શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન: રમેશભાઇ ટીલાળાની ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના બોર્ડ ઓફ ટ્રેડના સભ્ય પદે નિમણૂંક

મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઇ જેતપરીયાની પણ સભ્ય તરીકે નિમણૂંક: પ્રથમવાર સૌરાષ્ટ્રના બે ઉદ્યોગપતિઓને બોર્ડ ઓફ ટ્રેડમાં સ્થાન મળતા ભારે ખુશીનો માહોલ

ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી, લેઉવા પટેલ સમાજના અગ્રણી અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન રમેશભાઇ ટીલાળા અને મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઇ જેતપરીયાની આજે ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના ધી બોર્ડ ઓફ ટ્રેડના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવતા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. પ્રથમવાર સૌરાષ્ટ્રના બે ઉદ્યોગપતિઓને ઉદ્યોગ તથા વાણિજ્ય મંત્રાલયના બોર્ડ ઓફ ટ્રેડના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના બોર્ડ ઓફ ટ્રેડના સદસ્ય તરીકે નિમણૂંક થયા બાદ ‘અબતક’ સાથેની ખાસ વાતચિત દરમિયાન જાણિતા ઉદ્યોગપતિ અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે પ્રથમવાર કેન્દ્રના આ બોર્ડ ઓફ ટ્રેડના સભ્ય તરીકે સૌરાષ્ટ્રના બે ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના મહત્વપૂર્ણ એવા ધી બોર્ડ ઓફ ટ્રેડના સદસ્ય તરીકે મારા સિવાય મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઇ જેતપરીયાની પણ વરણી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના વેપાર ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્ર્નોનો વહેલી તકે નિકાલ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે: રમેશભાઇ ટીલાળા

આ બોર્ડમાં કુલ 27 સભ્યોનો દેશભરમાંથી સમાવેશ કરવામાં આવે છે. આ બોર્ડ દ્વારા વેપાર અને ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્ર્નો અંગે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયને ભલામણ કરવામાં આવે છે.

મુખ્ય પ્રશ્ર્નો એક્સપોર્ટને લગતા હોય છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના વેપાર-ઉદ્યોગ અને એક્સપોર્ટને લગતા વિવિધ પ્રશ્ર્નોનો સત્વરે નિકાલ આવે તે રીતના પ્રયાસો કરવામાં આવશે. વેપાર-ઉદ્યોગમાં સરળતા વધે તે માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. મારા પર વિશ્ર્વાસ મૂકવા બદલ હું કેન્દ્ર સરકારનો આભારી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે રમેશભાઇ ટીલાળા સૌરાષ્ટ્રના જાણિતા ઉદ્યોગપતિ હોવા ઉપરાંત લેઉવા પટેલ સમાજના મોટા આગેવાન છે. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી, 105 વર્ષ જૂના કાઠીયાવાડ બાલાશ્રમના ટ્રસ્ટી, એ.પી. પટેલ ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી અને ગુજરાત રાજ્ય જિલ્લા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટના તેઓ પ્રમુખ છે. તેઓની ધી બોર્ડ ઓફ ટ્રેડના સભ્ય તરીકે નિમણૂંક થતાં શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. નિમણૂંકના સમાચાર સૌરાષ્ટ્રભરમાં વાયુવેગે પ્રસરી જતા તેઓ પણ સતત અભિનંદનવર્ષા થઇ રહી છે.

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓની નેતૃત્વ શક્તિ હવે ગુજરાતના સિમાડા ઓળંગી રહી છે. પ્રથમવાર એવું બન્યું છે કે જ્યારે સૌરાષ્ટ્રના એક નહીં પરંતુ બબ્બે ઉદ્યોગપતિઓને કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલયના બોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ ઘટના માત્ર સૌરાષ્ટ્ર નહિં પરંતુ સમગ્ર ગુજરાતના વેપાર-ઉદ્યોગ માટે ખૂબ જ સારી મનાઇ રહી છે. વર્ષો પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હતું અને સૌરાષ્ટ્રના ઉદ્યોગોને અસર કરતા પ્રશ્ર્નો સામે ક્યારેય ધ્યાન આપવામાં આવતું ન હતુ. પરંતુ હવે સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગો માટે સુવર્ણ દિવસો આવી રહ્યા છે. બંને ઉદ્યોગપતિઓ હવે રાજ્યના વેપાર-ઉદ્યોગને પ્રશ્ર્નોના નિરાકરણ માટે કેન્દ્ર સમક્ષ રજૂઆત કરશે.