Abtak Media Google News
  • નાયબ મામલતદારના પરિવારે 1972માં યુદ્ધ દરમિયાન કચ્છનું છેવાડાનું ગામ છોડવું પડ્યું હોવાનું દર્શાવી જમીનની માંગણી કરી, કે.રાજેશે જાણે પોતાની જમીન હોય તેમ પધરાવી પણ દીધી
  • મહિલા નાયબ મામલતદારના પિતાની અરજી અગાઉના કલેક્ટરે ફગાવી પણ દીધી હતી, પણ કે.રાજેશ તેમના મિત્ર હોય જોઈતું પીરસી દીધું
  • કે.રાજેશે સુરન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે સત્તાનો દૂરૂપયોગ કરી 60 વર્ષ જૂનું પ્રકરણ કાયદાથી ઉપર જઈને માત્ર 4 મહિનામાં જ પતાવી દીધું

પૂર્વ કલેક્ટર કે.રાજેશના પ્રકરણમાં એક પછી એક અચરજ પમાડે તેવા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક ધડાકો એ થયો છે કે કે.રાજેશે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે સતાનો કર્યો દૂર ઉપયોગ કરી 60 વર્ષ જૂનું પ્રકરણ કાયદાથી ઉપર જઈને માત્ર 4 મહિનામાં જ પતાવી દીધું હતું. એ નાયબ મામલતદારે 1972માં યુદ્ધ દરમિયાન કચ્છનું ગામ છોડવું પડ્યું હોવાનું દર્શાવી જમીનની માંગણી કરી હતી. કે.રાજેશે જાણે પોતાની જમીન હોય તેમ 32 એકર સરકારી જમીન તેમને પધરાવી પણ દીધી હતી. જો કે હકીકતમાં 1972માં કચ્છમાં યુદ્ધની કોઈ સ્થિતિ ન હતી.

લગભગ 60 વર્ષથી ચાલી રહેલા જમીન વિવાદને ઉકેલવામાં તે સમયના સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશને માત્ર ચાર મહિનાનો સમય લાગ્યો હતો.  તત્કાલિન સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે, તેમણે કથિત રીતે અગાઉના કલેક્ટરના આદેશને રદિયો આપ્યો હતો. અને તેમની નજીકના નાયબ મામલતદારના પરિવારને 32 એકર મુખ્ય જમીન ટ્રાન્સફર કરી હતી.

આ વિશે મળેલી વિસ્તૃત માહિતી એવી છે કે 27 મે, 1963માં સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના વિસનગર ગામમાં જમીન વિહોણા ખેડૂત આપાભા રવાભા ગઢવીને 32 એકર જમીન કૃષિ હેતુ માટે ફાળવવામાં આવી હતી.  જો કે, જ્યારે મહેસુલ અધિકારીઓએ 1973 માં જમીનની તપાસ કરી, ત્યારે તેમને જાણવા મળ્યું કે આપાભા ગઢવી કે તેમના પરિવારના કોઈપણ સભ્યોએ જમીનમાં ખેતી કરી નથી.  રાજ્ય વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જમીન ગઢવીના કબજામાં ન મળી હોવાથી, ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરે 26 એપ્રિલ, 1971ના રોજ પ્લોટને સરકારી રેવન્યુ જમીનમાં રૂપાંતરિત કર્યો હતો. 75 વર્ષીય ગઢવીએ 2013માં તત્કાલિન જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી.

રાજ્ય વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આપાભા રવભા ગઢવીએ 25 જુલાઈ, 2013ના રોજ એક અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેણે કચ્છના આ છેલ્લા ગામને 1972માં ભારત-પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાન તરફથી ભારે તોપમારો થયો હોય, છોડી દીધું હતું.

જો કે, 1972 અને 1973માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી તે સ્થાપિત કરવા માટે કોઈ રેકોર્ડ નથી.  “યુદ્ધ 1971 માં થયું હતું. ઉપરાંત, વિસનગર નામનું ગામ સુરેન્દ્રનગર જિલ્લા હેઠળ આવે છે, કચ્છમાં નહીં અને તે બંને દેશોની સરહદ પરનું છેલ્લું ગામ નહોતું.”  22 જાન્યુઆરી, 2017ના રોજ, સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર ઉદિત અગ્રવાલે આપાભા ગઢવીની અરજી ફગાવી દીધી હતી અને પ્લોટને સરકારી મહેસૂલી જમીન તરીકે અટકાવી દેવામાં આવ્યો હતો.  દરમિયાન ડિસેમ્બર 2017માં ગઢવીનું અવસાન થયું હતું.

“રાજેશે 2018 માં સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 6 નવેમ્બર, 2020 ના રોજ, તેણે વિવાદિત જમીન પરની ફાઇલ ફરીથી ખોલી અને 24 નવેમ્બર, 2020 ના રોજ જમીનની માલિકી અંગે નોટિસ જારી કરી. ઉપરાંત તેણે તેના નીચેના અધિકારીઓને તમામ જરૂરી મંજૂરીઓ આપી આ જમીન આપાભા ગઢવીના વારસદારો એટલે કે તેમની પુત્રીઓ જુહુ ગઢવી અને અમી ગઢવીના નામે ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો. સીબીઆઈને એવું પણ જાણવા મળ્યું છે કે આપાભા ગઢવીની બે પુત્રીઓ પૈકી એક નાયબ મામલતદાર છે અને તે કે.રાજેશના મિત્ર પણ છે.

2 ફેબ્રુઆરી, 2021ના રોજ, આપાભા ગઢવીના પરિવારને કથિત રીતે 32 એકર જમીન ફાળવવામાં આવી હતી. જે રોડની નજીક છે. એટલે તેની કિંમત પણ ખૂબ મોટી છે. બાદમાં ઓચિંતા આ મહિલા નાયબ મામલતદારની સુરેન્દ્રનગરથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં બદલી થઈ હતી. સામે કે.રાજેશને બઢતી આપવામાં આવી હતી અને જૂન 2021માં જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલ સીબીઆઈ આ 60 વર્ષ જુના પ્રકરણને માત્ર 4 મહિનામાં જ ઉકેલી દેવામાં આવ્યું અને કયા આધાર ઉપર આ બધું થયું તે અંગે ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.