Abtak Media Google News

‘હર હર મહાદેવ હર’ એ સંપૂર્ણ સમર્પણનો મંત્ર

કૈલાશ પર્વત સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે

શિવ સર્વજ્ઞ છે, જે પાવર ઓફ સુપ્રીમ છે, જ્યારે જીવ અલ્પજ્ઞ છે અને માયા જળ છે

પવિત્ર શ્રાવણ માસ એટલે કે ભગવાન ભોળાનાથ ‘શિવજી’નો મહિમા, શિવજીની પૂજા, અર્ચના કરવાનો માસ અને તેમાં પણ એક ભજનની પંક્તિ મુજબ બખાન ક્યા કરૂ મેં રાખો કી ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા આમ એક ચપટી ભભૂતમાં કુબેરનો સમગ્ર ખજાનો ગણાતો હોય તેવા ભગવાન શિવજીનો મહિમા તેમજ તેના આભૂષણો જેવા કે સાપ, વાહન નંદી વગેરે વગેરેની મહિમા સહિતનો સત્સંગ (વાતો) પ્રસિધ્ધ શિવ કથાકાર પૂ.કાળુગીરીબાપુ ગોસ્વામી દ્વારા ‘અબતક’ ચેનલની લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં રજૂ કરવામાં આવી હતી જેનો સંક્ષિપ્ત સાર અહિં રજૂ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન : શિવજી મહાદેવ કેમ કહેવાયા ?

જવાબ : પાંચ તત્વોથી પર ભગવાન શિવજી ગુરૂના ગુરૂ દેવી-દેવતાઓથી ઉચ્ચ સ્થાન ધરાવે છે. શિવ સર્વજ્ઞ છે. જ્યારે જીવ અલ્પજ્ઞ છે અને માયા જળ છે. આમ શિવજી પિંડ બ્રહ્માંડથી પર છે અને શિવજીએ પાવર ઓફ સુપ્રિમ છે જે સમગ્ર બ્રહ્માંડના કોઇપણ ખૂણે શું થાય છે તેની ખબર રાખે છે એટલે જ તેને મહાદેવ કહેવામાં આવે છે.

પ્રશ્ન : શિવ અને જીવ વચ્ચેનો સંબંધ કેવો છે….?

જવાબ : જીવ અલ્પજ્ઞ છે તે પરિપૂર્ણ પ્રજ્ઞાવાન નથી તેના બે પ્રકાર છે. નૈતિક અને અનૈતિક કોઇ નૈતિક જીવન જીવે છે તો કોઇ અનૈતિક જીવન જીવે છે. જીવની મહતા પ્રભુતા એટલી નથી કે જેટલી જીવની છે. શિવજી આંખના પલકારામાં સૃષ્ટિનું સર્જન કરી શકે છે અને વિસર્જન પણ કરી શકે છે. લેખમાં મેખ મારી શકે તે મહાદેવ જ્યારે જીવની ઘણી બધી આશાઓ હોય છે. જે બધી પરિપૂર્ણ થતી નથી.

પ્રશ્ન : શિવજીનો વાસ સ્મશાનમાં કેમ ?

જવાબ : ખરેખર તો શિવજીનો વાસ. સ્મશાનમાં હોવાનું શિવપુરાણમાં પણ નથી કે અન્ય કોઇ ધર્મના પુસ્તકોમાં ઉલ્લેખ હોવાનું મારી જાણમાં નથી અને મહાદેવનો વાસ સ્મશાનમાં નથી અને આવું માનનારાઓની એ ભયંકર ભુલ છે. અમુક લોકો મહાદેવજીને વામણા બતાવવા કરતા હશે કારણ કે ચારે વેદોમાં મહાદેવ અત્ર-તત્ર સર્વત્ર હોવાનું કહ્યું છે જ્યારે રામાયણમાં પ્રભુ સર્વત્ર હોવાનો ઉલ્લેખ છે. આધ્યાત્મીક દ્રષ્ટિએ જોઇએ તો જગતમાં સાત્વીક જીવન જીવવા માંગતા લોકોને માન અપમાનરૂપી ઝેરના ઘુંટણા પીવા પડતા હોય છે અને તે પણ પેટમાં ન ઉતારી ગળામાં રાખી અને સમગ્ર પરિવારનું કલ્યાણ કરવાની ભાવના જન્મે તે નિલકંઠ કહી શકાય ખરૂ….

