શેરબજારમાં વણથંભી તેજી : સેન્સેક્સ ૫૨૬ પોઇન્ટ ઊંચકાયો

અબતક, રાજકોટ

ભારતીય શેર બજારમાં છેલ્લાં ઘણા દિવસથી ચાલી આવતી વણથંભી તેજી આજે પણ યથાવત રહેવા પામી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતિંગ ઉછાળા જોવા મળ્યા હતાં. નિફ્ટીએ મંગળવારે ૧૭ હજારની સપાટી ઓંળગ્યા બાદ આજે ૧૭,૨૪૫.૫૦ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. સતત ચાલી આવતી તેજીને પગલે રોકાણકારોમાં ખુશાલીના ઘોડાપુર વ્યાપી જવા પામી છે. બૂલીયન બજારમાં આજે તેજી રહેવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં સામાન્ય નરમાશ જોવા મળી હતી.

ગઇકાલે સેન્સેક્સ ૫૮ હજારની નજીક સરક્યા બાદ વેંચવાલીનું દબાણ વધતાં ૫૮ હજારને પાર થઇ શક્યો ન હતો. નિફ્ટીએ મંગળવારે ૧૭ હજારની પોઇન્ટની સપાટી ઓળગ્યા બાદ સતત તેજીનો દોર ચાલી રહ્યો છે. આજે ઇન્ટ્રા ડે માં સેન્સેક્સે ૫૭,૮૯૨ પોઇન્ટની સપાટી હાંસલ કરી હતી. નિફ્ટી આજે ૧૭,૨૪૫.૫૦ નવો લાઇફ ટાઇમ હાઇ હાંસલ કરવામાં સફળ રહી હતી. બેંક નિફ્ટી અને નિફ્ટી મિડકેપ ઇડેક્સમાં પણ તેજી બરકરાર રહેવા પામી હતી. આજની તેજીમાં શ્રી સિમેન્ટ, એચડીએફસી લાઇફ, ટીસીએસ અને સિપ્લા જેવી કંપનીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો બીજી તરફ તેજીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોલ ઇન્ડિયા, બજાજ ઓટો અને ઓએનજીસીના ભાવ તૂટ્યા હતાં.

આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૫૨૬ પોઇન્ટના ઉછાળા સાથે ૫૭,૮૬૯ અને નિફ્ટી ૧૬૦ પોઇન્ટના ઉછાળા સાથે ૧૭,૨૩૫ પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો બે પૈસાની સામાન્ય નરમાશ સાથે ૭૩.૧૦ ટ્રેડ કરી રહ્યું છે.