- 13 વરિષ્ઠ વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખી ફરિયાદ નોંધવા માંગ કરી
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ શેખર કુમાર યાદવ દ્વારા મુસ્લિમોને નિશાન બનાવનાર તેમના એક નિવદેનને લઈને નોટિસ ફટકારી હતી. તે નોટિસના લગભગ એક મહિના બાદ અલ્હાબાદ હાઈકોર્ટના જજ શેખર કુમાર યાદવે ચીફ જસ્ટિસ સંજીવન ખન્નાને પત્ર લખીને પોતાના નિવેદન પર અડગ રહેવાની વાત કહી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ’મારા નિવેદનથી ન્યાયિક આચાર સંહિતાનું કોઈ ઉલ્લંઘન થયું નથી.’ ત્યારે હવે આ મામલે 13 વરિષ્ઠ વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખી જસ્ટિસ યાદવ વિરુદ્ધ ગુનો દાખલ કરવા સીબીઆઈને આદેશ આપવા માંગણી કરી છે. જસ્ટિસ યાદવે પોતાના નિવેદન અંગે જણાવ્યું હતું કે, ’મારું ભાષણ અમુક સ્વાર્થી તત્ત્વો દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે અને ન્યાયપાલિકાના તે સભ્ય જે જાહેરમાં પોતાની વાત મૂકી શકતાં નથી. તેમને સુરક્ષા આપવી જોઈએ. મે પોતાના નિવેદન પર અફસોસ પ્રગટ કર્યો નથી. મારું ભાષણ બંધારણમાં સહજ મૂલ્યોના અનુરૂપ સામાજિક મુદ્દા પર વિચાર વ્યક્ત કરવા માટે હતું. કોઈ સમુદાય પ્રત્યે નફરત ફેલાવવા માટે નહોતું.
ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશનની લાઈબ્રેરીમાં આયોજિત વિશ્વ હિન્દુ પરિષદના કાનૂની સેલના કાર્યક્રમમાં બોલતાં જસ્ટિસ યાદવે સમાન નાગરિક સંહિતાને એક હિન્દુ વર્સેસ મુસ્લિમ ચર્ચાના રૂપમાં પ્રસ્તુત કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ’હિન્દુઓએ સુધારા કર્યાં છે જ્યારે મુસ્લિમોએ કર્યાં નથી. તમારો એ ભ્રમ છે કે જો કોઈ કાયદો (યુસીસી) લાવવામાં આવ્યો તો તે તમારા શરિયત, ઈસ્લામ અને કુરાન વિરુદ્ધ હશે પરંતુ હું એક અન્ય વાત કરવા ઈચ્છું છું કે ભલે તે તમારો વ્યક્તિગત કાયદો હોય, અમારો હિન્દુ કાયદો હોય, તમારું કુરાન હોય કે અમારી ગીતા, જેમ મે કહ્યું અમે અમારી પ્રથાઓમાં બુરાઈઓનું સમાધાન કરી ચૂક્યા છે. અછૂત, સતી, જોહર, ભ્રૂણ હત્યા… અમે આ તમામ સમસ્યાઓનું સમાધાન કરી ચૂક્યા છે. પછી તમે આ કાયદાને કેમ ખતમ કરતાં નથી? આ હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાનમાં રહેતાં બહુમતીના અનુસાર જ દેશ ચાલશે. તમે એ પણ નથી કહી શકતાં કે હાઈકોર્ટના જસ્ટિસ થઈને આવું બોલી રહ્યાં છો. કાયદો તો ભાઈ બહુમતીના આધારે જ ચાલે છે. પરિવારમાં પણ જુઓ, સમાજમાં પણ જુઓ. જ્યાં પણ વધુ લોકો હોય છે, જે કહે છે તેને જ માનવામાં આવે છે.’ત્યારે હવે આ મામલે અલગ અલગ 13 વરિષ્ઠ વકીલોએ દેશના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો છે કે, જસ્ટીસ યાદવ વિરુદ્ધ સૂઓમોટો લેવામાં આવે તેમજ આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી કે. વીરસ્વામી વિરુદ્ધ યુઓઆઈના નિર્ધારિત કાયદા અનુસાર સીબીઆઈ દ્વારા ગુનો દાખલ કરવામાં આવે.