પ્રશ્ન : શિવજી હિમાલયમાં કેમ વસે છે ?

જવાબ : શિવજી હિમાલયના કૈલાશ પર્વત પર વસે છે. જો કે હાલ તો આધુનિક ટેકનોલોજીથી સૃષ્ટિ અંગેની ઘણી બધી જાણકારી આપણે મેળવી શકીએ છીએ. પરંતુ એ સમયમાં આપણા ઋષિ મૂનિઓ પોતાના અંતર ચક્ષુ દ્વારા બધુ જાણી શકતા હતા. ખાસ કરીને જ્યાં નેગેટીવ ઉર્જા હોય ત્યાં જ્યોર્તિલીંગો સ્થપાઇ છે. કોઇપણ શિવ મહાપુરાણમાં સ્મશાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ શિવ તો અણુમાં છે તો સ્મશાનમાં વાસની વાત જ ક્યાં રહી ?

પ્રશ્ન : શિવ નિલકંઠ કેમ કહેવાયા ?

જવાબ : નિલ એટલે વાદળી અને કંઠ એટલે ગળુ. દેવ દાનવોએ સાથે મળી જ્યારે સમુદ્ર મંથન કર્યુ ત્યારે સમુદ્રમાંથી હીરા, માણેક, મોતી, રત્નો વગેરે સહિત છેલ્લે કાલપુટ નામનું ઝેર નિકળ્યું તેને દેવો કે દાનવો બધાએ સ્વીકારવાનો ઇન્કાર કરતા આખરે ભગવાન શિવની આરાધના કરી પ્રસન્ન કર્યા. ભગવાન ભોળાનાથે આખરે આ ઝેર ગ્રહણ કરી કંઠમાં રાખ્યુ એ વાત લૌકીક છે અને સૌ જાણે છે.

સામાન્ય રીતે લોકોમાં વહેતી ધારા કે જેમાં એક જ્ઞાનધારા અને એક અજ્ઞાનધારા હોય છે. પહેલાના જમાનામાં આવા નેગેટીવ વાતાવરણમાં ગાયોના ધણ રાખવામાં આવતા કહેવાય છે કે ગાયને આ અંગેની ગતિવિધીઓની પહેલા જાણ થતી હોય છે.

હિમાલયમાં મોટા-મોટા ઝોન અને ખાસ કરીને હિમાલય બ્રહ્માંડનું મધ્યબિંદુ છે. જ્યાં એક જ ઋતુ છે, એક જ વાતાવરણ છે, એક જ ઉર્જા છે અને જે શિયાળો, ઉનાળો, ચોમાસુ આમ ત્રણ ઋતુથી અલગ છે ત્યાં હમેંશા અખંડ અને અક્ષય આનંદ છે.જેથી મોટાભાગે નેગેટીવ ઉર્જા વહેતી હોય તેવા સ્થાનોમાં જ્યોર્તિલીંગની સ્થાપના કરાઇ છે.

પ્રશ્ન : શિવની જટામાં ગંગાનો વાસ કેમ છે ?

જવાબ : સાધક સાધનામાં ખૂબ જ આગળ વધે છે ત્યારે હંસ અને પરમ હંસની ગતિથી પણ આગળ શિવની ગતિ છે. આમ અલગ-અલગ ગતિવિધીમાં સંસાર છે.  જીવને શિવ થવું છે જીવનું અખંડ સ્વરૂપ જ્ઞાન છે જ્યારે જટાએ વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવ આખું આધ્યાત્મ સ્વરૂપ છે. શિવને પામવા પરમ વૈરાગ્યની જરૂર છે. શિવની જટામાં જ્ઞાનની ગંગા વહે છે. જે આધ્યાત્મિક છે. જ્યારે ભગરથ રાજાની વાત અને ગંગાજી વગેરે લૌકીક છે.

