Abtak Media Google News

દેવપોટી એકાદશી પછીથી શરૂ થતાં  ચાતુર્માસનો આ પ્રથમ મહિનો છે, શિવભકિતમાં ભકતો લીન બને છે, આ માસમાં રક્ષાબંધન, નાગપંચમી જન્માષ્ટમી જેવા તહેવારો ઉજવાય છે

આપણાં પૌરાણિક ગ્રંથોમાં શ્રાવણ માસનું અતિ મહત્વ છે. આ માસમાં દેવીભાગવત તેમજ શિવપુરાણનું વાંચન અને શ્રવણ કરવાનું શાસ્ત્રોમાં જણાવેલ છે. આ મહિનાના દરેક દિવસ સાથે ભોળાનાથના શ્રાવણી સોમવારનું અતિ મહત્વ છે. ભકતો આખા મહિનાનાં એકટાણા સાથે અમુક તો સોમવારનું વ્રત કરે છે. આખો મહિનો દેવોના દેવ ‘મહાદેવ’ની પૂજા કરીને આશિર્વાદ મેળવે છે.

આપણાં દેશનાં પવિત્ર તીર્થધામો જેવા કે ગંગાસાગર, કાશી- ગંગોત્રી, હરદ્વાર, ઋષિકેશ જેવા સ્થળોએ આ દિવસોમાં કાવડ યાત્રા નીકળે છે. આ દિવસોમાં ચોમાસુ ઋતું ચાલતી હોવાથી નદી, સરોવરમાં નવા નીર આવ્યો હોય છે. મંદિરોમાં પૂજન અર્ચન બાદ નદીમાં પવિત્ર સ્નાન કરે છે. ભારતમાં ગંગા નદીના કિનારા ઘાટનું અનેરૂ મહત્વ છે. શિવજી ઉપર રૂદ્રાભિષેક કરે છે.

દેવોને દાનવો વચ્ચે સમુદ્રમંથન આ શ્રાવણ માસે જ થયું હતું. જેને કારણે પણ મહાદેવ ‘નિલકંઠ’કહેવાયા, વિષપાન કરીને શિવજી નિલકંઠ બન્યા હતા. શાસ્ત્રો એમ જણાવે છે કે મહાદેવ ભોળાનાથ સોમવાર અતિ પ્રિય હતો. તેથી સૌ આ દિવસે વ્રત કરે છે. આખો મહિનો દેવદર્શન સાથે લોકો શિવભકિતમાં લીન થઇ જાય છે.

આપણી કાઠિયાવાડી સંસ્કૃતિમાં શ્રાવણી પર્વનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં રક્ષાબંધન, નાગપંચમી, રાંધણ છઠ્ઠ, સાતમ આઠમ, જન્માષ્ટમી, પારણાનોમ જેવા વિવિધ તહેવારો આવે છે એ ઉ૫રાંત આનંદોત્સવસમો જન્માષ્ટમી મેળો પણ સૌ નગરજનો માપતા હોય છે.

સમુદ્ર મંથનમાં ૧૪ર૮નો નીકળ્યા તે પૈકી એક વિષ (ઝેર) પણ નીકળે છે. આ ઝેરની અસરથી સૃષ્ટિ બચાવવા મહાદેવ વિષપાન કરે છે. પોતાના ગળામાં તે ધારણ કરીને નિલકંઠ બન્યા છે. આ પૌરાણિક વાતોનું મહત્વ સાથે શ્રાવણ માસમાં મહાદેવના વિષ પાનની અસર ઓછી કરવા તેમના ઉપર જળનો અભિષેક કરાય છે. શિવપૂરાણમાં આગળ જણાવે છે કે પાણી કે જળ સૃષ્ટિના દરેક પ્રાણી માટે નવો સંચાર કરે છે. શંકરે તેની જટામાંથી સ્વયં ગંગાજી પ્રકટ કર્યાનું પણ શસ્ત્રોમાં પ્રમાણે મળે છે.

ભગવાન શિવના ભારતમાં ૧ર જયોતિલીંગ છે. શિવપૂરાણ તેનો ઉલ્લેખ છે. આ બધાના દર્શન માત્રથી ચારધામની યાત્રાનું ફળ ભકતોને મળે છે. પદમપૂરાણના પાતાળ ખંડમાં પણ તેનું મહત્વ દર્શનની વાત સાથે તમામ મનોકામના પૂર્ણ થાય તેવી વાત કરી છે. શિવજીના ત્રિશુળની ટોચ પર કાશી વિશ્ર્વનાથ નગરીનો ભાર છે તેથી ગમે તેવા પ્રલયમાં પણ કાશીનગરી હેમખેમ રહે છે.

