Abtak Media Google News

દર વર્ષ રવેડીમાં લાખો લોકોનો મહેરામણ હોય છે આ વર્ષે ભાવિકો વિના ભવનાથ સુમસામ

આજે ભાવિક ભક્તજનો વગરનો ભવનાથના શિવરાત્રી મેળાનો અંતિમ દિવસ છે, ત્યારે રાત્રિના સમયે વિવિધ અખાડાના સાધુ, સંતો, મહંતો અને દિગંબર સાધુઓની એક રવેડી ભવનાથ ક્ષેત્રમાં નીકળશે અને બાદમાં  ભવનાથ મંદિરે પરત ફરી,, મુર્ગી કુંડમાં સાધુ-સંતો-મહંતો શાહી સ્નાન કરશે અને રાત્રીના 12:30 વાગ્યે મહાઆરતી થયા બાદ આ મેળાને પૂર્ણ જાહેર કરવામાં આવશે.

સૌકાથી એટલે કે  લગભગ 102 વર્ષથી ગિરિવર ગિરનારની સાનિધ્યમાં બિરાજતા ભવનાથ મહાદેવના મંદિરે મહા વદ નોમના દિવસે ભવનાથ મંદિર તથા વિવિધ અખાડા અને આશ્રમો પર ધ્વજા રોપણ થયા બાદ ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમો મહાશિવરાત્રીનો મેળો યોજાય છે. પાંચ દિવસ માટે યોજાતા આ મેળામાં લગભગ દસેક લાખ જેટલા ભાવિક ભક્તજનો મેળાનો લાભ લેતા હોય છે અને અહીં પધારતા ભારતભરના સાધુ, સંતોના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

શિવરાત્રીની રાત્રે નવેક વાગ્યે હજારો સાધુ, સંતો, દિગંબર સાધુ ની ઉપસ્થિતિ વચ્ચે અનેક મહામંડલેશ્વર અને વિવિધ અખાડાના અગ્રણી સાધુ-સંતો-મહંતો ની એક શાહી રવાડી ભવનાથ ક્ષેત્રમાં ફરે છે લગભગ ત્રણેક કિલોમીટર જેટલા લાંબા રૂટ પર આ રવાડી ત્રણેક કલાક ફરે છે, અને રવાડી લગભગ એકાદ કિલોમીટર લાંબી હોય છે, જેમાં બેન્ડવાજા, શરણાઈ, ઢોલ, નગારા, ડમરુ અને ડીજે સહિતના વાદ્યો સાથે હર હર મહાદેવ, બમ બમ ભોલેના ગગનભેદી નાદ ગૂંજતો હોય છે અને દિગંબર સાધુ દ્વારા હેરત ભર્યા અંગવ કસરતના દાવો કરવામાં આવે છે, આ સિવાય તલવારબાજી, ભાલા બાજી, લાઠી દાવ પણ યોજાય છે અને આ રવેડી જોવા માટે બપોરના બે વાગ્યા થી હજારોની સંખ્યામાં રૂટની બંને બાજુ બેસી ગયેલા ભાવિકો રાત્રીના 12 વાગ્યા સુધી રવેડીના દર્શન કરવા માટે પાણી પીવા પણ ઊભા થતા નથી.

દરમિયાન ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ભવનાથના મહા શિવરાત્રી મેળાને મીની કુંભ મેળોનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ મેળા માટે ફાળવવામાં આવી હતી. જેને લઇને ભારતના ખ્યાતનામ કલાકારો આ મેળામાં આવ્યા હતા અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એવી જ રીતે ભારતભરમાંથી સાધુ સંતો મહંતો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા અને ગત વર્ષે મોટા પ્રમાણમાં આ સંતો, તપસ્વીઓ દ્વારા ધુણા ધખાવામાં આવ્યા હતા.

મેળાને ગત વર્ષે કુંભમેળો જાહેર કરી સરકારે કરોડો રૂપિયા આ મેળા પાછળ ખર્ચાયા હતા. જો કે મેળા બાદ થયેલા ખર્ચા સામે અનેક આંગળી ચિંધાઈ હતી અને આરટીઆઇ થવા પામી હતી.આ સિવાય આ મેળાના આયોજનમાં સામેલ અનેક લોકો સામે ગંભીર આક્ષેપો પણ થવા પામ્યા હતા અને એક વાત મુજબ ગત વર્ષના અનેક કોન્ટ્રાક્ટરો અને આ મેળામાં કામ કરનાર લોકોને લાખો રૂપિયાના બિલ વાંધા અરજીઓ અને ફરિયાદો થતાં  મળેલ નથી

આ વર્ષે વિશ્વભરમાં કોરોના મહામારી પ્રસરી છે અને કોરોના માંડ કાબુ માં આવ્યો છે, ત્યારે સરકારની સુચના અને માર્ગદર્શન નીચે જુનાગઢ વહીવટી તંત્રએ આ વર્ષનો શિવરાત્રી મેળો પરિક્રમાની જેમાં પરંપરાગત રીતે થાય તેવું ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો, ઉતારા મંડળના અગ્રણીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ સાથે એક મિટિંગ યોજી નક્કી કર્યું હતું. અને આ મિટિંગમાં મેળાની પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ-સંતોના ધુણા ધખાવાની સાથે શિવરાત્રીના દિવસે રવાડી અને શાહી સ્નાન જેવા પરંપરાગત ધાર્મિક કાર્યો અને કાર્યક્રમો તથા પૂજા-અર્ચના ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ત્યારે આ વર્ષે ભવનાથના મેળામાં માત્ર સાધુ સંતોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને જૂનાગઢ મહાનગરના સ્થાનિક લોકોની સાથે બહારના ભાવિકોને પણ આ મેળામાં પ્રવેશ અપાતો નથી અને સ્મશાન નજીક જ આવા શ્રદ્ધાળું, યાત્રીકોને ભવનાથ જતા રોકવામાં આવે છે. જે સાધુ, સંતો આ મેળામાં આવે છે તેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવે છે અને બાદમાં તેમને ભવનાથમાં પ્રવેશ આપવામાં આવે છે.

આ મેળામાં મોટા પ્રમાણમાં લોકો પ્રવેશે નહિ તે માટે આગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને તેના માટે જૂનાગઢ પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આજે ભવનાથ મંદિરના સાનિધ્યમાં સાધુ, સંતો માટે યોજાયેલ મેળાનો અંતિમ દિવસ છે ત્યારે રાત્રિના નવ વાગ્યે એક રવાડી શરૂ થશે. જે ભવનાથના મુખ્ય માર્ગો પર ફરી, ભવનાથ મંદિર ખાતે પરત ફરશે. જ્યાં સાધુ-સંતો-મહંતો ભવનાથ મંદિર સ્થિત મુર્ગી કુંડ ખાતે શાહી સ્નાન કરશે. અને બાદમાં રાત્રીના 12:30 વાગ્યે ભવનાથ મહાદેવ મંદિરે ભોળાનાથની મહા આરતી થશે અને બાદમાં આ વર્ષનો મહાશિવરાત્રી મેળો સંપન્ન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.