- ઉત્તર ગુજરાત બાદ હવે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનો સંકલ્પ: નરેશભાઈ પટેલ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 21મી ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર)ના 1008 શિલાપૂજન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ શિલાપૂજન સમારોહમાં 1008 યજમાનના હસ્તે મુખ્ય શિલા સહિત 1008 શિલાનું પૂજન કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓની પૂજન વિધિ શરૂ કરવામાં આવી હતી. હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રીમહેતા પ્રદ્યુમ્ન પ્રહલાદજી (લાલાભાઈ) દ્વારા શિલાપૂજન વિધિ કરાવવામાં આવી હતી. શિલાપૂજન વિધિ પૂર્ણ થયે સૌ યજમાનો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. શિલાપૂજન વિધિમાં ઉપયોગમાં લેવાયેલ માતાજીની પ્રતિમા, બાજોઠ, પૂજાની થાળી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાડાછડી, સોપારી, આચમની અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તમામ દાતાઓનું શ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
શિલાપૂજન પ્રસંગે નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, 2017માં કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. લેઉવા પટેલ સમાજ સમગ્ર ગુજરાતમાં પથરાયેલો છે ત્યારે ટ્રસ્ટીમંડળે નિર્ણય લઈને સમગ્ર ગુજરાતના લેઉવા પટેલ સમાજને ટ્રસ્ટની હુંફ મળે તે માટે ઉત્તર ગુજરાતના સંડેર ગામની બીજા શ્રી ખોડલધામ મંદિર નિર્માણ માટે પસંદગી કરવામાં આવી. ત્યારે આજે મા ખોડલની દયાથી આપણે સૌ શિલાપૂજન મહોત્સવના સહભાગી બન્યા છીએ. સંડેર ગામે શ્રી ખોડલધામ મંદિર બનવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને શ્રી ખોડલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે. ખોડલધામ એક સંસ્થા નહીં પણ વિચાર છે અને આ વિચાર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો છે.
ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે. ખુશીની વાત એ છે કે, દક્ષિણ ભારતમાં વસતા લેઉવા પટેલ સમાજે પણ દક્ષિણ ભારતમાં ખોડલધામ સંકુલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કેવું હશે ખોડલધામ મંદિર?
સંડેર પાસે શ્રી ખોડલધામ સંકુલ ખાતે મા ખોડલનાં ભવ્ય આ મંદિરની ડિઝાઇન કાગવડ ખાતેનાં મંદિર જેવી જ રહેશે. કલાત્મક મંડોવર રૂપ ચોકી શિખર પદ સહિત વિદ્યહેમ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.રંગ મંડપ અને કોલી મંડપમાં સામ્રણ શિખર રહેશે જ્યારે એક મુખ્ય શિખર રહેશે.મુખ્ય શિખર સુધી મંદિરની 70 ફૂટ ઊંચાઈ રહેશે,117 ફૂટ લંબાઈ અને 65 ફૂટ પહોળાઈ હશે.મંદિરમાં 9સ9 નું ગર્ભગૃહ બનશે.65સ65 નો રંગ મંડપ બનશે.કોતરણી સાથે આર.સી.સી.માં મંદિરનું નિર્માણ થશે.મંદિરમાં સફેદ માર્બલની મા ખોડલની મૂર્તિની સ્થાપના થશે.