લીંબડી-દેશી બનાવટના તમંચાના વેચાણના મુળ સુધી પોલીસ પહોચશે?

weapons | ahemdabad |
weapons | ahemdabad |

સાયલાના સાંગોઇ ગામના કોળી શખ્સે એકાદ હજાર તમંચા અને મજરલોડ બંદુક બનાવી વેચાણ કર્યુ: સુત્રધાર સહિત ૧૭ની ધરપકડ

સુરેન્દ્રનગરના લીંબડી અને સાયલામાં દેશી બનાવટના તમંચા અને મજરલોડ બંદુક બનાવવાની ફેકટરી પોલીસે ઝડપી લીધા બાદ સાંગોઇ ગામના સુત્રધારની પૂછપરછ દરમિયાન તેને ટૂંકા સમયમાં જ એકાદ હજાર જેટલા ઘાતક હથિયાર બનાવી જુદા જુદા ગામોમાં વેચાણ કર્યાની કબૂલાત આપતા પોલીસે કોળી શખ્સ પાસેથી હથિયાર ખરીનાર શખ્સોની છાનભીન શ‚ કરી છે. અત્યાર સુધીમાં પોલીસે સાત શખ્સોને ઝડપી ૧૭ હથિયાર કબ્જે કર્યા છે.

સાયલા તાલુકાના સાંગોઇ ગામના રણછોડ ઉર્ફે તકુ મેરામ નામના કોળી શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી. પી.એસ.આઇ. એ.ડી.પરમાર અને કે.આર.સિસોદીયા સહિતના સ્ટાફે તમંચા સાથે ઝડપી પૂછપરછ કરતા તેને પોતાના ઘરે જ તમંચો બનાવ્યો હોવાનું અને વેચવા જતો હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે રણછોડ કોળીના ઘરે તપાસ કરતા તમંચો અને મજરલોડ બંદુક બનાવવાના સાધનો મળી આવ્યા હતા. તેની વિશેષ પૂછપરછ કરતા અત્યાર સુધીમાં એકાદ હજાર જેટલા હથિયાર બનાવી જુદા જુદા ગામોમાં વેચાણ કર્યુ હોવાની કબૂલાત આપતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો.

પોલીસે વઢવાણના વસ્તડી ગામના ગોહિલ યુવરાજભાઇ જીવાભાઇ, સાંગોઇના ભાભલુભાઇ બહાદુરભાઇ કાઠી, પ્રફુલ ગોબર જાદવ, થાનના લાખામાચી અને ગોંડલના દડવાના ગરાસીયા શખ્સને હથિયાર વેચાણ કર્યાનું બહાર આવતા પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી ૧૭ હથિયાર કબ્જે કર્યા છે.

રણછોડ કોળીની કબૂલાત મુજબ મોટી સંખ્યામાં હથિયારનું વેચાણ કરવામાં આવ્યું હોવાથી તમામ શખ્સોની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. કેટલાક શખ્સો પોલીસ ધરપકડની દહેશતે ભુગર્ભમાં ઉતરી ગયા છે. રણછોડ કોળી દ્વારા વેચાણ થયેલા તમામ હથિયાર કબ્જે થશે કે કેમ તે સવાલ થઇ રહ્યો છે. સાયલાના નાના એવા સાંગોઇ ગામે હથિયાર બનાવવાની ફેકટરી ધમધમતી હોવા છતાં પોલીસ કેમ અંધારામાં રહી અને એકાદ હજાર જેટલા હથિયારનું વેચાણ કરી નાખ્યું તે તમામ હથિયાર કબ્જે કરવા પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે તેમ છતાં આટલી મોટી સંખ્યામાં હથિયાર કબ્જે થઇ શકશે કે કેમ તે અંગે ચાલતી ચર્ચાએ ચકચાર જગાડી છે.