Abtak Media Google News

પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, સહકારી આગેવાન હરિભાઈ ઠુંમર, નગરપતિ દાનાભાઈ ચંદ્રવાડિયા, શિક્ષણવિદ જે.એમ.માંગરોલિયા, શહેર ભાજપ પ્રમુખ માધવજીભાઈ પટેલ સહિતનાઓને ચુંટણી લડવા નિરિક્ષકો સમક્ષ ઘા નાખશે

ઉપલેટા-ધોરાજી વિધાનસભા મતક્ષેત્રમાં ભાજપની ડુબતી નાવને બચાવવા સાત તરવૈયા‚પી મુરતીયાઓ મેદાનમાં આવ્યા છે. આવતીકાલે રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નિરિક્ષકો રાજયના પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, વાસણભાઈ આહિર અને જીતુભાઈ હિરપરા સમક્ષ ધોરાજી-ઉપલેટા વિધાનસભા મતક્ષેત્રમાંથી ચુંટણી લડવા દાવેદારી નોંધાવશે.

ઉપલેટા વિધાનસભા મત વિસ્તાર દર વખતની વિધાનસભાની ચુંટણી કરતા આજ વખતે અલગ પરિબળો ઉપર લડાવાની સંભાવના સેવાઈ રહી છે. જેમાં પાટીદાર આંદોલન, દલિત આંદોલન, નોટબંધી અને જીએસટીની નારાજગીને કારણે આ બેઠક બચાવવા સાત મુરતીયાઓ મેદાનમાં આવ્યા છે. ત્યારે નિરિક્ષકો સમક્ષ ઉમેદવારની દાવેદારી નોંધાવનારા ઉપર એક નજર કરીએ તો કડવા પટેલ સમાજમાંથી વર્તમાન ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા છે. તેઓ આ વિસ્તારમાં ચાર-ચાર વખત ધારાસભા લડી વિધાનસભામાં પ્રવેશવા નસીબદાર બનેલા છે. અત્યાર સુધીમાં ચાર ટર્મ એક પણ ધારાસભ્ય નોંધાવેલ નથી. જયારે કડવા પટેલ સમાજમાંથી ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ છે. તેઓ આ મત વિસ્તારમાં આવતા પોરબંદર લોકસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને પ્રથમ વખત ચુંટાઈને કમળ‚પી લોકસભાની સીટ પાર્ટીને આપી હતી. ત્યારબાદ બે વખત ફરી પાછા સાંસદ સભ્ય તરીકે ચુંટાઈને ખેડુતોના પ્રશ્ર્નો અસરકારક રીતે રાજય અને કેન્દ્રમાં રજુઆતો કરી ઉકેલવામાં સફળ રહ્યા હતા. જેમાના એક પ્રશ્ર્ન ખેડુતોના ટ્રેકટરને ગાડા વાહન તરીકે ગણાવી ખેડુતોને મોટી ભેટ આપી હતી. લેઉવા પટેલ સમાજમાંથી ઉમેદવારી નોંધાવામાં હરિભાઈ ઠુંમર પણ નોંધપાત્ર દાવેદાર છે. તેઓ નાની ઉંમરે અને ટુંકા સમયમાં સહકારી ક્ષેત્રમાં કાઠુ કાઢી ગુજરાતની પ્રથમ હરોળની રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડિરેકટર છે. આ ઉપરાંત આ વિસ્તારની વિવિધ સહકારી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓનું જમા પાસુ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના આ વિસ્તારમાં વિશ્ર્વાસુ અને વફાદાર સૈનિક છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષ થયા સાંસદનું કાર્યાલય સંભાળી ગ્રામ્ય વિસ્તારના પ્રશ્ર્નોને રાજય સરકાર સમક્ષ રજુઆતો કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. જયારે પટેલોને બાદ કરતા અન્ય જ્ઞાતિના પરિબળને ધ્યાનમાં લેવામાં આવે તો વર્તમાન નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા એક મજબુત દાવેદાર ગણી શકાય તેઓ છેલ્લા ૧૦ વર્ષ થયા શહેરના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપેલ છે.

તેઓની સામે પાટીદાર સમાજ સિવાય કોઈ ઉમેદવારે દાવેદારી કરવાના નથી તે તેને ઉજળુ પાસુ ગણાય. જયારે અન્ય દાવેદારોમાં રાજય આચાર્ય સંઘના મહામંત્રી જે.એમ.માંગરોલીયા છે. તેઓ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને છેલ્લા ૩૦ વર્ષ થયા શિક્ષણક્ષેત્રે કામગીરી કરી શિક્ષકોના પ્રશ્ર્ને રાજય સમક્ષ રજુઆતો કરી નોંધપાત્ર કામગીરી કરેલ છે. તેઓ રાજકારણમાં નવું નામ છે પણ તેની પાછળ રાજય આચાર્ય સંઘ પરિવાર મજબુત મનાય છે. જયારે ઉમેદવારીના લીસ્ટમાં ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઈ પટેલ પણ પાર્ટી ટિકિટ આપે તો મુકાબલો કરી લેવાના મૂડમાં વર્તાય છે. તેઓ હાલ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ તરીકે સેવા આપે છે. અગાઉ પાર્ટીના વિવિધ સંગઠનમાં સેવા આપી ચુકયા છે. પાર્ટીમાં જુના જોગીની ગણનામાં તેનું નામ લેવાય છે. જયારે જીલ્લા ભાજપના મહામંત્રી જયંતિભાઈ ઢોલ ઉમેદવારીના હથિયારો નીચે મુકી દીધા છે. તેઓ દાવેદારીના મુડમાં નથી.

જયારે ઉપલેટા-ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં જ્ઞાતિનિ દ્રષ્ટીએ જોયે તો મુખ્ય જ્ઞાતિ લેઉવા કડવા પટેલ છે. જયારે અન્ય નિર્ણાયક પરિબળમાં આહિર, દલિત, અને ઈતર સમાજ ભાગ ભજવે છે. જ્ઞાતિના આંકડા તવરીત જોઈએ તો આ મતક્ષેત્રમાં કુલ ૨,૨૯,૮૩૦ મતદારો છે. તેમાં લેઉવા પટેલના ૩૮,૪૧૬, કડવા પટેલના ૩૭,૯૧૩, આહિરના ૧૯,૬૭૭, લઘુમતિ સમાજના ૩૪,૨૩૬, દલિત સમાજના ૨૪,૬૨૮, બ્રાહ્મણ સમાજ ૩૮૮૦, જૈન-સોની સમાજના ૧૯૩૬, કોળી સમાજના ૧૬,૨૮૫, ક્ષત્રિય સમાજના ૬૭૭૩, માલધારી સમાજના ૮૧૭૫ અને ઈતર સમાજના ૩૫,૬૩૯ મતો નોંધાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.