અને મહત્તમ તાપમાનના આધારે વરસાદની આગાહી કરે છે. તેમના મતે આ વર્ષનું ચોમાસુ નબળું રહેશે. પાણીની ખેંચ વર્તાશે.

મગનભાઇના તારણ પ્રમાણે 10 જૂનથી વરસાદનો પ્રારંભ થઇ શકે છે. 22 થી 26 જૂન દરમિયાન વરસાદ પડશે પણ અપેક્ષા પ્રમાણેનું ચોમાસુ નથી, ખાસ કરીને પાણીની વ્યવસ્થા કરવી પડે એવી શક્યતા છે.

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ ખૂબ ઓછો: રજનીકાંત લાલાણી

ઉપલેટાના રજનીકાંત લાલાણીએ કહ્યું કે વરસાદના દિવસો માત્ર 33 છે, વર્ષ દશ આની થવાની સંભાવના છે. તા.16, 17 જૂન દરમિયાન પહેલી વાવણી તો 22 થી 29 જુલાઇ દરમિયાન બીજી વાવણી થવાની શક્યતા છે. વરસાદના 24 પરિબળો ચકાસ્યા પછી એવું લાગ્યુ છે કે જુલાઇમાં ભારે વરસાદ પડી શકે છે. ઓગષ્ટ દરમિયાન વરસાદ ખૂબ ઓછો અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સંભાવના નથી જ્યારે ઓક્ટોબરમાં 10, 11, 12 દરમિયાન વરસાદ પડશે તો 14 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેશે.

ચોમાસુ બહુ સારૂ નહિ રહે: બાબુભાઇ પાઘડાર

વિસાવદર તાલુકાના દાદરગીર ગામથી આવેલા ખેડૂત બાબુભાઇ પાઘડારે જણાવ્યું કે આગામી ચોમાસુ નબળું રહે એવા સંકેત મળે છે. તેમણે અખાત્રીજના પવન પરથી ઘણા તારણો કાઢ્યા છે.

બાબુભાઇના જણાવ્યા પ્રમાણે 22 જૂન પછી વાવણી થવાની સંભાવના છે પણ ઓગષ્ટ મહિનો વરસાદ વગરનો રહેશે એટલે ઉત્પાદન 50% જેટલું થાય એવી સંભાવના રહે છે. તેમણે જણાવ્યા પ્રમાણે જૂનના અંતથી જુલાઇ દરમિયાન જે વરસાદ પડે એનાથી ચલાવી લેવું પડે એવી શક્યતા છે.

આ વખતે વરસાદ ઓછો: માંડ 15-20 ઇંચ પડે એવી શક્યતા: બાબુભા સુમાણિયા

 

દ્વારકા તાલુકાના અણીયારી ગામના બાબુભા સુમાણીયાએ પોતાના તારણો રજૂ કરતા જણાવ્યું કે 28મી જૂન, 3 જુલાઇ, 11, 12, અને 28મી જુલાઇ તથા સપ્ટેમ્બરના છુટાછવાયા દિવસોમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમના મતે આ વખતે સીઝનમાં દરિયા કાંઠાના જિલ્લાઓને બાદ કરતા 15-20 ઇંચ વરસાદ પડશે.

તેમણે કહ્યું કે શ્રાવણ મહિના દરમિયાન વરસાદ પડવાની શક્યતા જણાતી નથી. જેને કારણે પાકને મોટાપાયે નુકશાન થઇ શકે છે. અમુક વિસ્તારોમાં દુષ્કાળનો માહોલ સર્જાય તો પણ નવાઇ નહિ. બાબુભા સુમાણીયા તેમના કાકા જાણીતા આગાહીકાર સાજણભા સુમાણીયા પાસેથી આ વિદ્યા શીખ્યા છે.

