Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદીમાં 10 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 182 બેઠકો પરથી ચુંટણી લડવાની છે તેવી જાહેરાત અગાઉ જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના ક્ધવીનર અરવિંદ કેજરીવાલ દ્વારા કરી દેવામાં આવી છે. દરમિયાન આજે રાજયની 10 વિધાનસભા બેઠકો માટે આપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં રાજકોટ શહેરની કુલ 4 બેઠકો પૈકી 2 બેઠકો માટેના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે વશરામભાઈ સાગઠીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જયારે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે શિવલાલ બારસીયાને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. રાજકોટ પશ્ર્ચિમ અને પૂર્વ બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી જેની પાછળનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ માટે બેઠક પસંદગીનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા અમદાવાદ ખાતેથી ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણી માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં 10 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. દિયોદર વિધાનસભા બેઠક માટે ભીમાભાઈ ચૌધરીને ટીકીટ આપવામાં આવી છે જયારે સોમનાથ બેઠક માટે જગમાલ વાળા, છોટા ઉદેપુર બેઠક માટે અર્જુન રાઠવા, બેચરાજી બેઠક માટે સાગર રબારીને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભાની બેઠક માટે થોડા સમય પહેલા જ કોંગ્રેસનો સાથ છોડી આપનું ઝાડું પકડનાર વશરામ સાગઠીયાને ટીકીટ આપવામાં આવી છે જયારે રાજકોટ દક્ષિણ માટે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસીયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે. કામરેજ બેઠક માટે રામ ધડુક, ગારીયાધાર બેઠક માટે સુધીર વાઘાણી, બારડોલી બેઠક માટે રાજેન્દ્ર સોલંકી અને નરોડા બેઠક માટે ઓમપ્રકાશ ત્રિવેદીને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરવામાં આવશે.

  • ઈન્દ્રનીલ રાજયગુુરુ માટે પૂર્વ અને પશ્ર્ચિમ બન્ને બેઠકના દ્વાર ખુલ્લા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. તેઓ અરવિંદ કેજરીવાલના નજીક હોવાનું મનાઇ રહ્યું છે. આજે આપ દ્વારા 10 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં રાજકોટની દક્ષિણ અને ગ્રામ્ય બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતુ પૂર્વ-પશ્ર્ચિમ બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. રાજકીય પંડિતોમાં થતી ચર્ચા મુજબ ઈન્દ્રનીલ રાજયગુરુ માટે શહેરની બંને બેઠકો પરથી જયાં પસંદ પડે ત્યાં ચૂંટણી લડવાના વિકલ્પ ખુલ્લા રાખવામાં આવ્યા છે. 2012 વિધાનસભાની ચુંટણીમાં ઈન્દ્રનીલ રાજયગુરુ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડી વિજેતા બન્યા હતા જયારે 2017માં તેઓ રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી વિજયભાઈ રૂપાણી સામે ચુંટણી લડયા હતા અને હારી ગયા હતા.

તેઓ બંને બેઠક પર ચુંટણી લડવા સક્ષમ હોવાના કારણે આપ દ્વારા તેઓ માટે વિકલ્પ ખુલ્લા રાખવામાં આવ્યા હોય પશ્ર્ચિમ અને પૂર્વ બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.