સપ્તાહના આરંભે જ શેરબજારમાં તેજીનો તોખાર, સેન્સેક્સમાં 604 પોઈન્ટનો તોતિંગ ઉછાળો

અબતક, રાજકોટ
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી એકધારી તેજી વધુ આગળ વધી છે. ગત સપ્તાહે બજારમાં થોડો મંદીનો માહોલ વર્તાયા બાદ આજે ઉઘડતા સપ્તાહે માર્કેટમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેકસ અને નિફટીમાં તોતીંગ ઉછાળા રહ્યાં હતા. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે 27 પૈસા જેટલો નબળો પડ્યો હતો. તમામ સેકટરના ઈન્ડેક્ષ ગ્રીન ઝોનમાં કામ કરતા નજરે પડ્યા હતા.

આજે ઉઘડતા સપ્તાહમાં જ સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ઈન્ટ્રા-ડેમાં 700 વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેેકસે 49548.82ની સર્વોચ્ચ સપાટી હાસલ કરી લીધી હતી. જો કે એક તબક્કે સેન્સેક્સ ફરી એક વખત 59,000ની નીચે ગરકાવ થઈ ગયો હતો. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર ચાલુ રાખતા દિવસ દરમિયાન તેજી જળવાઈ રહેવા પામી હતી.

નિફટીએ પણ આજે ઈન્ટ્રા-ડેમાં 17750.90ની સપાટી હાસલ કરી લીધી હતી. જ્યારે ઈન્ટ્રા-ડેમાં નિફટી 17581.35 સુધી નીચે સરકી હતી. અમેરિકી ડોલર સામે આજે ભારતીય રૂપિયામાં જબરૂ ધોવાણ જોવા મળ્યું હતું. બેંક નિફટી અને નિફટી મીડકેપ 100માં આજે તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. આજની તેજીમાં ડેવીસ લેબ, એનટીપીસી, બજાજ ફીનસર્વ અને હિન્દાલકો જેવી કંપનીના શેરના ભાવમાં 7.5 ટકાથી પણ વધુનો ઉછાળો જોવા મળ્યો હતો.

બીજી તરફ તેજીમાં પણ ગ્રાસીમ, સીપલા, યુપીએલ અને આઈસર મોટર જેવી કંપનીના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 604 પોઈન્ટના ઉચાળા સાથે 59370 અને નિફટી 174 પોઈન્ટના ઉછાળા સાથે 17706 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યું છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 0.27 પૈસાના ઘટાડા સાથે 74.38 પર ટ્રેડ કરી રહ્યો છે. જે રીતે બજારમાં સપ્તાહની શરૂઆત ઉછાળા સાથે થઈ છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં પણ બજારમાં તેજી જળવાઈ રહેશે.