દ્વારકાનગરી બનશે શ્રી કૃષ્ણમય: રાજા રણછોડનો ૫૨૪૫મો જન્મોત્સવ ઉજવાશે

dwarka
dwarka

દ્વારકાનગરીમાં જન્માષ્ટમીની રાત્રે અગ્યાર વાગ્યે ભગવાનને ઉત્સવનો ભોગ ધરાવાય છે. રાત્રિના નવ વાગ્યાથી જ ભાવિકો મંદીરમાં એઠકા થવા માંડે છે. આતુરતાપૂર્વક બાર વાગ્યાની રાહ જોતા રહે છે. જે ઉત્સવ માટે હજારો ભાવિકો અહી એકઠા થાય છે તે ઉત્સવને થોડી જ મીનીટો બાકી રહે છે ત્યારે ઉતેજના વધી જાય છે.

આખરે બરાબર બારના ટકોરે ઉતેજનાનો અંત આવે છે. ગગનભેદી ઘંટારવ સાથે પડદો ખુલે છે અને દ્વારકાધીશની જય ના નારાથી સમગ્ર મંદીર ગુંજી ઉઠે છે અને ભગવાનની ઉત્સવ આરતી શરુ થાય છે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના બુલંદ નારા સાથે ભકતજનો નાચવા માંડે છે અને આમ દ્વારકાધીશજીની જન્મોત્સવ આરતી પરાકાષ્ઠાએ પહોંચે છે.

ધસમસતા પુરની માફક માનવ મહેરામણ નિજ મંદીરે ભણી ધસે છે. વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બને છે. બરાબર બે કલાક આવો જ ધસારો રહે છે બે વાગ્યે  ભગવાનને મહાભોગનો પ્રસાદ ધરાય છે અને ભગવાન મહાભોગ આરોગવા પડદા પાછળ ચાલ્યા જાય છે ભીડ ધીરે ધીરે ઘટવા લાગે છે. જેના માટે માઇલો દુરથી હજારો ભાવિકો અહીં આવે છે તે અંતે જન્માષ્ટમી ઉત્સવ પુરો થાય છે.

દર વર્ષે જન્માષ્ટમી પર હજારો યાત્રાળુઓ દ્વારકા આવે છે. દેશના ખુણે ખુણેથી ભાવિકો અહીં એકઠા થાય છે. ભગવાનની એક ઝલક મેળવવા સૌ પડાપડી કરે છે. અમીર ગરીબનો ભેદભાવ અહી રહેતો નથી. સૌને જગતના નાથના દર્શનની તાલાવેલી હોય છે.

એક વાત ચોકકસ છે કે આવા ઉત્સવને બહાને ચારે તરફથી મુંઝાયેલો માણસ ભગવાનના ચરણોમાં મસ્તક નમાવીને બે ઘડી પોતાના દુ:ખ દર્દને ભુલીને હળવોફુલ બની જાય છે.

જન્મોત્સવ અને શોભાયાત્રામાં ૬૫૦ જવાનો રહેશે તૈનાત

દ્વારકાની જન્માષ્ટમી મહોત્સવ અને શોભાયાત્રા દરમ્યાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ, એસ.આર.ડી. જી.આર.ડી. હોમગાર્ડઝ, મરીન પોલીસના જવાનો તેમજ અધિકારીગણમાં પાંચ ડીવાયએસપી દશ પીએસઆઈ, અને જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, એ.એસ.પી. પ્રશાંત સુમ્બે, રાજકોટ રેન્જ આઈજી, એલ.સી.બી. પી.આઈ. શારડા, એસ.ઓ.જી. પી.આઈ. ઝાલા, દ્વારકાના પીઆઈ દેકાવડીયા સહિતના અધિકારીઓ મળી કુલ ૬૫૦ જેટલા પોલીસકર્મીઓ તથા અધિકારીગણના સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા સંભાળવામા આવનાર છે.