Abtak Media Google News

ખ્યાતનામ લોક કલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, પંકજ ભટ્ટ, ગંગારામ વાઘેલા લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે

આઝાદીની લડતના અમર ક્રાંતિવીર ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ, તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ હ્રદયસ્પર્શી કાવ્ય ફૂલમાળ રચેલું : વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ. ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈની હાથની બનેલી ‘રોટી ખાવાની ઈચ્છા ભગતસિંહે વ્યક્ત કરેલી. શહીદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકિ સમાજની આ ‘રોટીનું ઋણ’ અને મૂલ્ય ક્યારેય વીસરાશે નહિ.

આથી પ્રેરાઈને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા સાબરમતી વાલ્મીકિ સમાજ દ્વારા — સતત સાતમા વર્ષે — શહીદ દિન — ૨૩ માર્ચ ૨૦૧૯ ને શનિવારે  રાત્રે ૮ કલાકે, અમદાવાદ-સાબરમતી (રામદેવપુરા, રામદેવપીર મંદિર, જવાહર ચોક) ખાતે સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા ‘શહીદ વંદના સ્વરાંજલિ કાર્યક્ર્મનું પ્રેરક આયોજન કરાયું છે.

ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. વાલ્મીકિ સમાજમાંથી આવતા લોકગાયક ગંગારામ વાઘેલા અને તેમની ૧૦ વર્ષની પૌત્રી ધ્વનિ દિલીપભાઈ વાઘેલા તથા તેજલબેન રાણા પણ સમસ્ત વંચિત સમાજ વતી સ્વરાંજલિ અર્પણ કરશે. લોકસાહિત્યકાર-હાસ્યકાર હરિસિંહ સોલંકી પોતાની આગવી શૈલીમાં રસપ્રદ વાતો કહેશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત નિયોજન છે. વાલ્મીકિ સમાજના ચંદ્રકાંત સોલંકીનું વાદ્ય-વૃંદ કલાકારોને સાથ આપશે. આલેખિત વાલ્મીકિ સમાજનાં શૌર્ય, શીલ, સ્વાર્પણની ગૌરવગાથાઓ પિનાકી મેઘાણી રજૂ કરશે. માતૃભૂમિની રક્ષા કાજે ફના થનાર વીર શહીદ જવાનોને પણ ‘સ્વરાંજલિ’ અર્પણ થશે. સહુ રસિકજનોને આ કાર્યક્ર્મમાં પધારવા જાહેર અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.