- સોમનાથ મંદિરમાં લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપુજન, મહાપૂજા,આરતી કરવામાં આવ્યા
- મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા
પ્રથમ જ્યોતિર્લંગ સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પધારે છે. ત્યારે આજરોજ પવિત્ર કાર્તિક માસની માસિક શિવરાત્રિ પર પ્રણાલિકા અનુસાર સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા શાસ્ત્રોકત વિધિવિધાન અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.
સાથે જ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. જ્યોત પૂજનમાં સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ પી.એસ.ગઢવી, જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, ટ્રસ્ટના ઈન.જનરલ મેનેજર શ્રી અજયકુમાર દુબે તેમજ મોટી માત્રામાં ભાવિકો પણ જોડાયા હતા. પૂજનના અંતે શ્રી સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી હતી જે સામગ્રી દ્વારા મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12:00 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી.
માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. “હરહર મહાદેવ, જય સોમનાથ”ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
અહેવાલ: અતુલ કોટેચા