શિવજીના બધા તહેવારોમાં શ્રાવણી પર્વ વિશેષ છે. આ માસમાં ચાર સોમવાર, એક શિવરાત્રી આ બધા એક સાથે ભેગા થાય છે તેથી વધુ ફળ આપનાર માસ બને છે. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ સોમવારે કાચા ચોખા, બીજાએ તલ, ત્રીજાએ આખા મગને ચોથા સોમવારે જવ લેવાના હોય છે ખાસ મહિલાઓ પોતાના પતિની લાંબી ઉમર માટે આ માસમાં વિશેષ પૂજન, અર્ચન, આરાધના કરે છે. તેમના બધા વ્રત પૈકી ૧૬ સોમવારનું વ્રત ખુબ જ શ્રેષ્ઠ ગણાય છે. જે વ્રત વૈશાખ, કારતક, શ્રાવણ કે માગસરના કોઇપણ સોમવારથી આરંભ કરી શકાય છે. ૧૭માં સોમવારે ૧૬ દંપતિને ભોજન, દાન આપીને ઉજવણી પણ કરાય છે.

શિવજીની પૂજામાં બીલીપત્રનું મહત્વ છે. મહાદેવના મસ્તક પર પાણીની ધાર કરીને જળાભિષેક થાય છે. શાસ્ત્રો મુજબ હનુમાન શિવજીનો અગિયારમો અવતાર છે. આખા શ્રાવણ માસે શિવપૂરાણ શિવ પંચાક્ષર મંત્ર, સ્ત્રોત-મહામૃત્યુંજય મંત્રનો પાઠ જપ કરે તો વધુ ફળે મળે છે. ભગવાન શિવજીમાં સમદ્રષ્ટિ છે. તેઓ બધાને સ્વીકારે છે. બધાને સમાન રીતે પ્રેમ અને અપનાવે છે. તેના માટે બધા સ્વીકાર્ય છે, પછી તે દેવ હોય કે દાનવ, ભૂત-પ્રેત કે પિશાચ, યક્ષ હોય કે કિન્નર સર્વોને સ્વીકારે છે. એટલે જ તમો ગમે તેટલી પૂજા-અર્ચના કરો પણ શિવનું સ્મરણ કે પૂજા ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધુરી ગણાય છે.

દેવોમાં મહાદેવ સર્વ શ્રેષ્ઠ છે ‘ૐ નમ: શિવાય’ એ મંત્રોમાં સર્વ શ્રેષ્ઠ છે. તેથી શિવજીની પૂજા વગર કોઇપણ દેવી-દેવતાં તમારી પૂજા સ્વીકારતા નથી. મહાદેવ સમગ્ર વિશ્ર્વનું કલ્યાણ કરે છે. શિવએ આદિ અનાદિ મૂળ તત્વ છે. શિવજી સ્મશાનમાં રહી તપ અને ત્યાગનો મહિમા સમજાવે છે. શિવનો અર્થ જ કલ્યાણ થાય છે. એજ દર્શાવે છે કે બીજાના કલ્યાણ અર્થે જીવન જીવો શિવની પૂજાથી શિવ-ભકતોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તે બધા દેવોના દેવ ‘મહાદેવ’છે. કૈલાસ પર્વત નિવાસી ભોળાનાથ, કરૂણાસાગર જેવા હજારો નામ સાથે આપણે ભકિતમાં લિન થઇ જાય છે. શ્રાવણી પર્વે શિવજીના પૂજન-અર્ચન સાથે ભકિતભાવ પૂર્વક ઉજવણી કરીને મહાદેવે દર્શાવેલ પથ પર ચાલીએ એ જ આપણો શ્રાવણી પર્વ હોય શકે.

શિવનું સ્વરૂપ જ આત્મ નિયંત્રણ છે

શિવજીની જટા સ્વયંશિસ્ત, આત્મ નિયંત્રણ અને ભોગવાદ પર લગામનું પ્રતિક છે. શિવજીના કપાળનું ત્રિપુંડ કુટુંબ સેવા સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાનું પ્રતિક છે. સર્પ એ કાળનું પ્રતિક છે. શિવના શરીરની ભષ્મ એ સંદેશ આપે છે કે ભોગવાદી ના બનો, આ શરીર એક દિવસ રાખ થવાનું જ છે. શિવજી દિગંબર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.