વરસાદી ખેંચવાળું મધ્યમ ચોમાસુ હશે: વલ્લભભાઇ કાલરિયા

મૂળ મોવીયાના વતની હાલ રાજકોટ રહેતા વલ્લભભાઇ કાલરીયા છેલ્લા 22 વર્ષથી વરસાદનો વરતારો આપે છે. તેમણે જણાવ્યા પ્રમાણે આ વખતે માફકસર વરસાદ છે. વલ્લભભાઇએ કહ્યું કે મેં મહિનાના અંતથી છૂટોછવાયો વરસાદ શરૂ થશે એ પછી 1 થી 4 જૂન અને 12 થી 15 જૂન વચ્ચે પ્રથમ વાવણી તો 21, 29, 30 જૂન દરમિયાન બીજી વાવણી થઇ શકે છે. 1 થી 11 અને 14 જુલાઇ દરમિયાન સારો વરસાદ પડી શકે છે છતાં જુલાઇમાં 24 દિવસનું વાયરૂં એટલે કે વરસાદની ખેંચ અનુભવાશે. વર્ષ બાર કે તેરઆની જેવું થશે અને વરસાદના કુલ દિવસો 46 હશે. તેઓ આગામી ચોમાસાને મધ્યમ પ્રકારનું ગણાવે છે.

ભારતની પ્રાચીન 64 વિદ્યામાંથી એક એટલે હવામાનનો વરતારો: નીલેશ પંડ્યા

ભારતની 64 પ્રાચીન વિદ્યાઓ વિશ્ર્વભરમાં જાણીતી છે. આ 64 વિદ્યાઓમાં એક વિદ્યા એટલે વરસાદનો વરતારો એવું વરિષ્ઠ પત્રકાર નીલેશ પંડ્યાએ જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે હવામાન ખાતાની બધી જ આગાહીઓ સાચી પડતી નથી તો દેશી આગાહીકારોની તમામ આગાહી સાચી જ હોય એવું કેમ શક્ય બને?

અમુક લોકો એવું માને છે કે દેશી રીતે આગાહી કરવી એ અંધશ્રદ્વા છે પણ વિજ્ઞાનમાં અતિશય શ્રદ્વા રાખવી એ પણ એકજાતની અંધશ્રદ્વા ગણાય. દરેક વખતે વિજ્ઞાન કહે એવું સાચું જ હોય એવું માનવાને કારણ નથી. જેમ કે પેરાસીટામોલ ક્ધટેન્ટની દવા ખાવાથી તાવ ઉતરી જાય પણ દરેક વખતે એવું થતું નથી એનો અર્થ એ નથી થતો કે પેરાસીટામોલ ક્ધટેન્ટ ખોટો છે પણ વ્યક્તિની તાસીર ઘણીવાર ભાગ ભજવતી હોય છે એમ હવામાનના તારણો પણ ઘણીબધી બાબતો પર આધારિત હોય છે.

ઓગસ્ટમાં વરસાદ પડવાની સંભાવના નથી, વર્ષ નવ આની થશે: ધીરજભાઇ પાનસુરિયા

કાલાવડ તાલુકાના સણોસરા ગામે રહેતા ખેડૂત ધીરજભાઇ પાનસુરીયાએ કહ્યું કે 8 થી 14 જૂન વચ્ચે વાવણી થઇ શકે છે. તેમના મતે 6 થી 17 જુલાઇ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અતિવૃષ્ટિનો યોગ છે. છતાં નવ આની વર્ષ થાય એવી સંભાવના છે કેમ કે ઓગષ્ટ મહિનામાં વરસાદ પડશે નહિં. તેમના કહેવા પ્રમાણે ચોમાસાના કુલ દિવસ માત્ર 48 હશે અને 10 ઓક્ટોબર આસપાસ ચોમાસુ વિદાય લેશે પણ દિવાળીના દિવસોમાં સૌરાષ્ટ્રમાં માવઠું થવાની સંભાવના છે.

