Abtak Media Google News

સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનો તોતીંગ ઉછાળો, નિફટી પણ ૨૯૮ પોઈન્ટ અપ: રોકાણકારોમાં ખુશીનો માહોલ: ડોલર સામે રૂપિયો ૧૮ પૈસા મજબુત

ભાજપ ફરી કેન્દ્રમાં એકલા હાથે સરકાર બનાવી શકે તેવો પ્રચંડ જનાદેશ દેશની જનતાએ આપતાં નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાનપદે સતારૂઢ થવા જઈ રહ્યા છે ત્યારે મોદી સરકારને શેરબજારે સહર્ષ વધાવી લીધું હોય તેમ આજે સેન્સેકસ ૪૦,૦૦૦ને પાર થઈ ગયો હતો. ઉઘડતી બજારે જ સેન્સેકસમાં ૧૦૦૦ થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાતા રોકાણકારોમાં ખુશાલીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયામાં પણ ૧૮ પૈસાની તોતીંગ મજબુતી જણાઈ રહી છે.

લોકસભાની ચુંટણીનાં સાત તબકકાનાં મતદાન પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલા સર્વેમાં કેન્દ્રમાં ફરી ભાજપની સરકાર રચાતી હોવાનાં આસાર મળતાં શેરબજારમાં નવેસરથી તેજીનો દૌર શરૂ થયો છે. ગત સપ્તાહે માર્કેટમાં છેલ્લાં એક દસકાનો સૌથી મોટો ૧૪૨૧ પોઈન્ટનો ઉછાળો નોંધાયા બાદ આજે સવારે મતગણતરીનાં પ્રથમ બે કલાકમાં જ એવું સ્પષ્ટ થઈ ગયું છે કે, કેન્દ્રમાં ફરી સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સરકાર બની રહી છે જેને શેરબજારે સહર્ષ વધાવી લીધું છે. આજે ઉઘડતી બજારે માર્કેટમાં તોતીંગ તેજી જોવા મળી હતી.

સેન્સેકસ અને નિફટી બંનેમાં જોરદાર ઉછાળા દેખાયા હતા. સેન્સેકસે આજે ૪૦ હજાર પોઈન્ટની સપાટી કુદાવી હતી તો નિફટીએ પણ ૧૨,૦૦૦ પોઈન્ટનો આંક વટાવ્યો હતો. રૂપિયો પણ આજે ડોલર સામે ૧૮ પૈસા મજબુત બન્યો હતો. આજે સેન્સેકસે ૪૦,૧૨૫ પોઈન્ટનો હાઈ હાંસલ કર્યો હતો જયારે નિફટીએ પણ ૧૨,૦૪૧ પોઈન્ટની નવી લાઈફ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી હતી. આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦:૫૦ કલાકે સેન્સેકસ ૮૯૫ પોઈન્ટનાં ઉછાળા સાથે ૪૦,૦૦૪ અને નિફટી ૨૬૮ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૨,૦૦૫ પોઈન્ટે ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.