Abtak Media Google News

શિવભાણ સિંહ, સેલવાસ:

સેલવાસના મુખ્ય વિહાર રોડ પર તોડી પાડવામાં આવેલા શિવાલયનો વિવાદ દિનપ્રતિદિન વકરી રહ્યો છે. આબકારી વિભાગ, પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ભાવિક ભક્તોએ સ્થળ પર પહોંચી શિવલિંગની સ્થાપના કરવા જતાં પોલીસે અટકાવ્યા હતા જેથી મામલો વધુ બિચકાયો છે.

દારૂની દુકાન માટે પૂજા સ્થળ તોડી પાડવામાં આવ્યું ?

બનાવની વિગત મુજબ, સેલવાસના મુખ્ય વિહાર રોડ પર નાનું એવું શિવાલય પણ આસ્થાનું મોટું કેન્દ્રબિંદુ એવું મહાદેવનું મંદિર આવેલું છે. જેને થોડા દિવસ અગાઉ તંત્ર દ્વારા તોડી પડાતા ભકતોમાં રોષ ભભૂકયો છે. વિખરાયેલી શિવ મૂર્તિ નજીકના જળાશયમાં પાણીની બહાર જોવા મળી હતી. આ પછી, શિવાલયને તોડી પાડનારાઓએ દાવો કર્યો કે અમે મૂર્તિને શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન કર્યું છે.

Ssss2222

શિવ મંદિરને તોડી પાડવાની નિંદા કરતા વીએચપી અને અન્ય ઘણી સંસ્થાઓએ વહીવટીતંત્ર સમક્ષ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે નજીકની દારૂની દુકાનનું લાયસન્સ રિન્યૂ કરવા માટે પૂજા સ્થળ તોડી પાડવામાં આવ્યું છે. આ બનાવમાં આબકારી વિભાગની મૌન સંમતિ છે.

વિશ્વ હિન્દુ પરિષદ- સેલવાસના આગેવાનો અને કાર્યકર્તાઓએ શિવની મૂર્તિ લઈને સ્થળ પર સ્થાપિત કરવાની કોશિશ કરી. આ વાતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વીએચપીના કાર્યકરોને મુર્તિ સ્થાપના કરવાથી અટકાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યુ કે શિવ મૂર્તિ સ્થાપિત કરવા તેમજ તોડી પાડવામાં આવેલા શિવાલયના પુન:  નિર્માણ અને પ્રતિમાના સ્થાપનમાં પોલીસ-વહીવટીતંત્રએ કાયદાકીય રીતે સહકાર આપવો જોઈએ. પરંતુ તેઓએ અમને રોક્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જો શિવાલય કોઈની ખાનગી મિલકત પર બાંધવામાં આવે તો પણ તેને દારૂની દુકાન ચલાવવા માટે તોડી પાડવાની મંજૂરી આપી શકાતી નથી. પણ આમાં આબકારી વિભાગની મૌન સહમતી જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.