Abtak Media Google News

દેશમાં કોરોના વાયરસના સતત વધતા કેસ અને મહારાષ્ટ્રમાં લોકડાઉનના પગલે શેરબજાર ઉપર માઠી અસર: ડોલર સામે રૂપિયો 30 પૈસા નબળો 

ફરીથી આર્થિક ગાડી હાલક-ડોલક થવાના ડરથી રોકાણકારો મુંઝાયા નિફટી-ફીફટીમાં પણ 385 પોઈન્ટનું ગાબડું 

દેશમાં કોરોના મહામારીના કેસ સતત વધી રહ્યાં છે. જેના પગલે કેટલાંક વિસ્તારોમાં આંશીક લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. દરમિયાન દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિતના વિસ્તારોમાં મહારાષ્ટ્ર સરકારે લીધેલા આંશીક લોકડાઉનથી શેરબજારમાં ભારે અફરા-તફરી જોવા મળી રહી છે. ‘અબતક’ દ્વારા ઘણા દિવસો પહેલા જ સેન્સેકસ ફરી 40,000ને અડકી જશે તેવા અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા. દરમિયાન આજે સેન્સેકસમાં 1288 પોઈન્ટનું ગાબડુ જોવા મળતા સેન્સેકસ 48741ને અડકી ગયો હતો.

નિફટી-ફીફટીમાં પણ 368 પોઈન્ટનું ગાબડુ જોવા મળ્યું હતું. અત્યારે નિફટી 14499ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. બેંક નિફટીમાં 1438 પોઈન્ટનું તોતીંગ ગાબડુ જોવા મળ્યું છે. ઈન્ડુસીન્ડ બેંક, બજાજ ફાયનાન્સ, એસબીઆઈ સહિતના ટોચના શેર તૂટી ગયા છે. આ લખાય છે ત્યારે સૌથી વધુ અસર બેન્કિંગ સેકટરને થઈ હોવાનું થાય છે. બેન્કિંગ સેકટરમાં 4.35 ટકાનું ગાબડુ પડ્યું છે. આ ઉપરાંત ઓઈલ એન્ડ ગેસ પણ તૂટી ગયા છે. ફાર્માસ્યુટીકલ્સ, સીમેન્ટ, એન્જીનીયરીંગ જેવા ક્ષેત્રોમાં પણ ભયંકર ગાબડા જોવા મળ્યા છે. બીજી તરફ ઘણા સમયથી નીચે ગયેલા સોના અને ચાંદીના ભાવ પણ વધવા તરફ છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાની મહામારીની બીજી લહેરના કારણે આર્થિક ગતિવિધિઓ ઉપર અસર પડી શકે છે. ટોચના ઉદ્યોગો બંધ રહેશે તેવો ભય છે. આર્થિક રાજધાની મુંબઈ પણ થંભી જશે. રાત્રે 8 થી સવારે 7 સુધી તેમજ શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉનના ઉદ્ધવ સરકારના નિર્ણયની અસર શેરબજાર ઉપર થઈ છે. આ ઉપરાંત દેશના અન્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની સ્થિતિ તોળાઈ રહી હોવાની વાત જાણવા મળે છે.

આ લખાય છે ત્યારે બજાજ ફાયનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, એચડીએફસી, એસ્સાર સહિતના શેરમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી છે. બીજી તરફ વિપ્રો, બ્રીટાનીયા, ઈન્ફોસીસ અને ટીસીએસ જેવા શેરમાં થોડા અંશે તેજી છે. વર્તમાન સમયે સોનુ 45364ની સપાટીએ છે જ્યારે ચાંદી 64917ની સપાટીએ ઉભુ છે. જ્યારે ડોલર સામે રૂપિયો 30 પૈસા નબળો પડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.