પ્રશ્ન : ભાલમાં ચંદ્ર, ગળામાં સાપ, નંદી, કાચબો વગેરે પ્રતિકો વિશે…. ?

જવાબ : શિવાલયમાં મોટાભાગે પાંચ પગથીયા હોય છે. જ્યારે ઘંટ છે તે નાદનું પ્રતિક છે. નંદી ધર્મ અને આત્મ સ્વરૂપી છે. સાધના કરતા પહેલા નાગને જગાડવો જોઇએ. બળદ, ધર્મનું પ્રતિક છે. ગણેશ, હનુમાન, કુર્મ વગેરેને બહાર રાખવામાં આવ્યા છે. શિવના રહસ્યને કોઇ સંપૂર્ણ જાણી ન શકે તેથી તેને બહાર રાખવામાં આવ્યા છે. (ચંદ્રીકા) તે ઇશ્ર્વરની માયા છે જે ચંદ્રરૂપે પ્રકાશિત છે તેના દ્વારા જાણકારી સાથે લોકો શિક્ષિત અને દિક્ષિત થાય છે.

પ્રશ્ન : બિલ્વપત્રનું મહત્વ શું છે ?

જવાબ : જીવનની આધી-વ્યાધી-ઉપાધી આમ ત્રણ પ્રકારના પાપ નાશ કરવા ભગવાનને બિલ્વપત્ર ચડાવવામાં આવે છે.

પ્રશ્ન : તાંડવ નૃત્ય વિશે….?

જવાબ : તાંડવ નૃત્યના બે પ્રકાર છે લાસ્ય અને હાસ્ય આમ લાસ્ય નૃત્યએ વિસર્જન જ્યારે હાસ્ય નૃત્ય એ સર્જન છે. શિવ સર્જન હાર છે તે તાંડવ કરે તે સર્જનાત્મક શક્તિ પણ છે જ્યારે એકમાં વિસર્જનાત્મક બ્રહ્માંડનો પ્રલય અને મહાપ્રલય પણ થાય છે.

પ્રશ્ન : બીજા દેવો કરતા મહાદેવ વધુ આપે ખરા….?

જવાબ : મહાદેવ પરિવર્તનના દેવ છે અને તે લેખમાં મેખ મારી શકે છે તેનું પૂજન કરવાથી સુખ શાંતિ મળે છે. ઉપરાંત આયુષ્ય આપવાની શક્તિ પણ શિવમાં છે. મહાદેવને પૂજવા માટે સંતો, રજો અને તમો ગુણ આમ ત્રિગુણમાંથી બહાર નિકળવું પડે. પરમ વૈરાગ્ય અને પરમ ત્યાગ આવે ત્યારે જ શિવજીની સાધના થઇ શકે સામાન્ય રીતે જોઇએ તો શૂન્યની સરહદ વટાવ્યા પછી જ શિવ સાધના શક્ય બને છે.

પ્રશ્ન : ‘હર હર મહાદેવ હર’ બોલીને ભોજન ગ્રહણ કરવું તે વિશે…?

જવાબ : હર એટલે હરવું, હર એટલે જળ, હર એટલે રૂદ્ર આમા હરના ઘણા અર્થ થાય છે.

બંને હાથ ઉંચા કરી અને હર હર મહાદેવ બોલવું અને તે પણ ભોજનમાં ભજનમાં યુધ્ધમાં વગેરે તે સંપૂર્ણ શરણાગતિ છે અને ધર્મ, આધ્યાત્મ તરફ ભાવ ધરાવવા મહાદેવને શરણે જવું જ જોઇએ એનાથી જ કલ્યાણ છે. ‘હર હર મહાદેવ હર’ વિશ્ર્વ કા કલ્યાણ હો, પ્રાણીઓને સદ્ભાવના હો,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.