વરતારો એ આપણું શાસ્ત્ર છે જે બધાને પ્રાપ્ત નથી: મયુર જાની

હવામાનની આગાહી એ એક શાસ્ત્ર છે. જે બધા લોકોને પ્રાપ્ત હોતું નથી એવું વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે વરતારાની વિદ્યાની આજે ઘણી જરૂર છે. વિજ્ઞાનથી બધુ જ શક્ય નથી બનતું. ટૂંકાગાળાની આગાહી કદાચ વિજ્ઞાન સારી રીતે આપી શકતું હશે પણ લાંબાગાળાની આગાહી માટે પરંપરાગત વિદ્યા છે જે વર્ષોથી આપણે શીખતા આવ્યા છીએ. નવી પેઢી પણ આ વિદ્યાને અપનાવે અને વધુ સાચા તારણો આપવા પ્રયાસ કરે એ સમયની માંગ છે.

1 જુનથી ચોમાસાનો પ્રારંભ થઇ જશે: દેવજીભાઇ જમોડ

જેતલસરના વતની દેવજીભાઇ જમોડે પોતાની આગાહીમાં જણાવ્યું કે 1 થી 6 જૂન દરમિયાન અમુક સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યારથી ચોમાસાનો પ્રારંભ થશે તો 15 થી 20 જૂન દરમિયાન તોફાની પવન સાથે સામાન્ય વરસાદ પડશે. 20 જૂનથી 5 જુલાઇ વરસાદ ખેંચાશે. 10 થી 15 ઓગષ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. 30 ઓગષ્ટથી 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રાહ જોવડાવશે. 23 ઓક્ટોબરે ચોમાસુ વિદાય લે એવી શક્યતા છે.

વરસાદ ખૂબ સારો, ડેમો છલકાઇ જશે: રમણિકભાઇ વામજા

વંથલીના રમણીકભાઇ વામજાએ અન્ય કરતા પોતાનું અલગ તારણ આપતા જણાવ્યું કે આ વખતે વરસાદ સારો છે. દરેક નક્ષત્રમાં વરસાદ પડશે. મીની વાવાઝોડા જેવી સ્થિતિ પણ જોવાઇ રહી છે. તેમણે કહ્યું કે 29 જૂનથી સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. સીઝનનો કુલ વરસાદ 48 થી 55 ઇંચ જેટલો વરસાદ પડશે. સૌરાષ્ટ્રના તમામ ડેમો છલકાઇ જશે.

વરસાદનો એકાદ સારો રાઉન્ડ આવશે બાકી ખેંચાશે: દર્શનાબેન કુબાવત

વેરાવળના દર્શનાબેન કુબાવતે પોતાના તારણો આપતા જણાવ્યું કે આ ચોમાસુ ખંડવૃષ્ટિવાળું રહેશે. સારા વરસાદનો એકાદ રાઉન્ડ આવશે, બાકી વરસાદ ખેંચાય એવી પૂરી સંભાવના છે. પાક માટે ચોમાસુ ઉત્તમ નહિ હોય રોગચાળો પણ વધે એવી સંભાવના જોવાઇ રહી છે.

વરસાદ ઓછો પણ પાકને વાંધો નહીં આવે: ઋષિકેશ પુરોહિત

વંથલીથી આવેલા ઋષિકેશ પુરોહિતે પોતાના ખગોળશાસ્ત્રના જ્ઞાનના આધારે આગામી ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું કે 19 થી 25 જૂન વચ્ચે પ્રથમ વાવણી અને 5 થી 10 જુલાઇ વચ્ચે બીજી વાવણી થવાની સંભાવના છે. તેમણે એમ પણ કહ્યું કે વરસાદ ઓછો છે છતાં પાક સારો થશે કેમ કે પાકને જરૂર હશે ત્યારે વરસાદ થતો રહેશે. વર્ષ બાર આની થવાની તેમણે સંભાવના દર્શાવી હતી.