Abtak Media Google News

500થી વધુ લાભાર્થીઓને સુચિતની સનદ અપાશે

જિલ્લામાં તાલુકા કક્ષાએ અને નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાશે : જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ ચાલતી તડામાર તૈયારીઓ

અબતક, રાજકોટ :  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં પાંચ વર્ષ સંવેદના અને નિર્ણાયકતા સાથે સફળતા પૂર્વક પુર્ણ કરવાના અવસરે તા. ૨ જી ઓગષ્ટે રાજયભરમાં સંવેદના દિવસ તરીકે ઉજવવામાં આવશે.

સેવાસેતુ કાર્યક્રમમાં દિવ્યાંગ પેન્શન, વૃધ્ધ પેન્શન, યુ.ડી.આઇ.ડી. કાર્ડ, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, લગ્ન સહાય, એસ.ટી. બસના પાસ, સંત સુરદાસ યોજના સહિતની યોજનાઓ અંગે સ્થળ પર અરજીઓનો નિકાલ તથા સ્થળ પર મંજુરી પ્રમાણપત્રો અપાશે

આ દિવસે દરેક જિલ્લામાં તાલુકા કક્ષાએ અને નગરપાલીકા વિસ્તારમાં જરૂરીયાત મંદ લોકો જેવાકે દિવ્યાંગ, નિરાધાર વૃધ્ધો તથા વાલી ગુમાવનાર અનાથ બાળકો કે એક વાલી ગુમાવનાર બાળકો પ્રત્યે વિશેષ સંવેદના દાખવી તેઓને મળતા યોજનાકીય લાભો અને અરજીઓનો મંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં સ્થળ સેવાસેતુ કેમ્પનું આયોજન દ્વારા નિકાલ કરી લાભાન્વીત કરવામાં આવશે. સાથે 500થી વધુ લાભાર્થીઓને સુચિતની સનદ અપાશે. આ વેળાએ મુખ્યમંત્રીની હાજરી રહે તેવી સંભાવના છે.

રાજકોટ જિલ્લામાં આ ઉજવણી અન્વયે યોજનાર સેવાસેતુ કેમ્પમાં સવારે ૧૧-૦૦ કલાક થી સાંજના ૬-૦૦ કલાક સુધીના સમયબધ્ધ કાર્યક્રમનું આયેાજન કરી વિવિધ સંબંધીત વિભાગો દ્વારા નિરાધાર વૃધ્ધોને પેન્શન, દીવ્યાંગ  પેન્શન, યુ.ડી.આઇ.ડી. કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, એસ.ટી. બસ પાસ, સંત સુરદાસ યોજનાની અરજીઓનો સ્થળ પર નીકાલ કરવામાં આવશે.

સ્થળ પર નિકાલ ન થઇ  શકે તેવા કીસ્સામાં દિવસ ૧૫માં આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. રાજકોટ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાના વાલી ગુમાવનાર અનાથ બાળકોના પાલક વાલીઓ ઉપસ્થીત રહેનાર છે.  આ ઉપસ્થીત દરેક અનાથ બાળક અને વાલીઓ સાથે મંત્રી અને મહાનુભાવો સંવેદનાસભર મુલાકાત લઇ  કિટ વિતરણ કરશે અને  તાજેતરમાં અમલી બનેલ એક વાલી ગુમાવનાર બાળકોને રૂા. ૨૦૦૦/- પેન્શન સહાય મંજુરીના હુકમોને  સ્થળ પર જ એનાયત કરાશે.

ચોમાસાની ઋતુને અનુલક્ષીને વિશાળ સંકુલ ધરાવતી  શાળા- મકાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં કોવીડ-૧૯ની પરિસ્થીતને અનુલક્ષીને સોશીયલ ડીસ્ટન્સ જાળવવા સાથે માર્ગદર્શક નિયમોનું પાલન કરવામાં આવશે. જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તા.૨ ઓગસ્ટ,૨૦૨૧ના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રવિવારે જ્ઞાનશક્તિ દિવસ અન્વયે ૯૦૦ જેટલા છાત્રોને ટેબ્લેટ, સ્કોલરશીપ ચેકનું વિતરણ કરાશે

આગામી પહેલી ઓગસ્ટે  જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવશે.જેના અનુસંધાને રાજકોટની ચાર શૈક્ષણિક સંસ્થાઓ, કણકોટ એન્જીનીયરીંગ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી અને આત્મીય યુનિવર્સિટી ખાતે છાત્રોને વિવિધ શૈક્ષણિક લાભો અર્પણ કરવામાં આવશે.

જેમાં સવારે ૧૦..૦૦ વાગ્યાથી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી યોજાનાર કાર્યક્રમમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર છાત્રોને ‘‘નમો’’ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરાશે, અને ‘‘શોધ’’  કાર્યક્રમ અન્વયે પી.એચ.ડી. કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરાશે.

પહેલી ઓગસ્ટે રાજકોટની સરકારી એન્જીનીયરીંગ કોલેજ, કણકોટ, ખાતે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે, આત્મીય યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમો યોજાશે, જેમાં અંદાજે૯૦૦ થી વધુ છાત્રો લાભાન્વિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.