110 દેશોના 30 લાખ લોકોનો “શહેનશાહ” સહકાર મેળવશે!!!

વિના સહકાર નહિ ઉદ્ધાર : સબકા સાથ સબકા વિકાસ

સહકાર મંત્રી અમિત શાહ કાલે દિલ્હીમાં યોજાનારી પ્રથમ મેગા સહકારી કોન્ફરન્સને સંબોધિત કરશે

8 કરોડ લોકોને એક તાંતણે બાંધી વૈશ્વિક ડંકો વગાડશે મોદી સરકાર

અબતક, નવી દિલ્હી : વિના સહકાર નહિ ઉદ્ધાર અને સબકા સાથ સબકા વિકાસ આ સૂત્ર ઉપર ચાલીને મોદી સરકાર 8 કરોડ લોકોને એક તાંતણે બાંધી વૈશ્વિક ડંકો વગાડવા જઈ રહી છે. સહકાર મંત્રી અમિત શાહ કાલે દિલ્હીમાં યોજાનારી પ્રથમ મેગા સહકારી કોન્ફરન્સને સંબોધિત કરવાના છે. જેમાં શહેનશાહ ગણાતા અમિત શાહ 110 દેશોના 30 લાખ લોકોનો સહકાર મેળવશે.

સહકાર મંત્રી અમિત શાહ શનિવારે દિલ્હીમાં યોજાનારી પ્રથમ મેગા સહકારી કોન્ફરન્સને સંબોધિત કરશે. જ્યાં તેઓ આ ક્ષેત્રના વિકાસ માટે સરકારના વિઝન અને રોડમેપની રૂપરેખા આપવાના છે. આ પ્રથમ સહકારિતા સંમેલન અમિત શાહ સહકાર મંત્રાલયના વડા તરીકે સંબોધવાના છે. જેનાથી દેશમાં સહકારી ચળવળને મજબૂત કરવામાં આવનાર છે.

ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાનારી આ કોન્ફરન્સનું આયોજન સહકારી સંસ્થાઓ ઈફકો, નેશનલ કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા, અમૂલ, સહકાર ભારતી, નાફેડ, ક્રિભકો સહિત અન્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે. સહકાર રાજ્ય મંત્રી બીએલ વર્મા અને આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ પ્રમુખ એરિયલ ગુઆર્કો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પહેલુ મોટું સંમેલન છે જેમાં મંત્રી સહકારી ક્ષેત્રને સંબોધિત કરશે અને સરકારના દ્રષ્ટિકોણને શેર કરશે અને દેશમાં આ ક્ષેત્રના વિકાસ માટે માર્ગદર્શિકાની રૂપરેખા આપશે. અધિકારીએ જણાવ્યું હતું કે, આ પહેલી તક હશે જ્યારે સહકારી સંસ્થાના સભ્યો મંત્રી પાસેથી સીધા જ આ ક્ષેત્ર માટે સરકારની યોજના વિશે સાંભળશે.

ઇવેન્ટમાં 2,000 સભ્યો રૂબરૂ હાજર રહેશે, જ્યારે 8 કરોડ વર્ચ્યુઅલ રીતે જોડાશે. ઇફકોના અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ સાથે સંકળાયેલા 110 દેશોમાંથી લગભગ 3 મિલિયન સહકારીઓ પણ વર્ચ્યુઅલ રીતે જોડાય તેવી અપેક્ષા છે. આ કોન્ફરન્સ વૈશ્વિક મંચ પર ભારતીય સહકારીઓને મજબૂત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

ઇફકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના ઉદ્દેશને સાકાર કરવાની દિશામાં પણ કામ કરશે. મંત્રાલયનો મુખ્ય મંત્ર દેશમાં સહકારી ચળવળને મજબૂત બનાવવાનો, એક અલગ વહીવટી, કાનૂની અને નીતિગત માળખું પૂરું પાડવાનો અને મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી (એમએસસીએસ) ના વિકાસને સક્ષમ કરવા માટે પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાનો છે.