દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી પૂર્વે શાહબાઝ-ઐયરનો ટીમમાં સમાવેશ

દિપક હુડા ઇજાના કારણે બહાર, પંડ્યાને આરામ અપાયો: અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી કોરોનામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ ટી20 ક્રિકેટ મેચની સીરિઝ 2-1થી જીત્યા બાદ હવે ભારતીય ટીમ ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે રમશે. ભારત અને સાઉથ આફ્રિકા  વચ્ચે 20 સપ્ટેમ્બર એટલે કે બુધવારથી ટી20 સીરિઝ રમાશે. જે અગાઉ ભારતીય ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા અને દીપક હુડ્ડાને ટીમની બહાર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને સ્પિન ઓલ-રાઉન્ડર શાહબાઝ અહેમદ અને બેટર શ્રેયસ ઐય્યરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી કોરોનામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી જેના કારણે તે આ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે ઓલ-રાઉન્ડર દીપક હુડ્ડાને પીઠની ઈજાના કારણે બહાર થવું પડ્યું છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોહમ્મદ શમી કોવિડ-19માંથી સાજો થયો નથી અને તેને હજી થોડા સમય લાગશે તેથી તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ઉમેશ યાદવ તેના સ્થાને ટીમમાં રહેશે. જોકે, હાર્દિક પંડ્યાના સ્થાને શાહબાઝને કેમ સામેલ કરવામાં આવ્યો છે તે અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, શું કોઈ ઝડપી બોલિંગ ઓલ-રાઉન્ડર છે જે હાર્દિક પંડ્યાનું સ્થાન લઈ શકે છે. રાજ બાવા હજી ઉભરતો ખેલાડી છે અને તેથી તેને અનુભવ મળે તે માટે તેને ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કર્યો છે. તેને તૈયાર થવામાં હજી થોડો સમય લાગશે.

ટી20 વર્લ્ડ કપ અગાઉ ભારત માટે આ અંતિમ અને મહત્વની શ્રેણી છે. ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યા બાદ ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકા સામે પોતાની ટી20 વર્લ્ડ કપની તૈયારીઓને ચકાસશે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટી20 મેચ રમાશે. સીરિઝની પ્રથમ મેચ 28 સપ્ટેમ્બરે ત્રિવેન્દ્રમમાં રમાશે.

જ્યારે 1 ઓક્ટોબરે ગુવાહાટીમાં બીજી અને 3 ઓક્ટોબરે ઈન્દોરમાં અંતિમ મેચ રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમશે. જેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રાંચી, બીજી મેચ 9 ઓક્ટોબરે લખનૌ અને ત્રીજી તથા અંતિમ વન-ડે 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.