શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો: સેન્સેકસ 440 પોઈન્ટ પટકાયો

સોના અને ચાંદીમાં પણ આજે ફરી કડાકો: ડોલર સામે રૂપિયો 0.12 પૈસા નબળો

શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો જોવા મળ્યો છે. ગઈકાલે 500 પોઈન્ટ જેટલો સેન્સેકસ આજે પણ 700 પોઈન્ટ જેટલો તૂટ્યો હતો. જો કે બપોરે 3:10 કલાક સુધીમાં ફરીથી રીકવર થતાં 440 પોઈન્ટના કડાકા સાથે 50405ની સપાટીએ ટ્રેડ થયો હતો. આજે ઈન્ડુસીન્ડ બેંક, એસબીઆઈ, પાવર ગ્રીડ, એનટીપીસી, એચસીએલ ટેક, બજાજ  ફાયનાન્સ, આઈઆઈસીઆઈ બેંક અને ડોકટર રેડી લેબ જેવા ટોચના શેર 1.59 ટકાથી લઈ 4.76 ટકા સુધી તૂટી ગયા હતા. ખાસ કરીને બેન્કિંગ સેકટરના શેરમાં મોટાપાયે મંદી જોવા મળી હતી. આ લખાય છે ત્યારે બેન્કિંગ-ફાયનાન્સ સેકટર 1.17 ટકાના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેકસમાં ટેકનોલોજી, કેમીકલ, ફાર્મા અને યુટીલીટી સહિતના સેકટર પણ તૂટ્યા છે. આજે ઓએનજીસી, મારૂતી સુઝુકી, કોટક મહિન્દ્રા, નેસલે, લાર્સન અને ટાઈટન કંપની જેવા શેરમાં 1.95 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ નિફટી-ફિફટીમાં પણ આજે 142 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. બેંક નિફટી પણ 550 પોઈન્ટ તૂટી હતી. મીડકેપમાં ભારે વેચવાલીના કારણે 551 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો.

અમેરિકન ડોલર સામે આજે રૂપિયો ફરીથી 12 પૈસા તૂટી ગયો છે. ક્રુડ ઓઈલમાં પણ 60 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. સોનુ આજે 261 રૂપિયા તૂટી 44280ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. સીલ્વરમાં પણ આજે ફરી કડાકો બોલ્યો છે. સીલ્વર આજે 497 રૂપિયાના કડાકા સાથે રૂા.65425ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે.